Comments

હરિત ક્રાંતિ પછીનું લાલ ચિત્ર

નાગરિક સન્માનોની મોસમમાં કૃષિવિજ્ઞાની એમ.એસ.સ્વામીનાથનના નામની ઘોષણા સર્વોચ્ચ ભારતીય નાગરિક સન્માન ‘ભારતરત્ન’માટે કરવામાં આવી. સૌ જાણે છે એમ દેશને અન્ન ક્ષેત્રે સ્વાવલંબી બનાવવામાં તેમનો સિંહફાળો હતો અને તેમને વાજબી રીતે જ ‘હરિત ક્રાંતિના પિતામહ’તરીકે સંબોધવામાં આવે છે. દેશ જે સમયે અન્નસંકટ અનુભવી રહ્યો હતો, વધતી જતી વસતિની માંગની સામે ઉગાડાતા અન્નનો પુરવઠો પર્યાપ્ત નહોતો. દેશને એ પરિસ્થિતિમાંથી બહાર કાઢીને સ્વાવલંબનના માર્ગ પર લાવી મૂકવો એ જેવીતેવી સિદ્ધિ ન ગણાય.

આ ઘટનાને હવે અડધી સદી કરતાં વધુ સમય વીત્યો. ધ્યેય સિદ્ધ થઈ ગયું. હવે અન્નક્ષેત્રે દેશની પ્રવર્તમાન સ્થિતિ શી છે? નવેમ્બર, 2023માં કૃષિ અને કિસાન કલ્યાણ મંત્રાલય અંતર્ગત કાર્યરત ‘ઈન્‍ડિયન કાઉન્‍સિલ ઑફ એગ્રીકલ્ચરલ રિસર્ચ’(આઈ.સી.એ.આર.)ના જમીન વિજ્ઞાની સોવેન દેબનાથ અને પશ્ચિમ બંગાળના કૃષિસંશોધન ક્ષેત્રે અગ્રણી ગણાતા બિધાનચંદ્ર ઋષિ વિશ્વવિદ્યાલય તેમજ તેલંગણાસ્થિત નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઑફ ન્યુટ્રીશનના અન્ય અગિયાર વિજ્ઞાનીઓએ નવેમ્બર, 2023માં એક મહત્ત્વનો અભ્યાસ પ્રકાશિત કર્યો, જેમાં જણાવાયું છે કે હરિત ક્રાંતિએ ભારતને ખોરાકી સુરક્ષા સિદ્ધ કરવામાં મદદ કરી છે, પણ પોષણક્ષમતા સાથે સમાધાન કરીને.

એ મુજબ, વધુ ઉત્પાદન મેળવવાના પ્રયત્નોમાં દેશના મુખ્ય અનાજ ગણાતાં ચોખા અને ઘઉંનાં પોષણમૂલ્યો એ હદે બદલાઈ ગયાં છે કે લોકો માટે તેના આહારનું મહત્ત્વ સાવ ઘટી ગયું છે. ઉત્પાદનના જથ્થા પાછળ પડવાની દોડમાં આ છોડનાં જનીન એ હદે બદલાઈ ગયાં છે કે જમીનમાંથી અનાજ સુધી પોષણ પહોંચાડવાનું પાયાનું કામ એ કરી શકતાં નથી. આ નિષ્કર્ષ સુધી પહોંચવા માટે આ વિજ્ઞાનીઓએ ચોખાની સોળ અને ઘઉંની અઢાર જાત ઉછેરી હતી.

1960ના દાયકા પછી ચોખા અને ઘઉંના 1,500 નમૂના ચલણી બન્યા હતા. દેશની વિવિધ કૃષિસંસ્થાઓના નિષ્ણાતો સાથેની ચર્ચા પછી એમાંથી પસંદગી કરાઈ હતી. દેશનાં લોકોની ઊર્જાની જરૂરિયાતમાંથી અડધીઅડધ એટલે કે પચાસ ટકા જરૂરિયાત ચોખા અને ઘઉં થકી પૂર્ણ થાય છે અને છેલ્લાં પચાસેક વરસોમાં એનું ખોરાકી મૂલ્ય ઘટીને 45 ટકા થઈ ગયું છે. આ દર રહ્યો તો ઈ.સ.2040 સુધીમાં આ બન્ને અનાજ માનવ માટે પોષક્ષમતાની દૃષ્ટિએ કશાં કામનાં નહીં રહે.

જો કે, ઘટતાં જતાં પોષણમૂલ્ય ઉપરાંત વધુ ફિકર તેમાં વધતા જતા ઝેરી તત્ત્વોના પ્રમાણની છે. છેલ્લાં પચાસ વર્ષમાં ચોખામાં જસત અને લોહ તત્ત્વનું પ્રમાણ ઘટીને 33 ટકા અને 27 ટકા તેમજ ઘઉંમાં તે અનુક્રમે 30 ટકા અને 19 ટકા થયું છે. તેની સરખામણીએ ચોખામાં આર્સેનિક જેવા ઝેરી તત્ત્વનું પ્રમાણ 1,493 ટકા જેટલું, અધધ કહી શકાય એ હદે વધ્યું છે. બીજા શબ્દોમાં કહીએ તો આપણા રોજિંદા આહાર જેવું આ અનાજ પોષક તો રહ્યું જ નથી, બલ્કે સ્વાસ્થ્ય માટે હાનિકારક બની રહ્યું છે. ચોખા અને ઘઉંના પોષણમૂલ્યમાં થયેલા આવા ‘ઐતિહાસિક’પરિવર્તન બાબતે વિજ્ઞાનીઓએ ચેતવણી આપતાં જણાવ્યું છે કે આ સ્થિતિ દેશમાં બિનચેપી રોગોના વધતા જતા પ્રમાણમાં ઓર ઉમેરો કરશે અને પરિસ્થિતિને બદથી બદતર બનાવશે.

