Madhya Gujarat

આઝાદીના ૭૫ વર્ષો સુધી ગામમાં એમ્બ્યુલન્સને જવાનો રસ્તો નથી

       કાલોલ: કાલોલ તાલુકાના મેદાપુર પંચાયતમાં આવેલા નમરા ફળિયામાં ગુરૂવારે સ્થાનિક એક મહિલાને પ્રસુતિની પીડા ઉપડતા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવાની સ્થિતિ સર્જાઈ હતી. જે માટે ૧૦૮ એમ્બ્યુલન્સનો પણ સંપર્ક કરવામાં આવ્યો હતો પરંતુ ગામલોકોના દુર્ભાગ્યે નમરા ફળિયામાં એમ્બ્યુલન્સ જઇ શકે એવો કોઈ રસ્તો જ નહીં હોવાથી કટોકટીની પરિસ્થિતિમાં છેવટે ફળિયાના રહીશોએ પ્રસુતિની પીડા વેઠતી મહિલાને એક ખાટલામાં સુવડાવીને ચાર લોકોએ એ ખાટલો ઉંચકીને દોઢ કીમી દૂર ઉભેલી ૧૦૮ એમ્બ્યુલન્સ સુધી પહોંચાડવાની સ્થિતિનો સામનો કરવો પડ્યો હતો. ગતિશીલ ગુજરાત અને વિકસિત ગુજરાતની વાતો કરતા કાલોલ તાલુકાના એક ગામમાં આપત્કાલીન સમયમાં એમ્બ્યુલન્સ પણ જઈ શકે એવો એક રસ્તો જ નહીં હોવાની અને એક પ્રસુતિની પીડા ઉપડતા મહિલાને સારવાર માટે દોઢ કીમી સુધી એક ખાટલામાં ઉંચકીને રોડ સુધી પહોંચવું પડે તેવી દારુણ ઘટના પ્રકાશમાં આવતા વિકાસની વાતો કરતા કાલોલ તાલુકાના વિકાસ અધિકારીઓ અને નેતાઓમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

Most Popular

To Top