Madhya Gujarat

પશ્ચિમી દેશોમાં ધર્મનો ત્યાગ કરવાનું ચલણ વધી રહ્યું છે

હાલમાં ઇંગ્લેન્ડની વસ્તી ગણતરીના આંકડાઓ બહાર પડ્યા છે અને તેમાં કેટલીક રસપ્રદ વિગતો બહાર આવી છે. ગત વર્ષે એટલે કે ૨૦૨૧માં થયેલી વસ્તી ગણતરીના આંકડાઓ હાલમાં બહાર પડ્યા છે તેમાં વસ્તીના ધર્મને લગતા આંકડાઓ  પણ જુદા તારવીને રજૂ કરવામાં આવ્યા છે અને તેમાંથી જાણવા મળતી કેટલીક માહિતી રસપ્રદ છે. નોંધપાત્ર બાબત આ વખતે એ રહી છે કે એક સમયના વિશ્વના ખૂબ રૂઢિચુસ્ત ખ્રિસ્તી દેશ એવા ઇંગ્લેન્ડમાં ખ્રિસ્તીઓની સંખ્યા કુલ વસ્તીના  અડધા કરતા પણ નીચે જતી રહી છે.

આથી કોઇને પ્રશ્ન એ થાય કે ખ્રિસ્તીઓની વસ્તી ઘટી ગઇ તો શું અન્ય ધર્મોના લોકોની વસ્તી ત્યાં વધી ગઇ છે? ના, આશ્ચર્યજનક બાબત એ બહાર આવી છે કે ધર્મનો ત્યાગ કરનારા લોકોની સંખ્યા ત્યાં ખૂબ વધી ગઇ છે. પોતે કોઇ પણ ધર્મમાં માનતા નથી એવું કહેનારાઓની સંખ્યા ત્યાં ૩૭ ટકા કરતા પણ વધુ થઇ ગઇ છે અને ધર્મના આધારે પાડવામાં આવેલા જૂથોમાં આ કોઇ પણ ધર્મ વગરના જૂથનો ક્રમ ત્યાં બીજો આવી ગયો છે. જ્યારે કે મુસ્લિમો અને હિન્દુઓની સંખ્યામાં થોડો વધારો નોંધાયો છે એમ હાલમાં જારી થયેલા વસ્તી ગણતરીના છેલ્લામાં છેલ્લા આંકડાઓ જણાવતા હતા. કોઇ ધર્મમાં નહીં માનનારા લોકોની સંખ્યામાં વધારાનો ઇંગ્લેન્ડમાં આ જે ટ્રેન્ડ છે તે જ લગભગ મોટા ભાગના પશ્ચિમી દેશોનો પણ ટ્રેન્ડ છે.

બ્રિટનની વસ્તી ગણતરીના આંકડાઓમાંથી લોકોના ધર્મની બાબતના જે આંકડાઓ બહાર પડ્યા છે તે જાણવા જેવા છે. હાલ જે આંકડાઓ બહાર પડ્યા છે જે દર્શાવે છે કે ફક્ત ૪૬ ટકા લોકોએ જણાવ્યું હતું કે તેઓ ખ્રિસ્તી છે, જ્યારે ૨૦૧૧ની વસ્તી ગણતરીમાં પોતાની નોંધ ખ્રિસ્તી તરીકે કરાવનારાઓનું પ્રમાણ ૫૯.૩ ટકાનું હતું. પોતાને કોઇ ધર્મમાં નહીં માનનાર ગણાવનારાઓની સંખ્યા વસ્તી ગણતરીમાં બીજા ક્રમે આવી છે જે સંખ્યા ૩૭.૨ ટકા થઇ છે જે ૨૦૧૧ની વસ્તી ગણતરી વખતે ૨પ.૨ ટકા હતી. જોઇ શકાય છે કે કોઇ પણ ધર્મમાં નહીં માનનારાઓની સંખ્યા છેલ્લા દસ વર્ષમાં ત્યાં કેટલી બધી વધી છે. ત્યાં મુસ્લિમો અને હિન્દુઓની વસ્તીમાં થોડો વધારો નોંધાયો છે.

યહુદીઓની વસ્તી એક સરખી  ૦.પ ટકા જ રહી છે. ઇંગ્લેન્ડમાં કે બ્રિટનમાં આ મુસ્લિમો અને હિન્દુઓ સ્વાભાવિક રીતે મોટે ભાગે બીજા દેશોમાંથી આવીને વસેલા લોકો છે. ધર્મ પરિવર્તન કરીને ખ્રિસ્તીમાંથી મુસ્લિમ બનેલાઓની સંખ્યા જો કે  બ્રિટનમાં નાની છે પરંતુ  નોંધપાત્ર છે. એક અંદાજ મુજબ ત્યાં દર વર્ષે પ૦૦૦ જેટલા લોકો ઇસ્લામ ધર્મ અંગીકાર કરે છે જ્યારે જર્મની અને ફ્રાન્સમાં આ સંખ્યા દર વર્ષે ૪૦૦૦ જેટલી છે. યુરોપના અન્ય દેશોમાં પણ ખ્રિસ્તી ધર્મીઓ ઇસ્લામ ધર્મ અપનાવી રહ્યા હોય તેવી સંખ્યા નાની પરંતુ નોંધપાત્ર તો છે જ. પશ્ચિમના ખ્રિસ્તી સમાજમાં સામાજીકતાનો ઘણે અંશે અંત આવી ગયો છે અને લોકો એક પ્રકારનો ખાલીપો અનુભવી રહ્યા છે.