હરિત ક્રાંતિને કારણે પેદા થતી પરિસ્થિતિની પર્યાવરણ અને આહારપ્રણાલી પર થતી અસર બાબતે અનેક ટીકાઓ થતી આવી છે, પણ એ મહદંશે જમીનના ઘસારા, ભૂગર્ભ જળના પ્રમાણમાં ઘટાડો, સપાટી જળના પ્રદૂષણ કે પાકમાં એકવિધતા જેવા મુદ્દાઓ પૂરતી મર્યાદિત રહી છે. ‘સાયન્‍ટિફિક રિપોર્ટ્સ’અભ્યાસ થકી હરિત ક્રાંતિની ભારતની પોષણ સુરક્ષા પર થયેલી અસર અંગે પહેલવહેલી વાર પ્રકાશ ફેંકાયો છે.

આ સમસ્યાની ઓળખ થઈ ગઈ છે અને એ પણ વિજ્ઞાનીઓ દ્વારા, વૈજ્ઞાનિક ઢબે. આથી તેના ઉપાય પર કામ શરૂ થઈ ગયું છે. અનાજના પોષણમૂલ્યમાં વૃદ્ધિ કરવા માટેના પ્રયત્નો હાથ ધરાયેલા છે. આ વખતે વિજ્ઞાનીઓ ભૂપ્રજાતિઓ અને જંગલી પ્રજાતિઓ તરફ વળ્યા છે. એકાદ દાયકાથી આઈ.સી.એ.આર. તેમજ કૃષિ વિશ્વવિદ્યાલયોના વિજ્ઞાનીઓએ ઉચ્ચ પોષણમૂલ્ય ધરાવતી દાતા છોડની વિવિધતા માટે ‘જર્મપ્લાઝ્મ’કાર્યક્રમ અમલી કર્યો છે. ઓછામાં ઓછું એક પોષક તત્ત્વ ભરપૂર માત્રામાં હોય એવા દાતા છોડની તલાશ ચાલુ છે. આવા છોડ મેળવવા સરળ નથી, એટલે ખેડૂતો પાસે સચવાયેલી ભૂપ્રજાતિઓ કે પ્રાકૃતિક રીતે ઊગી નીકળતી જંગલી પ્રજાતિઓનું પોષણમૂલ્ય તૈયાર કરાઈ રહ્યું છે.

આમ, પડકાર અનેકગણો છે, તેને પહોંચી વળવાના પ્રયત્નો આરંભાઈ ગયા છે. છતાં તેને સફળતા મળતાં અને પરિણામ દેખાડતાં કેટલો સમય લાગશે એ કહેવું મુશ્કેલ છે. આ નવી જાતને બરાબર વિકસાવવી, તેને ઉગાડવા માટે ખેડૂતોને તૈયાર કરવા, તેનું બિયારણ સુલભ બનાવવું જેવા પ્રશ્નો વાસ્તવિક છે. પોષક દ્રવ્યોને સીધાં જ ખાતર તરીકે ઉમેરવાનો કે પાંદડા પર સીધો છંટકાવ કરવાનો પ્રયોગ પણ હાથ ધરાઈ રહ્યો છે. જો કે, આ પ્રક્રિયા ખર્ચાળ છે. છંટકાવ પછીના સમયગાળામાં થતો વરસાદ આ પ્રયોગને નિષ્ફળ બનાવી શકે.

દેશમાં એક તરફ કુપોષણની સમસ્યા છે જ, પણ એના માટે મુખ્યત્વે અપૂરતો આહાર કારણભૂત છે. આ સમસ્યા પોષણક્ષમ ગણાતો આહાર લેવા છતાં કુપોષિત રહેવાની છે. કુપોષણ તેમજ તેને સંબંધિત અન્ય બિનચેપી રોગની સમસ્યાના ઉકેલ તરફ આગળ વધવું હોય તો ઉત્પાદનની સાથોસાથ પોષણને પણ પ્રાધાન્ય આપવું જરૂરી છે. એવી પોષણક્ષમ પ્રજાતિઓને ખેડૂતો વધુ ને વધુ અપનાવે એવા ઉપાય આવશ્યક છે. એક સમયની જરૂરિયાત એક તબક્કે પૂર્ણ થઈ જાય પછી જે તે સમયે લીધેલાં પગલાંનું સિંહાવલોકન કરવું જરૂરી છે, એમ કહી શકાય. ભૂતકાળની સિદ્ધિનો નશો એવો હોય છે કે એ સીધો મોતને દરવાજે લાવી મૂકે અને છતાં ગૌરવગાન ચાલુ રહે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top