Gujarat

રાજ્યમાં ક્વોરી ઉદ્યોગની હડતાળથી વડાપ્રધાનના ડ્રીમ પ્રોજેક્ટ બુલેટ ટ્રેન સહિતના કામો ઠપ

ઘેજ: ચીખલી (Chikhli) સહિત સમગ્ર રાજ્યમાં ક્વોરી ઉદ્યોગની (Quarry industry) હડતાળને (Strike) પગલે વડાપ્રધાનના (PM) ડ્રીમ પ્રોજેક્ટ બુલેટ ટ્રેન (Bullet train) ઉપરાંત એક્ષપ્રેસ-વેના કામો પણ પ્રભાવિત થયા છે. બુલેટ ટ્રેનનું કામ સમયમર્યાદામાં પૂર્ણ કરવાના હેતુ સાથે યુધ્ધના ધોરણે કામ ચાલી રહ્યું છે. પરંતુ ક્વોરી ઉદ્યોગની હડતાળથી તેના પર પણ બ્રેક લાગી જવા પામી છે.

  • બુલેટ ટ્રેનનું કામ સમયમર્યાદામાં પૂર્ણ કરવા ચાલી રહેલા કામ પર હડતાળથી બ્રેક લાગી
  • ચીખલી સહિત સમગ્ર રાજ્યમાં ક્વોરી ઉદ્યોગની હડતાળને પગલે

ક્વોરીના વર્ષો જૂના પડતર પ્રશ્નોના નિરાકરણની માંગ સાથે રાજ્યના કવોરી એસોસીએશન દ્વારા 1 મેથી હડતાળનું શસ્ત્ર ઉગામી ઉત્પાદન અને વેચાણ બંધ કરી દેવામાં આવ્યું છે ત્યારથી રોડ, પૂલો સહિત નાના નાના વિકાસના કામો અને ક્વોરીને સંલગ્ન અન્ય ધંધાઓને પણ માઠી અસર થવા પામી છે.

બીજી તરફ હાલે સુરતથી ભીલાડ સુધીના બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ પૂરજોશમાં ચાલી રહ્યુ છે અને પીએમઓ કચેરી દ્વારા સમગ્ર પ્રોજેક્ટ પર નિગરાની રાખવામાં આવી રહી છે. આ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ કરનાર એજન્સી દ્વારા ચીખલી વિસ્તારની ચારેક જેટલી ક્વોરી પ્લાન્ટો સાથે કરાર કરી દૈનિક હજ્જારો ટન બ્લેક ટ્રેપ પથ્થર ઉપાડી કામ કરવામાં આવી રહ્યું હતું. પરંતુ ક્વોરી ઉદ્યોગની હડતાળને પગલે આ પ્રોજેક્ટના અધિકારીઓ પણ દોડતા થઇ જવા પામ્યા છે અને આ અંગે ઉચ્ચ કક્ષાએ તેમના દ્વારા જાણ પણ કરી દેવાઇ છે. આજ રીતે વડોદરા-મુંબઇ એક્ષપ્રેસ વેના કામને પણ ક્વોરી ઉદ્યોગની હડતાળથી અસર થવા પામી છે.

પ્રશ્નો હલ નહીં થાય ત્યાં સુધી રાજ્યમાં કવોરી ઉદ્યોગ બંધ રહેશે
ગુજરાત રાજ્ય કવોરી એસો.ના પ્રમુખ હિતેન્દ્રભાઇ ઉપાધ્યાયના જણાવ્યાનુસાર છેલ્લા ઘણા વર્ષથી ક્વોરી ઉદ્યોગના પ્રશ્નો અંગે રજુઆત કરતા આવ્યા છે. પરંતુ કોઇ નક્કર હકારાત્મક પરિણામ નહીં મળતા હડતાળ પર જવાની ફરજ પડી છે. અમારા પ્રશ્નો હલ નહીં થાય ત્યાં સુધી સમગ્ર રાજ્યમાં કવોરી ઉદ્યોગ બંધ રહેશે.

Most Popular

To Top