Editorial

દેશની ધર્મનિરપેક્ષતાને જોખમાવતી હેટ સ્પીચ આપનારા બચી શકશે નહીં, કડક પગલા લેવાનો સુપ્રીમનો આદેશ

દેશમાં છેલ્લા કેટલાક સમયથી ધર્મના નામે કે પછી જાતિના નામે ધિક્કારની લાગણી જન્માવે તેવા નિવેદનો કરવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. મોટાભાગના રાજકીય પક્ષના આગેવાનો દ્વારા આ પ્રકારની હેટ સ્પીચ આપવામાં આવી રહી હતી. આવી સ્પીચને કારણે તોફાનો થવાની અને ધર્મ કે જાતિ વચ્ચે રમખાણો થતાં હતા. હેટ સ્પીચ આપનારાઓ સામે ફરિયાદો પણ થતી હતી પરંતુ જે રીતે તેમાં પોલીસ દ્વારા કુણું વલણ અપનાવવામાં આવતું હતું તેને કારણે નક્કર કાર્યવાહી થવાની સંભાવના ખૂબ ઓછી રહેતી હતી.

પરંતુ હવે તેવું થશે નહીં. સુપ્રીમ કોર્ટમાં થયેલી અરજીઓને પગલે સુપ્રીમ કોર્ટે શુક્રવારે દેશના તમામ રાજ્યો તેમજ કેન્દ્રશાસિત પ્રદેશોને કડક આદેશ કર્યો હતો કે જે વ્યક્તિ દ્વારા હેટ સ્પીચ આપવામાં આવે તેની સામે તાકીદના ધોરણે પગલા લઈને એફઆઈઆર નોંધવામાં આવે. આવી હેટ સ્પીચ સામે કોઈ ફરિયાદ કરવા તૈયાર નહીં થાય તો પણ જે તે સરકારે ફરિયાદી બનીને એફઆઈઆર નોંધવી. હેટ સ્પીચમાં જો કેસ નોંધવામાં વિલંબ થશે તો તેને કોર્ટની અવમાનના ગણવામાં આવશે તેવી તાકીદ પણ સુપ્રીમ કોર્ટ દ્વારા કરવામાં આવી છે.

હાલમાં દેશમાં રાજકીય માહોલમાં તિરસ્કારની ભાવના વધારે છે. રાજકારણીઓ દ્વારા પોતાની વોટબેંકને બચાવવા માટે ધર્મ કે પછી જાતિના સંદર્ભમાં હેટ સ્પીચ આપવામાં આવે છે અને તેમાં પણ વધારો થતો રહ્યો છે ત્યારે સુપ્રીમ કોર્ટ દ્વારા કરાયેલો આ આદેશ  મહત્વનો છે. સુપ્રીમ કોર્ટ દ્વારા આ અંગે વધુ સુનાવણી પણ 12મી મેના રોજ રાખવામાં આવી છે. પોતાના નિર્દેશમાં સુપ્રીમ કોર્ટ દ્વારા ટિપ્પણી કરવામાં આવી છે કે જ્યારે પણ આવી કોઈ વ્યક્તિ દ્વારા હેટ સ્પીચ આપવામાં આવે ત્યારે તેવી વ્યક્તિના ધર્મની કોઈ જ પરવા કરવાની જરૂરીયાત નથી.

દેશની મૂળભૂત કલ્પના ધર્મનિરપેક્ષ દેશની છે. અગાઉ સુપ્રીમ કોર્ટએ 2022માં યુપી, દિલ્હી તેમજ ઉત્તરાખંડ સરકારોને આવો આદેશ કર્યો જ હતો પરંતુ આ વખતે આ આદેશને વિસ્તાર્યો છે અને આખા દેશમાં તેને લાગુ કર્યો છે. સુપ્રીમ કોર્ટએ કહ્યું હતું કે, હેટ સ્પીચ એક ગંભીર પ્રકારનો ગુનો છે. આવા પ્રકારની સ્પીચથી દેશની ધર્મનિરપેક્ષતા અને લોકોની ગરિમાને મોટી અસર થાય છે. આપણે ધર્મના નામે ક્યાં પહોંચી ગયા છે? આ ખુબ દુખદ બાબત છે.

