Columns

વંદે ભારત ટ્રેનો દોડાવવા કરતાં ટ્રેનોમાં યાત્રા કરનારાની સલામતી વધુ મહત્ત્વની છે

આપણા વડા પ્રધાન નરેન્દ્ર મોદીના મગજમાં બુલેટ ટ્રેન દોડાવવાનું ભૂત એવું સવાર થયું છે કે ટ્રેનોની સ્પિડ વધારવાની દોડમાં સલામતીને નેવે મૂકી દેવામાં આવી છે. બાલાસોરમાં જે ભીષણ ટ્રેન અકસ્માત થયો તે લાઈન પર થોડા સમય પહેલાં જ ટ્રેનોની સ્પિડ વધારીને કલાકના ૧૩૦ કિલોમીટર કરવામાં આવી હતી. દુર્ઘટનાનો ભોગ બનેલી કોરોમંડલ એક્સપ્રેસ ટ્રેનની ઝડપ ૧૨૮ કિલોમીટરની હતી. જો તેની ઝડપ ઓછી હોત તો કદાચ દુર્ઘટના નિવારી શકાઇ હોત. વડા પ્રધાને ૨૦૧૭માં મુંબઈ-અમદાવાદ વચ્ચે દોડનારી બુલેટ ટ્રેનના કામનું ભૂમિપૂજન કર્યું ત્યારે કહેવામાં આવતું હતું કે તે કામ ૨૦૨૩ સુધીમાં પૂરું કરવામાં આવશે.

૨૦૨૩માં બુલેટ ટ્રેનનું કામ ૫૦ ટકા પણ થયું નથી તેના અફસોસમાં ૧૮૦ કલાકના કિલોમીટરની ઝડપે ચાલનારી વંદે ભારત ટ્રેનો શરૂ કરવામાં આવી હતી. આ વંદે ભારતને પાટાની ફાળવણી કરવા માટે બીજી સેંકડો મેઇલ, એક્સપ્રેસ અને પેસેન્જર ટ્રેનોના ટાઇમટેબલમાં છેડછાડ કરવામાં આવી હતી. અગાઉ જે ટ્રેનો સમયસર ચાલતી હતી તે વંદે ભારતને સાઇડ આપવા દરરોજના ધોરણે મોડી પડી રહી છે. વંદે ભારતના એન્જિન હેઠળ સંખ્યાબંધ ભેંસો કચડાઈ ગઈ ત્યારે ખ્યાલ આવ્યો હતો કે હાઈ સ્પિડ ટ્રેનો શરૂ કરતાં પહેલાં યાત્રિકોની સલામતીની ધરાર ઉપેક્ષા કરવામાં આવી હતી.

ત્યારે મુંબઈ-અમદાવાદ કોરિડોરમાં તાબડતોબ ફેન્સિંગનું કામ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. આ ફેન્સિંગનો પ્રોજેક્ટ રેકોર્ડ સમયમાં પૂરો થયો હોવાની જાહેરાત કરવામાં આવી હતી, પણ તેમાં સંખ્યાબંધ છીંડાંઓ રહી ગયાં છે. શુક્રવારે બાલાસોરમાં ભીષણ દુર્ઘટના થઈ તેમ છતાં સોમવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી મુંબઈ-ગોવા વચ્ચે વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી દેખાડવા પહોંચી ગયા હતા. જે રીતે વડા પ્રધાન વંદે ભારત ટ્રેનોને લીલી ઝંડી પહોંચાડવા દોડી જાય છે તે જોઈને શંકા જાય છે કે ભારતમાં કોઈ રેલવે પ્રધાન છે નહીં? હવે ટ્રેન દુર્ઘટનાની જવાબદારી પણ વડા પ્રધાને જ સ્વીકારવી જોઈએ.

