Comments

ભાજપનો ભરતી મેળો : કોંગ્રેસ કેટલી તૂટશે ?

રાહુલ ગાંધીની ન્યાય યાત્રા ગુજરાતમાં આવે એ પહેલા ગુજરાત કોંગ્રેસમાં મોટા ગાબડા પડ્યા છે. રાહુલની યાત્રા ૨.૦ શરૂ થઇ ત્યારે જ કોન્ગ્રેસ્માથી ભાજપ ભણી પ્રવાહ શરૂ થઇ ગયો હતો. શરૂઆતમાં મિલિન્દ દેવરા ગયા પછી અશોક ચવાણ ગયા અને ગુજરાત યાત્રા પહોચે એ પહેલા ગુજરાતમાંથી વર્તમાન અને પૂર્વ ધારાસભ્ય સહીત દસેક નેતાઓ ભાજપમાં જોડાયા છે અને એ હજુ ય એ યાદી લાંબી થઈ રહી છે. જાણે આ તો અંત વિનાની વાર્તા બની ગઈ છે.

અર્જુન મોઢવાડીયા અને અંબરીશ ડેરના જવાથી સૌરાષ્ટ્રમાં કોંગ્રેસને સારું એવું નુકસાન થયું છે. આ જ રીતે ગુજરાતનાં અન્ય પ્રદેશમાથીં પણ કોન્ગ્રેસના નેતાઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે. છેલ્લા એક દસકામાં સવાસો કોંગ્રેસી નેતાઓ ભાજપમાં ગયા છે. કદાચ કોઈ રાજ્યમાં કોંગ્રેસને આટલી હદે નુકસાન નહિ થયું હોય. અને છતાં કોંગ્રેસની કુમ્ભકર્ણ જેવી ઊંઘ ઉડતી નથી. ભાજપ લોકસભાની છેલ્લી બે ચૂંટણીઓમાં બધી ય ૨૬ બેઠક જીતતી આવી છે. અને હવે હેટ્રિક કરવાનો સંકલ્પ છે અને એ સંકલ્પ સાથે દરેક બેઠક પર ૫ લાખની લીડ મેળવવાનું લક્ષ્યાંક છે. અને એ માટે કોંગ્રેસમાં તોડફોડ થઇ રહી છે. સામ, દામ દંડ અને ભેદની નીતિ ભાજપ પાસે છે અને એ કામ કરી ગઈ છે.

અને આ નીતિ કામ એટલે પણ કરી જાય છે કારણ કે, કોંગ્રેસ છેલ્લા અઢી દાયકાથી વધુ સમયથી સત્તાવિહોણી છે અને એ લારને કાર્યકર્તાઓમાં નિરાશા અને હતાશા છે. રાજકારણમાં આવનારા કોઈને કોઈ મહત્વાકાંક્ષા લઈને આવે છે અને સત્તાથી સતત દૂર રહેવું કોઈને પસંદ નથી હોતું. અને કોંગ્રેસ આ દેશમાં ૬૦-૭૦ વર્ષ સત્તામાં રહી છે એટલે એના નેતાઓને સત્તા વિહોણા રહી સંઘર્ષ કરવાનું કદાચ ફાવટુ નથી. ભાજપની વાત જુદી છે. ભાજપ લાંબો સમય સત્તાથી દૂર રહ્યો પણ એ કોંગ્રેસ જેટલો તુટ્યો નથી. કેટલાક કિસ્સા બન્યા પણ એનાથી ભાજપને ઝાઝ્ય નુકસાન થયું નથી. એનું કારણ અનુશાસન અને સંઘના સંસ્કારો પણ ગણી શકો. પણ કોંગ્રેસમાં એ કલ્ચર જોવા મળતું નથી. કોન્ગ્રેસના અનેક કટકા થયા છે.

ગુજરાતની વાત કરીએ તો અહી પણ આંતરિક વિખવાદ સતત રહ્યો છે. પણ એક સમય એવો રહ્યો કે, કોન્ગ્રેસ પાસે ગુજરાતમાં ચહેરો બની શકે એવા નેતાઓ હતા છેલ્લા ત્રણેક દાયકાથી એનો અભાવ કોંગ્રેસને સાલે છે. ગુજરાતમાં ભાજપ વિરુદ્ધ મુદાઓનો પાર નથી પણ એ મુદાઓને લોકો વચ્ચે લઇ જવામાં કોંગ્રેસ નિષ્ફળ જ રહી છે. બીજું કે, કોંગ્રેસને અહેમદ પટેલની ખોટ સાલે છે. અહેમદભાઈ હતા ત્યાં સુધી એ ગુજરાતને જેવી કે તેવી રીતે સાચવી લેતા હતા. એ મોવડી મંડળ અને ગુજરાત કોંગ્રેસ વચ્ચેની મહત્વની કદી હતા. હવે એવું રહ્યું નથી. અને કેન્દ્રીય મોવડી મંડળ અને ગુજરાત કોંગ્રેસ વચ્ચે બહુ મોટી ખાઈ પડી ગઈ છે અને એ વધુને વધુ ઊંડી થતી જાય છે. એ જ રીતે ગુજરાત કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તા વચ્ચે પણ અંતર પડી ગયું છે.