અગાઉ પણ સુપ્રીમ કોર્ટએ કહ્યું હતું કે, હેટ સ્પીચ મામલે સર્વસંમતિ વધી રહી છે અને ભારત જેવા બિનસાંપ્રદાયિક દેશમાં હેટ ક્રાઈમ માટે કોઈ જ જગ્યા નથી. હેટ સ્પીચના મામલે કોઈ જ સમાધાન કરી શકાય નહીં. રાજ્યો દ્વારા હેટ સ્પીચની સમસ્યાનો સ્વીકાર કરવામાં આવે તો જ તેનો ઉકેલ મળશે. રાજ્યની એ પ્રાથમિક ફરજ છે કે આવા કોઈપણ પ્રકારના ગુનાથી તેના નાગરિકોનું રક્ષણ કરવામાં આવે. સુપ્રીમ કોર્ટ દ્વારા જે આ આદેશ કરવામાં આવ્યો તે સુઓમોટો હતો. ભારતનું બંધારણ જ કહે છે કે ભારત ધર્મનિરપેક્ષ દેશ છે.

આ સંજોગોમાં ધર્મના નામે થતી કોઈપણ પ્રકારની હેટ સ્પીચને ક્યારેય કોઈ સ્થાન હોઈ શકે નહીં. માત્ર ને માત્ર વોટબેંકને ઉશ્કેરવા માટે અને પોતાની તરફેણમાં કરવા માટે જ રાજકારણીઓ દ્વારા હેટ સ્પીચને સહારો લેવામાં આવે છે. પરંતુ આ પ્રકારની સ્પીચથી દેશની અખંડિતતાને ભારે નુકસાન થાય છે. ખરેખર તો દેશના પ્રત્યેક રાજકારણીએ એ સમજવું જોઈએ કે તેમની વોટબેંક, પક્ષ કરતાં પણ દેશ વધારે મહાન છે. દેશ એક થઈને રહે અને સાથે સાથે તેની પ્રગતિ થાય તે માટે દેશમાં શાંતિનો માહોલ જળવાયેલો રહે તે જરૂરી છે. દેશના વિકાસ માટે પણ એ જરૂરી છે કે તમામ કોમના લોકો હળીમળીને રહે. ચાહે તે કોઈપણ ધર્મના કેમ નહીં હોય.

સુપ્રીમ કોર્ટ દ્વારા ભલે હાલમાં આદેશ કરવામાં આવ્યો હોય પરંતુ હેટ સ્પીચના મામલે ચૂંટણીપંચએ પણ વધુ ગંભીર અને કડક બનવાની જરૂરીયાત છે. મોટાભાગે ચૂંટણીના સમયે જ હેટ સ્પીચ બોલવામાં આવે છે અને તેનો સીધો લાભ ચૂંટણીમાં લેવામાં આવે છે. જો ચૂંટણી પંચ દ્વારા હેટ સ્પીચ આપનારને ચૂંટણી લડવાથી પ્રતિબંધિત કરવામાં આવે તો જ તેનો ઉકેલ આવી શકે છે. સાથે સાથે પોલીસ દ્વારા આવા નિવેદન આપનારાઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે, ન્યાયતંત્ર દ્વારા ઝડપથી કેસ ચલાવીને તેને જેલમાં પૂરવામાં આવે તો જ સુપ્રીમ કોર્ટએ કરેલો આદેશ સાર્થક રહેશે. જો આમ નહીં થાય તો દેશની ધર્મનિરપેક્ષતા જોખમાશે અને લેભાગુ રાજકારણીઓ તેનો ગેરલાભ ઉઠાવતાં જ રહેશે તે નક્કી છે.

Most Popular

To Top