Comments

સંસદની સુરક્ષામાં ચૂક: તેની પાછળ કોણ છે? શું કરવું જોઈએ?

સંસદ પર 2001માં થયેલા આતંકવાદી હુમલાની 22મી વરસી પર બીજી ઘટના બની. વડા પ્રધાન નરેન્દ્ર મોદીથી લઈને તમામ સાંસદો ખૂબ જ નારાજ છે. નવા સંસદભવનમાં કહેવાતી પાંચ સ્તરીય સુરક્ષા વ્યવસ્થાનો ભંગ કરવામાં આવ્યો હતો તેમાં કોઈ શંકા નથી. મુલાકાતીઓની ગેલેરીમાંથી કૂદી ગયેલા બે માણસો ધુમાડાના ડબ્બા સંભવતઃ તેમના જૂતામાં સંતાડીને લાવ્યા હતા. તેમણે સાંસદો અને સ્ટાફને થોડી મિનિટો માટે આતંકિત કરવા માટે ધુમાડો છોડ્યો હતો, બાદમાં તેમને પકડીને પોલીસને સોંપવામાં આવ્યા હતા. આ ઘટનાને વધુ વિકરાળ બનાવવા માટે, એક મહિલા અને એક પુરુષે સંસદભવનની બહાર સમાન પ્રકારના ડબ્બામાંથી ધુમાડો છોડી સૂત્રોચ્ચાર કર્યા હતા. તેમને પણ પકડવામાં આવ્યા હતા. આમાં અન્ય બે પણ સામેલ હતા, જેમાંથી એક ભાગી છૂટ્યો હતો.

ચોંકાવનારી વાત એ છે કે આ તમામ લોકો અલગ-અલગ રાજ્યોનાં હતાં, અલગ-અલગ ભાષાઓ બોલતાં હતાં અને તેમ છતાં તેઓ દિલ્હીમાં ભેગાં થઈને સંસદમાં એવું કાર્ય કર્યું કે સંસદની સુરક્ષા સંભાળતા સુરક્ષાકર્મીઓ કાંપી ગયા હતા અને આ બનાવને વધુ વિચિત્ર બનાવવા માટે, સંસદના ગૃહમાં કૂદી જનાર બે શખ્સોને કર્ણાટકના ભાજપના સાંસદની ભલામણ પર પાસ આપવામાં આવ્યા હતા. તેઓએ કથિત રીતે નિરંકુશ બની રહેલી અને બંધારણનું સન્માન ન કરનાર સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા. તેઓ વધુ નુકસાન કરી શકતે નહીં કારણ કે ડબ્બાઓમાંથી નીકળતો ધુમાડો ઝેરી ન હતો. ઉપરાંત, તેમની પાસે સાંસદો અથવા સ્ટાફને જોખમમાં મૂકવા માટે કોઈ હથિયાર નહોતાં.ભલે તે માત્ર ટીખળ હોય કે ન હોય, તેણે નવી સંસદમાં સુરક્ષાપ્રણાલીઓની નબળાઈઓને છતી કરી. કેટલાંક કુખ્યાત આતંકવાદી સંગઠનો તરફથી સંસદને ધમકીઓ આપવામાં આવી છે.

સુરક્ષામાં નિષ્ફળતાઓ શોધવાની જરૂર છે અને તેના માટે જવાબદાર વ્યક્તિઓને ઓળખવાની જરૂર છે, જેથી કરીને યોગ્ય પગલાં લઈ શકાય અને સુરક્ષાભંગનું પુનરાવર્તન ન થાય. શું તેની પાછળ સરકારનો વિરોધ કરતું કોઈ જૂથ છે કે પછી કોઈ રાજકીય જોડાણ છે?તપાસમાં ઓપરેશનની વિગતો બહાર આવવી જોઈએ, જેથી કાવતરાના સિદ્ધાંતોને અવકાશ ન રહે. સરકારે વિપક્ષની ચિંતાઓને દૂર કરવી પડશે. વિપક્ષે પણ સુરક્ષાની નિષ્ફળતાનું રાજનીતિકરણ કરવાનું ટાળવું જોઈએ. જો કે માત્ર પ્રશ્નો ઉઠાવવા અથવા ખુલાસો માંગવાથી તેનો અર્થ એવો ન કાઢવો કે બનાવનું રાજકીયકરણ કરાઈ રહ્યું છે. વિપક્ષે વિચારવું જોઈએ કે મોદી કે ગૃહ પ્રધાન અમિત શાહ પર દોષારોપણ કરવાની આ સારી તક છે.

સમય પહેલાં ઘૂસણખોરોના હેતુઓ અંગેનું અનુમાન લગાવી શકાય નહીં. તેઓ નાનાં શહેરોના નિમ્ન મધ્યમ વર્ગમાંથી આવેલા યુવાનો હોઈ શકે છે, જેઓ તેમના શિક્ષણને અનુરૂપ નોકરીઓની અછત સહિતનાં વિવિધ પરિબળોથી નિરાશ છે. એવું પણ બની શકે છે કે આ તેમનું વિરોધ પ્રદર્શન કોઈક દ્વારા ગોઠવવામાં આવ્યું હતું. સત્ય બહાર આવવું જરૂરી છે. તે દુર્ભાગ્યપૂર્ણ છે કે સંસદમાં સુરક્ષાભંગ પર ખૂબ જ જરૂરી ચર્ચા સત્તાધીશ બેન્ચ અને વિપક્ષ વચ્ચે ટાળી શકાય તેવા મુકાબલામાં ફેરવાઈ ગઈ છે.

સંસદનું કામકાજ સુચારુ રીતે ચાલે તે સુનિશ્ચિત કરવાની જવાબદારી સરકાર અને વિપક્ષ બંને પર છે, પરંતુ ખાસ કરીને સરકાર પર. વિપક્ષે ઘટનાની તપાસ માટે સરકારને સમય આપવો જોઈએ. સરકારના ફ્લોર મેનેજરોએ વિપક્ષ સુધી પહોંચવાની અને ખાતરી આપવાની જરૂર છે કે તેમને ગૃહની કાર્યવાહીમાં જગ્યા અને સમય આપવામાં આવશે. આ ફક્ત પરસ્પર વિશ્વાસ અને સૌહાર્દના વાતાવરણમાં થઈ શકે છે, જે હાલમાં નથી.

સંસદ પરિસરમાં સુરક્ષામાં મોટો ફેરફાર કરવામાં આવે, પણ સામાન્ય નાગરિકોને સંસદમાં પ્રવેશતાં અટકાવવાં જોઈએ નહીં. ભારત સહિત મોટા ભાગના લોકશાહી દેશોમાં પ્રચલિત છે તેમ સંસ્થાને લોકોની નજીક લઈ જવાનો પ્રયત્ન કરવો જોઈએ. નાગરિકોએ જોવું જોઈએ કે તેમના પ્રતિનિધિઓ સંસદમાં કેવી રીતે કામ કરે છે.  બુકિંગ અને સુરક્ષા મંજૂરીઓ માટે વધુ કર્મચારીઓ અને ટેક્નોલોજીનો ઉપયોગ મુલાકાતીઓના સંચાલનમાં મદદ કરી શકે છે.
આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top