Dakshin Gujarat

ભરૂચનો બિલ્ડર પરિવાર સાથે કુળદેવીના દર્શને ગયો ને તસ્કરો ઘરમાંથી 1 કરોડ ચોરી ગયા

ભરૂચ: (Bharuch) ભરૂચના મકતમપુરની શ્રીનાથજી સોસાયટીમાં રહેતા બિલ્ડર (Builder) પરિવાર સાથે કુળદેવી મોઢેશ્વરી માતા અને અંબાજીના (Ambaji) દર્શને ઘર બંધ કરી ગયાના ૪૦ કલાકમાં જ તસ્કરો તેમના ઘરમાંથી રૂ.૧.૦૩ કરોડ રોકડા ચોરી (Theft) જતાં ખળભળાટ મચી ગયો છે.

  • મકતમપુરની શ્રીનાથજી સોસ કન્સ્ટ્રક્શનના વ્યવસાયી ધર્મેશ તાપિયાવાલાના ઘરમાં તસ્કરોએ મોટો હાથ માર્યો
  • બિલ્ડર અને તેનો પરિવાર 13મી જૂને મધરાતે 3 વાગ્યે ઘરે પરત ફર્યો ત્યારે ચોરી થયાની જાણ થઈ
  • તસકરો જાળીવાળા દરવાજાનો નકૂચો તોડી મુખ્ય દરવાજાનો ઈન્ટરલોક તોડી ઘરમાં પ્રવેશ્યા હતા
  • કબાટો તોડી રોકડા 1 કરોડ ચોરી ગયા, પોલીસ ફરિયાદ થતા સીસીટીવીની મદદથી તપાસ હાથ ધરાઈ

ભરૂચ શહેરના જાણીતા બિલ્ડર ધર્મેશ દિનેશચંદ્ર તાપીયાવાલા પરિવાર સાથે તા.૧૨મી જૂનના રોજ સવારે ૧૧ કલાકે ઘર બંધ કરીને કુળદેવી મોઢેશ્વરી માતાના દર્શને મોઢેરા ખાતે ગયા હતા. તેઓ પત્ની વર્ષાબેન અને પુત્ર હર્ષ સાથે અહીંથી બનાસકાંઠા અંબાજી માતાજીના દર્શનાર્થે ગયાં હતાં. બિલ્ડર પરિવાર દર્શન કરી તા.૧૩મી જૂને મધરાતે 3 કલાકે ઘરે પરત ફર્યો હતો. ત્યારે ઘરમાં ચોરી થયાનું જણાયું હતું. તસ્કરોએ પ્રથમ જાળીવાળા દરવાજાનો નકૂચો તોડી મુખ્ય દરવાજાનો લોક તથા ઈન્ટર લોક તોડી ઘરની અંદર પ્રવેશ કર્યો હતો.

ઘરમાં ગ્રાઉન્ડ ફ્લોર અને ફર્સ્ટ ફ્લોરના બેડરૂમનાં લાકડાંના કબાટો તોડી રોકડા રૂ.૧,૦૩,૯૬,૫૦૦ની ચોરી કરી પલાયન થઈ ગયા હતા. બિલ્ડર ધર્મેશભાઈએ વેપાર વ્યવસાય અર્થે ઘરમાં પાંચસોના દરની ૧૦૦ નોટનાં ૧૯૨ બંડલ તથા પાંચસોના દરની ૯૩ નોટ છૂટી કુલ કિંમત રૂ.૯૬.૪૬ લાખ, ઉપરાંત ૨ હજારના દરની ૧૦૦ નોટનાં 3 બંડલ કિંમત રૂ.૬ લાખ અને ૨૦૦ રૂપિયાના દરની ૧૦૦ નોટનાં ૫ બંડલ કિંમત રૂ.૧ લાખ સાથે 100 રૂપિયાની અને ૨૦૦ રૂપિયાની ચલણી નોટ મળી રૂ.૫૦ હજાર મળી કુલ રોકડા ૧.૦૩ કરોડ ઘરમાં રાખ્યા હતા. જે તસ્કરો ચોરી કરી ફરાર થઇ ગયા છે. પોલીસને જાણ કરવામાં આવતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ભરૂચ સી–ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

નજીકના વિસ્તારનાં CCTV ફૂટેજની ચકાસણી
સી ડિવિઝન PI ડી.પી.ઉનડકટે જણાવ્યું હતું કે, ફિંગર પ્રિન્ટ એક્સપર્ટ, FSL ની મદદથી તપાસ હાથ ધરાઈ છે. વિસ્તારનાં CCTV ફૂટેજ ચકાસવામાં આવી રહ્યાં છે.

Most Popular

To Top