Comments

લોકસભાની 6 મહત્વપૂર્ણ બેઠકો, જમ્મુ કાશ્મીર, લડાખની ચૂંટણીને રસપ્રદ બનાવતી બાબતો

જમ્મુ અને કાશ્મીર અને લડાખ સંબંધિત બે ઘટનાક્રમ થયા છે, જેની સીધી અસર લોકસભાની ચૂંટણીઓ પર છે. આ ઘટનાક્રમોએ ફરીથી 2 કેન્દ્રશાસિત પ્રદેશો પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે જેઓ જમ્મુ અને કાશ્મીર રાજ્યને વિભાજિત કરવામાં આવ્યું ત્યારથી તેમની ઓળખ માટે સંઘર્ષ કરી રહ્યા છે. આ વિસ્તારમાં લોકસભાની 6 બેઠકો છે. સંખ્યાત્મક રીતે તે મોટા ચૂંટણી ગણિતમાં નજીવા લાગે છે, પરંતુ વ્યૂહાત્મક રીતે તે 5 ઓગસ્ટ, 2019ના ઘટનાક્રમ બાદ ઘણું મહત્વ ધરાવે છે. જ્યારે ચીન અને પાકિસ્તાન બંને બાજુથી હુમલો કરવા તૈયાર છે.

હવે ઘટનાક્રમની વાત કરીએ, વિરોધ કરી રહેલા લડાખીઓ અને ગૃહ મંત્રાલયની પેટા સમિતિ વચ્ચે રાજ્યનો દરજ્જો આપવા, લડાખને બંધારણની 6ઠ્ઠી અનુસૂચિમાં સમાવિષ્ટ કરવા, આદિવાસીઓના દરજ્જાની સુરક્ષા, નાજુક પર્યાવરણની સુરક્ષાના મુદ્દે બે બેઠકો બાદ વાટાઘાટો અટકી ગઈ હતી. પરિણામે સામાજિક કાર્યકર અને પર્યાવરણવાદી સોનમ વાંગચુક જેઓ લડાખના ‘ગ્લેશિયર મેન’ તરીકે પણ ઓળખાય છે, તેઓ 21 દિવસના વિરોધ ઉપવાસ પર બેઠા હતા, તેમણે કહ્યું હતું કે જો તેમની માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો આમરણાંત ઉપવાસ કરવામાં આવશે.

બીજું, નેશનલ કોન્ફરન્સે કાશ્મીર ખીણની ત્રણેય લોકસભા બેઠકો પર ચૂંટણી લડવાનું નક્કી કર્યું છે, આ રીતે મહેબૂબા મુફ્તીની પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટીને ઈન્ડિયા ગઠબંધનના સંયુક્ત કાર્યક્ષેત્રમાંથી બહાર રાખી છે, પરંતુ તે જ સમયે જમ્મુમાં બે બેઠકો માટે કોંગ્રેસ સાથે ગઠબંધન કરવા માટે વિકલ્પો ખુલ્લા રાખ્યા છે. કોંગ્રેસે મહેબુબા મુફ્તી માટે એક બેઠકના બદલે નેશનલ કોન્ફરન્સને લડાખ સીટ ઓફર કરી હોવા છતાં આવું થયું હતું.

જો લડાખીઓની માંગણીઓના સમર્થનમાં આંદોલનનું નેતૃત્વ કરી રહેલા લેહ એપેક્સ બોડી (એલબીએ) અને કારગિલ ડેમોક્રેટિક એલાયન્સના (કેડીએ) નજીકના સૂત્રોનું માનવામાં આવે તો મંત્રણા ખાસ કરીને ગૃહ મંત્રી અમિત શાહ સાથેની મુલાકાત પછી કોઈ મૂર્ત પરિણામ લાવવામાં નિષ્ફળ ગઈ હતી. તેમ છતાં શાહે પ્રતિનિધિમંડળને ખાતરી આપી હોવાનું ટાંકવામાં આવ્યું હતું કે કેન્દ્ર તેમની માંગ પર ચર્ચા ચાલુ રાખવા માટે પ્રતિબદ્ધ છે, એલબીએ-કેડીએ જોડાણે વાટાઘાટોને ‘નિષ્ફળ’ ગણાવી હતી કારણ કે ગૃહમંત્રીએ તેમની કોઈ પણ મહત્વપૂર્ણ માગણીઓની બાબત પર પ્રતિબદ્ધતા દર્શાવી ન હતી.