ભારતનું રેલવે નેટવર્ક દુનિયામાં સૌથી મોટું માનવામાં આવે છે. ભારતમાં આશરે ૬૪,૦૦૦ કિલોમીટર લાંબી રેલવે લાઇન છે, જેના પર રોજની ૧૪,૦૦૦ ટ્રેનો દોડાવવામાં આવે છે, જેમાં રોજના ૨.૨ કરોડ યાત્રાળુ મુસાફરી કરે છે. તેમ છતાં સલામતીની દૃષ્ટિએ ભારતીય રેલવેનો દેખાવ કંગાળ છે. ૨૦૧૭ અને ૨૦૨૨ વચ્ચે ટ્રેન અકસ્માતોમાં ભારતના આશરે એક લાખ નાગરિકોનાં મોત થયાં હતાં. મુંબઈની લોકલ ટ્રેનોમાં જ રોજનાં દસ લોકો કચડાઇને મરી જાય છે. દેશમાં બુલેટ ટ્રેનો પાછળ અબજો રૂપિયાનું આંધણ કરવા તૈયાર થઈ ગયેલી સરકારની કંજૂસાઈને કારણે દર વર્ષે હજારો નિર્દોષ નાગરિકોના જીવ જાય છે.

નાનકડું ઉદાહરણ જોઈએ તો પ્લેટફોર્મ અને ટ્રેનના ડબ્બા વચ્ચેના ગેપને કારણે દર વર્ષે હજારો લોકોનાં મોત થાય છે, પણ રેલવે પાસે પ્લેટફોર્મની ઊંચાઈ વધારવા માટેનું ભંડોળ નથી, પણ બુલેટ ટ્રેનના રૂપિયા આવી જાય છે. ભારતમાં ટ્રેનોના અકસ્માતો થવાનું મુખ્ય કારણ પાટા પરથી ગાડીનું ઊતરી જવું છે. ૨૦૧૯-૨૦ના એક વર્ષ દરમિયાન દેશમાં ૩૩ પેસેન્જર ટ્રેનો અને સાત માલગાડીઓ પાટા પરથી ઊતરી જવાને કારણે અકસ્માતો થયા હતા. તે પૈકી ૧૭ અકસ્માતો પાટાની ખામીને કારણે થયા હતા તો નવ અકસ્માતો ડબ્બાની કે એન્જનની ખામીને કારણે થતા હતા.

ટ્રેનના પાટાની કે ડબ્બાની કે એન્જિનની ખામીને કારણે અકસ્માતો થતા હોય તેનું મુખ્ય કારણ માનવીય ભૂલો છે. માનવીય ભૂલો પણ બે કારણે બનતી હોય છે. એક કારણ કર્મચારીઓની કામચોરી હોય છે તો બીજું કારણ કર્મચારીઓની કમી હોય છે. રેલવેમાં વર્ષોથી નવી ભરતીઓ બંધ કરી દેવામાં આવી હોવાથી ટ્રેનના ડબ્બા, એન્જિનો અને પાટાની યોગ્ય જાળવણી નથી થતી તે પણ દુર્ઘટનાનું કારણ છે. રેલવે દ્વારા જાળવણીના કોન્ટ્રેક્ટો ખાનગી કંપનીઓને આપી દેવામાં આવ્યા છે. જો કોઈ દુર્ઘટના થાય તો તેમાં રેલવેના ખાનગીકરણની શું ભૂમિકા છે? તે પાસાંની પણ ચકાસણી વ્યવસ્થિત થવી જોઈએ.

થોડા સમય પહેલાં રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવ દ્વારા ભારતની ટ્રેનોમાં અત્યાધુનિક ‘કવચ’સિસ્ટમ બેસાડવાનો જોરશોરથી પ્રચાર કરવામાં આવ્યો હતો, પણ તે માંડ ભારતની પાંચ ટકા લાઈનો પર જ કાર્યરત છે. હાલમાં આ સિસ્ટમ દિલ્હી-મુંબઈ અને દિલ્હી-કોલકાતા લાઈન પર જ બેસાડવામાં આવી છે. કોલકાતા-ચેન્નાઈ લાઇન પર આ સિસ્ટમ હજુ બેસાડવામાં જ આવી નથી. જો કે બાલાસોરમાં કવચ સિસ્ટમ બેસાડવામાં આવી હોત તો પણ અકસ્માત નિવારી શકાયો હોત કે કેમ તે શંકા છે, કારણ કે તે અકસ્માત ઇન્ટરલોકિંગ સિસ્ટમની ખામીને કારણે થયો હતો.

