Comments

ત્રણ પસંદગી

અચાનક નીતાના પતિને મોટો કંપનીમાંથી કોસ્ટ કટિંગના કારણસર પાણીચું મળી ગયું.આકાશ જાણે પડી ભાંગ્યો કે આ શું થઇ ગયું? હવે હું શું કરીશ? નિરાશામાં તે પોતાનો ગમ ભૂલાવવા દારૂ વધુ પીવા લાગ્યો.ઘરમાં રહી રહીને વધુ ગુસ્સે થવા લાગ્યો.તે આ પરિસ્થિતિનો સ્વીકાર જ કરી શકતો ન હતો અને એટલે તેમાંથી બહાર આવવાનું તેને સૂઝતું જ ન હતું.

નીતા પરેશાન હતી, પણ દેખાડતી નહિ.બાળકોને અને આકાશના મુડસ્વીંગ બરાબર સંભાળતી. આમ મહિનો વીતી ગયો.એક દિવસ સાંજે આકાશનો મૂડ થોડો સારો હતો અને બાળકો રમવા ગયાં હતાં.નીતાએ તક જોઇને આકાશની ફેવરીટ કોલ્ડ કોફી બનાવી, કોફીનો મગ આપતાં જ તેણે સીધી જ વાત શરૂ કરી, ‘આકાશ , હવે આગળ શું કરવું છે તે આપણે નક્કી કરી લઈએ.તારે દુઃખી થવાની પણ જરૂર નથી અને ગુસ્સે થવાનો કોઈ અર્થ નથી અને નિરાશ થવાનો અધિકાર છે પણ કાયમ તો આમ નિરાશ થઈને નહિ બેસી રહેવાય ને …’

નીતાએ શાંતિથી પ્રેમથી કહ્યું.આકાશ બોલ્યો, ‘મને સમજાતું નથી કે આવું મારી સાથે જ કેમ થયું? હું ભણેલો છું ..અનુભવી છું બરાબર કામ પણ કરતો હતો છતાં મને જ અન્યાય થયો.’ નીતા બોલી, ‘આકાશ, તારી બધી વાત સાચી છે,પણ જે થયું છે, ભલે ખરાબ થયું છે પણ સૌથી પહેલાં આપણે તેનો સ્વીકાર કરવો પડશે કારણ કે વાત આપણા હાથમાં નથી પણ તારું ભણતર , તારી આવડત , તારી મહેનત તો તારી પાસેથી કોઈ છીનવી નહિ શકે ને.’ આકાશને આ સાંભળીને થોડું સારું લાગ્યું, પણ તે બોલ્યો, ‘નોકરી ન હોય તો આ ભણતર ..આવડત ..અનુભવ શું કામનાં?’

નીતાએ કહ્યું, ‘આકાશ, આપણે બંને સાથે મળીને કામ કરીશું.તારી મોટા પગારની નોકરીની આપણી પાસે બચત પણ છે.કોઈ નવું કામ વિચારીએ અને સાથે સાથે તું નવી નોકરી પણ શોધવા લાગ.આમ બેસી રહેવાથી કંઈ નહિ ચાલે.જયારે જયારે જીવનમાં કંઇક ખરાબ સંજોગો આવે ત્યારે આપણી પાસે ત્રણ પસંદગી હોય છે.એક— તમે પરિસ્થિતિથી ગભરાઈ જાવ ..ડરી જાવ અને પરિસ્થિતિ તમને ભાંગી નાખે, તમે ફરી ઊભા જ ન થઈ શકો.બીજી — તમે પરિસ્થિતિનો સ્વીકાર કરો, જે હકીકત છે તે સમજો અને તે પ્રમાણે ઢળી જઈને આગળ માર્ગ શોધો.

ત્રીજી — સંજોગો અને પરિસ્થિતિ ભલે ખરાબ હોય તમે તેમાંથી કૈંક શીખો.તેમાંથી પાઠ મેળવો અને વધુ પાણીદાર બની તેમાંથી બહાર નીકળો.હવે નક્કી કર કે તારે કઈ પસંદગી કરવી છે.’ આકાશમાં પત્નીની આ સીધી સરળ પણ સચોટ વાત સાંભળી હિંમત આવી. તેણે કહ્યું, ‘તું સાથે રહીશ તો હું ત્રીજો વિકલ્પ પસંદ કરું છું અને હવે હું નવી નોકરીની શોધ પણ નહિ કરું.મારું કામ શરૂ કરીશ અને સફળ બની ,હું બીજાને નોકરીની તકો આપીશ.’ નીતા મલકી ઊઠી.
આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top