આ બે ઘટનાક્રમની સાથે ભાજપે નવા ચહેરાઓને મેદાનમાં ઉતારવાની અટકળો વચ્ચે જમ્મુ અને ઉધમપુર બેઠકો પરથી વર્તમાન સાંસદોને રિપીટ કરીને તેના ઉમેદવારોની જાહેરાત કરી હતી. વર્તમાન સાંસદો જુગલ કિશોર (જમ્મુ) અને વિજ્ઞાન રાજ્ય મંત્રી (ઉધમપુર) ડો. જીતેન્દર સિંહ સામે સત્તા વિરોધી વલણને કારણે નવા ચહેરાઓ વિશેની અટકળો પેદા થઈ હતી. દેખીતી રીતે, ભાજપ હાઈકમાન્ડે જૂના ચહેરા સાથે ચાલુ રાખવાનું પસંદ કર્યું અને કોઈ જોખમ ન લીધું. પાર્ટીએ નિર્ણાયક કાશ્મીર ખીણ અને એકમાત્ર લડાખ બેઠક માટે ઉમેદવારોની જાહેરાત કરવાનું બાકી રાખ્યું છે. તેમાં વિલંબનો સીધો સંબંધ આ પ્રદેશોમાં પ્રવર્તતી પરિસ્થિતિ સાથે છે. લડાખ એક આંદોલનાત્મક મોડમાં છે, જે કેન્દ્ર અને ભાજપ વિરુદ્ધ છે, જ્યારે, કાશ્મીરીઓ નહીં પરંતુ ભગવા પાર્ટીના સંચાલકો કાશ્મીરની જમીની રાજકીય પરિસ્થિતિ વિશે શંકાશીલ છે.

કલમ 370ના આંશિક રદ્દીકરણ અને પરિણામે બંધારણીય યોજનામાં ફેરફાર દ્વારા મળેલા લાભો અંગેના બે કેન્દ્રશાસિત પ્રદેશોના વહીવટીતંત્રના ઊંચા દાવાઓ છતાં, જમ્મુ અને કાશ્મીર અને લડાખ બંનેમાં જમીન પર રાજકીય અસંતોષ છે. વિરોધ, જેમ કે લડાખમાં, અથવા જમ્મુ અને કાશ્મીર વિસ્તારોમાં ભયજનક મૌન અને રોષ બંનેમાં એક સામાન્ય બાતબ છે – ઓળખ, રાજકીય સશક્તિકરણ (રાજ્યના સ્વરૂપમાં) અને રોજગાર સંબંધિત મુદ્દાઓને બચાવવા માટેના સંઘર્ષની અભિવ્યક્તિઓ.

કાશ્મીર ખીણમાં એકલા ચૂંટણી લડવાના ડો. ફારૂક અબ્દુલ્લાની નેશનલ કોન્ફરન્સના નિર્ણય છતાં, ઈન્ડિયા ગઠબંધન બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં એક્શનમાં જોવા મળશે. ત્યારપછી પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી દ્વારા જારી કરાયેલ એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે પાર્ટી ભાજપને હરાવવા માટે કોઈ પણ ‘બલિદાન’ આપવા તૈયાર છે. ભાજપની અંદર પણ વિપરીત દ્રષ્ટીકોણ હોવા છતાં, જમ્મુ પ્રદેશના તેના ગઢમાં ભગવા પાર્ટી દ્વારા ઉમેદવારોની પુનરાવર્તન સહિતની આ ઘટનાઓના પગલે હિમાલયન કેન્દ્રશાસિત પ્રદેશોની 6 લોકસભા બેઠકો પર ચૂંટણીમાં રસાકશી થશે તે નક્કી છે. હકીકત એ છે કે ભાજપ બે વાર 2014 અને 2019, જમ્મુ, ઉધમપુર અને લડાખ બેઠકો જીતી ચુક્યો છે અને ફરી એક વખત આ બેઠકો જાળવી રાખવા આતુર છે, તે આ સ્પર્ધાને વધુ રસપ્રદ બનાવે છે.

જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખ એવા કેટલાક રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં સામેલ છે જ્યાં કેટલીક સમસ્યા હોવા છતાં ઈન્ડિયા ગઠબંધન ખરાબ સ્થિતમાં નથી. તેનાથી વિપરિત ભાજપ સ્પષ્ટપણે લડાખ પ્રદેશમાં એક મુશ્કેલ વિકેટ પર છે જ્યાં પરંપરાગત રીતે કારગિલ (શિયા મુસ્લિમ પ્રભુત્વવાળા) અને લેહ (બૌદ્ધ પ્રભુત્વવાળા) વિભાગો તેમના અસ્તિત્વની લડાઈ લડી રહ્યા છે. પાર્ટીએ તેના વર્તમાન સાંસદના નામનું પુનરાવર્તન કરવાનું અથવા જમ્મુ અને ઉધમપુરની સાથે તેની પ્રથમ સૂચિમાં નવા ઉમેદવારની જાહેરાત કરવાનું ટાળ્યું, તે આ હકીકત દર્શાવે છે.