ભારતીય રેલવેનું નેટવર્ક વિકસી રહ્યું છે, રોજ નવી ટ્રેનો શરૂ કરવામાં આવી રહી છે, પેસેન્જરોની સંખ્યા વધી રહી છે, પણ રેલવેમાં નવા કર્મચારીઓની ભરતી પર રોક લગાવી દેવામાં આવી છે, જેને કારણે સલામતી સાથે બાંધછોડ થઈ રહી છે. સરકારે એક આરટીઆઈના જવાબમાં જણાવ્યું હતું કે રેલવેમાં ૩.૧૧ લાખ જગ્યાઓ ખાલી છે. તેમાં હજારો જગ્યાઓ લોકો પાઈલોટ અને ગાર્ડની પણ છે. લોકો પાઈલોટના અભાવે નોકરીમાં રહેલાં લોકો પાઈલોટોને વધુ કલાક કામ કરવાની ફરજ પડે છે. રેલવેના નિયમો મુજબ લોકો પાઈલોટોને સામાન્ય સંયોગોમાં ૧૨ કલાકથી વધુનું કામ આપવામાં આવતું નથી. કેટલાક રૂટો ઉપર લોકો પાઈલોટોની સંખ્યા ઓછી હોવાથી તેમને દિવસના ૧૪થી ૧૬ કલાક કામ કરવાની ફરજ પાડવામાં આવે છે. કેટલીક વખત રાતના સતત ઉજાગરાને કારણે તેમને ઝોકું આવી જાય છે અને તેઓ સિગ્નલ ચૂકી જતાં હોય છે. નવા કર્મચારીઓની ભરતીમાં કંજૂસાઈ કરીને રેલવે યાત્રિકોના જીવ જોખમમાં મૂકી દે છે.

ભારતના વડા પ્રધાન દ્વારા વંદે ભારત ટ્રેનોને લીલી ઝંડી દેખાડવામાં આવે છે તેની તસવીરો અખબારોમાં અને ઇલેક્ટ્રોનિક મિડિયામાં ચમકે છે, પણ સલામતીના બજેટમાં કેટલો કાપ મૂકવામાં આવ્યો છે? તેના સમાચારો ક્યારેય વાંચવા મળતા નથી. કેગના હેવાલ મુજબ ભારત સરકાર દ્વારા ૨૦૧૭માં એક લાખ કરોડ રૂપિયાનું કદ ધરાવતા રાષ્ટ્રીય રેલ સુરક્ષા કોષની રચના કરવામાં આવી હતી, જેમાં પાંચ વર્ષ દરમિયાન દર વર્ષે સુરક્ષા પાછળ ૨૦,૦૦૦ કરોડ રૂપિયાનો ખર્ચો કરવામાં આવ્યો હતો. ભારત સરકાર દ્વારા વાર્ષિક ૨૦,૦૦૦ કરોડ પૈકી ૭૮ ટકા ભંડોળની ફાળવણી જ કરવામાં આવી નહોતી, જેને કારણે આ યોજનાનો ધબડકો થયો હતો.

કેગના રિપોર્ટ મુજબ પાટાના નવીનીકરણ માટેના ભંડોળમાં પણ ઘટાડો કરવામાં આવી રહ્યો છે. ૨૦૧૮-૧૯માં તેના માટે ૯,૬૦૭ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા, જે ૨૦૧૯-૨૦માં ઘટીને ૭,૪૧૭ કરોડ રૂપિયા થઈ ગયા હતા. વળી જેટલા રૂપિયાની ફાળવણી થઈ હતી તે પૂરેપૂરા વપરાયા પણ નહોતા. લાલબહાદુર શાસ્ત્રી જ્યારે રેલવે પ્રધાન હતા ત્યારે ગમખ્વાર રેલવે અકસ્માતના પગલે તેમણે નૈતિક જવાબદારી સ્વીકારીને રાજીનામું આપી દીધું હતું. ૧૯૯૯માં નીતીશ કુમાર રેલવે મંત્રી હતા ત્યારે તેમણે પણ બિહારમાં થયેલા ભીષણ અકસ્માતની જવાબદારી સ્વીકારીને રાજીનામું આપી દીધું હતું. બાલાસોરના અકસ્માતની જવાબદારી સ્વીકારીને રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવ રાજીનામું આપે તેવી સંભાવના નથી; કારણ કે તેમનું કામ વડા પ્રધાન નરેન્દ્ર મોદી કરી રહ્યા છે.

Most Popular

To Top