અર્જુન મોઢવાડીયા જેવા વરિષ્ઠ નેતાઓ પક્ષ છોડી જાય અને પક્ષ એમને સમજાવી ના શકે એ શું દર્શાવે છે? મોરબી કોન્ગ્રેસના પ્રમુખ કોંગ્રેસ પ્રમુખ પડે કિશોર ચીખલીયાની નિયુક્તિ સામે કોંગ્રેસમાં જબરો વિરોધ થયો પણ મોવડી મંડળે એને ધ્યાને ના લીધો , એ કારણે મોરબી કોન્ગ્રેસના કેટલાય નેતાઓના રાજીનામાં પડ્યા અને કેટલાક ભાજપમાં પણ ગયા આમ છતાં આ અસંતોષની આગ બુઝાવવા કોંગ્રેસ મોવડી મંડળે જરા જેટલો પણ પ્રયત્ન ના કર્યો. કોઈ પક્ષ આટલી હદે નીશ્ફીકર કઈ રીતે હોય શકે! આ અહંકાર છે કે પછી રાજકીય આપઘાત .

શક્તિસિંહ ગોહિલને ગુજરાત કોન્ગ્રેસના પ્રમુખ બનાવાયા બાદ આશા હતી કે, કોંગ્રેસ મજબૂત બનશે પણ એવું બન્યું નથી. શક્તિસિંહ કાબેલ નેતા છે પણ સંગઠન શક્તિનો અભાવ છે. બધાને સાથે લઇ ચાલવાની આવડત કદાચ એમની પાસે ઓછી છે. અને કેન્દ્રીય મોવડી મંડળ પણ હાથ જોડીને બેઠું છે. કોન્ગ્રેસ્માથી ભાજપમાં ગયેલા એક યુવા નેતાએ ખાનગીમાં એવું કહેલું કે, ગુજરાતમાં કોંગ્રેસ સત્તા પર આવે એવું દૂર દૂર સુધી દેખાતું નથી. ક્યાં સુધી રાહ જોવી? આ પ્રશ્નનો જવાબ કોંગ્રેસ મોવડી મંડળે એના કાર્યકર્તા અને નેતાઓને આપવો પડશે , નહિ તો કોંગ્રેસ હજુ ય તૂટશે. અને વિપક્ષ વિના ભાજપ બે લગામ બનશે એનું નુકસાન લોકોને જ થવાનું.

મમતા બેનર્જી ભીંસમાં
ભાજપને જોરદાર ટક્કર આપનારા તૃણમુલ કોન્ગ્રેસના સર્વેસરવા મમતા બેનર્જી પહેલીવાર ભીંસ અનુભવી રહ્યા છે. ભાજપને સામાન્ય રીતે જડબાતોડ જવાબ આપવા ટેવાયેલા મમતા આ વેળા એમના એક નેતા શાહજહાં શેખને બચાવવા જવામાં ઉપાધી વહોરી બેઠા છે. સંદેશખાલી વિસ્તારમાં આ શાહજહાંનો ખોફ છે. મહિલા ઉત્પીડન અને જમીનો કબજે કરવી ..એવા અનેક ગુનાઓ એમની સામે નોંધાયેલા છે આમ છતાં મમતા સરકાર દ્વારા એમની સામે કડક પગલા લેવાયા નહોતા. મામલો કોર્ટમાં પહોચ્યો અને સ્થાનિક રીતે પણ મહિલાઓનો આક્રોશ વધ્યો એ પછી મમતા પર રાજ્કોય હુમલા વધ્યા .

હાઈકોર્ટે આ નેતાની ધરપકડ કરવા અને એને સિબિઆઇને સોંપવા આદેશ કર્યો અને એમાં ય મમતા સરકારે વિલંબ કર્યો એ કારણે મમતા સામે ભાજપને મોરચો માંડવાની તક મળી ગઈ છે. વડાપ્રધાન મોદી પણ આ વિસ્તારમાં ગયા અને પીડીતાઓને મળ્યા અને કહ્યું કે, આ અત્યાચારથી માથું શરમથી ઝુકી જાય છે. આ કિસ્સો મમતાની રાજકીય મહત્વતાને નુકસાનકારક બનશે. કારણ કે, મહિલાઓમાં મોદી લોકપ્રિય છે. એન ભાજપ મહિલા મત મેળવવા માટે કોઈ કસર છોડતો નથી. બીજી બાજુ , તૃણમુલના નેતાઓની ભાજો ભણી યાત્રા ચાલુ જ છે. લોકસભાની ચૂંટણીમાં આ કિસ્સાના કારણે મમતાને કેટલું નુકસાન થાય છે એ મહત્વનું બનશે.

નીતિશના પગલે નવીન!
એનડીએમાં નીતિશકુમારની એન્ટ્રી બાદ હવે નવીન પટનાયક પણ જોડાય એવી શક્યતા જોવાઈ રહી છે. ઓડીસાના મુખ્ય્મ્નાત્રી નવીન પટનાયક ઘણા સમયથી એનડીએથી બહાર છે. અને ભાજપ ઓડીસામાં પટનાયકને હરાવી શકવામાં નિષ્ફળ રહયો છે. હવે ભાજપ એમને મનાવવાનાં પ્રયત્નો કરી રહ્યો છે. અને એમાં સફળતા મળી તો એ ભાજપ માટે મોટી સફળતા ગણાશે. ભાજપનો ૪૦૦ પારનો લક્ષ્યાંક પૂરો કરવા આ ગઠબંધન જરૂરી છે. આંધ્રમાં પણ ટીડીપી સાથે જોડાણનીઓ વાતો ચાલે છે.
કૌશિક મહેતા- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top