લડાખના વર્તમાન સાંસદને રાજ્યનો દરજ્જો અને આદિજાતિના અધિકારો માટે ચાલી રહેલા સંઘર્ષમાં લગભગ બાજુ પર મૂકી દેવામાં આવ્યા છે કારણ કે તેમની પાસે તેમની પાર્ટી અને કેન્દ્રનીા દિશાનિર્દેશ પર ચાલવા સિવાય કોઈ વિકલ્પ નહોતો. ઈન્ડિયા ગઠબંધને કોંગ્રેસના ઉમેદવારને સમર્થન આપવું એ લગભગ નિશ્ચિત છે કારણ કે નેશનલ કોન્ફરન્સ અને પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી બંનેએ આવી દરખાસ્ત માટે તેમની તૈયારી દર્શાવી છે.

સંજોગોમાં ભાજપના દરેક પગલાને કુતૂહલથી જોવામાં આવશે. શું પક્ષ હજુ પણ તેના વર્તમાન સાંસદને પુનરાવર્તિત કરશે કે જેઓ લડાખી સમાજના હિતને સમર્થન આપવાના ઇનકારને કારણે મજબૂત એન્ટિ-ઇન્કમ્બન્સીનો સામનો કરી રહ્યા છે? કે આવા સંજોગોમાં નવા ઉમેદવાર કોણ હશે? તે લગભગ નિશ્ચિત છે કે ઈન્ડિયા જૂથના ભાગીદારો જમ્મુ ક્ષેત્રમાં પણ કોંગ્રેસના ઉમેદવારોને સમર્થન આપશે. ગુલામ નબી આઝાદની ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ આઝાદ પાર્ટી (ડીપીએપી) દ્વારા તેના ઉમેદવારો ઉભા રાખવાનો નિર્ણય વિપક્ષી ગઠબંધનના હેતુને આંશિક રીતે નુકસાન પહોંચાડી શકશે તેવો અંદાજ લગાવી શકાય નહીં. તેમ છતાં તેમના નવા પક્ષને જમીન પર વધુ સમર્થન મળ્યું નથી પરંતુ તે ઈન્ડિયાના સંયુક્ત ઉમેદવારોને ખાસ કરીને ઉધમપુરની તેમના વતન ચેનાબ વેલી સીટ પર મર્યાદિત નુકસાન પહોંચાડવાની ક્ષમતા ધરાવે છે.

નેશનલ કોન્ફરન્સ અને પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી જેવા ઈન્ડિયા જૂથના ભાગીદારોના સમર્થન સાથે, કેન્દ્રશાસિત પ્રદેશમાં બહુમતી મુસ્લિમ મતદારો પર નોંધપાત્ર પકડ ધરાવે છે, કોંગ્રેસ તેના પોતાના પ્રભાવના હિસ્સા દ્વારા મદદ કરી તેમાંથી સારી હરીફાઈ કરી શકે છે. એવું નથી કે કોંગ્રેસને, આવી પરિસ્થિતિમાં આત્મસંતુષ્ટ થવાનું પરવડે છે, પરંતુ તેણે પોતાનું ઘર વ્યવસ્થિત કરવું પડશે અને તેના આંતરિક વિરોધને અસરકારક રીતે લડવું પડશે.

કોંગ્રેસ માટે પ્રથમ પૂર્વશરત સારા ઉમેદવારોની પસંદગી હશે જે લોકોમાં સ્વીકાર્ય હોય. હકીકત એ છે કે પક્ષમાં સ્વીકાર્ય ઉમેદવારોની સંપૂર્ણ અછત છે કારણ કે મોટાભાગે એ હકીકત છે કે સ્થાપિત, જૂના અને થાકેલા ખેલાડીઓ કોઈ પણ વિશ્વસનીય ચહેરાને આગળ આવવા દેતા નથી. પાર્ટી માટે સૌથી મોટી ખામી સંગઠનાત્મક મોરચે છે. ભાજપની બૂથ લેવલ સુધી પથરાયેલી સક્ષમ મશીનરી સામે, કોંગ્રેસ દેશના અન્ય ભાગોની જેમ અસરકારક સંગઠનાત્મક નેટવર્કથી દૂર છે. અહીં ઈન્ડિયા ગઠબંધનના સંયુક્ત નેટવર્કની અસરકારકતાને અમલમાં આવવાની જરૂર છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top