આની સામે ત્યાં વિશ્વના જુદા જુદા દેશોમાંથી જઇને વસેલા મુસ્લિમોની સમાજ વ્યવસ્થા, ગરીબ વર્ગોને જકાત જેવી આર્થિક સહાયની વ્યવસ્થા વગેરેથી પશ્ચિમી સમાજના ઘણા લોકો ઇસ્લામ ધર્મ તરફ આકર્ષાયા, મુસ્લિમ ધર્મગુરુઓના પ્રવચનો અને ધાર્મિક પ્રચારે પણ ભાગ ભજવ્યો અને નોંધપાત્ર પ્રમાણમાં ત્યાં ખ્રિસ્તીઓએ ઇસ્લામ ધર્મ અપનાવ્યો. એક સમય હતો કે યુરોપમાં ખૂબ ઝડપથી ઇસ્લામ ધર્મ ફેલાઇ રહ્યો હતો અને ઘણા ખ્રિસ્તી કુટુંબો ઇસ્લામ ધર્મ અપનાવી રહ્યા હતા પરંતુ પછી અમેરિકા સહિતના પશ્ચિમી  દેશો સાથે કેટલા મુસ્લિમ દેશોનો સંઘર્ષ થયો અને મુસ્લિમ ત્રાસવાદનો ઉદભવ થયો અને યુરોપમાં ઇસ્લામના ફેલાવાની ગતિ ઘટી ગઇ.

કેટલાક તો મુસ્લિમ ત્રાસવાદને યુરોપમાં ઇસ્લામ ફેલાતો અટકાવવા માટેના પશ્ચિમી જગતના એક  કાવતરા તરીકે જ જુએ છે, એ વાત બાજુએ રાખીએ તો પણ મુસ્લિમ ત્રાસવાદ છતાં યુરોપમાં ઇસ્લામ અપનાવવાનું પ્રમાણ ધીમી ધારે ચાલુ તો છે જ. જો કે છેલ્લા કેટલાક સમયમાં કેટલાક મુસ્લિમો ધર્મ પરિવર્તન કરીને ખ્રિસ્તી બન્યા હોય તેવા બનાવો પણ ત્યાં નોંધાયા છે. પરંતુ ઉડીને આંખે વળગે તેવી બાબત કોઇ પણ ધર્મમાં નહીં માનનારા લોકોની વધેલી સંખ્યા છે. કેટલાક મુસ્લિમોએ પણ ધર્મનો ત્યાગ કરીને કોઇ ધર્મમાં નહીં માનવાનું ચાલુ કર્યું છે.

આપણે ઇંગ્લેન્ડના આંકડા  તો શરૂઆતમાં જોયા, ત્યાં ૩૭ ટકા જેટલા લોકો કોઇ ધર્મમાં નહીં માનતા લોકો છે. તો અન્ય કેટલાક યુરોપિયન દેશોમાં તો આ આંકડા ખૂબ ઉંચા છે. એક અહેવાલ પ્રમાણે ઝેક રિપબ્લિકમાં તો ૯૧ ટકા લોકો કોઇ  ધર્મમાં માનતા નથી, તો ઇસ્ટોનિયામાં ૭પ ટકા લોકો અને ફ્રાન્સમાં ૬૪ ટકા લોકો કોઇ ધર્મમાં માનતા નથી. અમેરિકામાં પણ આ સંખ્યા નોંધપાત્ર છે. ધર્મમાં નહીં માનનારાઓમાં વળી બે વર્ગો છે એમાંથી એક વર્ગ નાસ્તિક છે જે ધર્મની સાથે  ઇશ્વરમાં પણ માનતો નથી જ્યારે બીજો વર્ગ એવો છે કે જે ઇશ્વરમાં તો માને છે પણ કોઇ ધર્મમાં માનતો નથી. ધર્મનો ત્યાગ કરવા પાછળનું કારણ ધર્મોના કારણે થતા ઝઘડાઓ, ધર્મગુરુઓનું જક્કીપણુ અને રૂઢિચુસ્તતા વગેરે જણાવાય છે.  લોકો આનાથી કંટાળીને ધર્મોનો ત્યાગ કરી રહ્યા છે. એમ કહેવાય છે કે આગામી કેટલાક દાયકામાં ઇસ્લામ વિશ્વનો સૌથી મોટો ધર્મ બની જશે અને ખ્રિસ્તી ધર્મ બીજા સ્થાને જતો રહેશે. પરંતુ પ્રવાહ જોતા એમ પણ લાગે છે કે ત્યારબાદ કોઇ  પણ ધર્મમાં નહીં માનનારા લોકો બીજા સ્થાને અને ખ્રિસ્તીઓ ત્રીજા સ્થાને પહોંચી જાય તો નવાઇ નહીં.

Most Popular

To Top