Vadodara

ફતેપુરા માળી મહોલ્લામાં ડ્રેનેજ લાઈનના ઉભરાતા પાણીથી ત્રસ્ત રહીશોની સમસ્યાનો અંત આવ્યો

વડોદરા: શહેરના વોર્ડ નંબર 6 માં ફતેપુરાના ભાંડવાળા વિસ્તારમાં આવેલ માળી મહોલ્લાના રહીશો છેલ્લા કેટલાય સમયથી ગટરલાઇનના ઉભરતા પાણીના કારણે પરેશાન હતા. આ અંગે તેઓએ સ્થાનિક કોર્પોરેટર હેમીષાબહેન ઠક્કરને અનેકવાર ફોન કર્યા પરંતુ તેઓએ ફોન ઊંચકવાની પણ તસ્દી લીધી ન હતી આખરે આ ફરિયાદ નગર સેવક ડો. શીતલ મિસ્ત્રી સુધી પહોંચતા તેઓએ તાબડતોબ કામગીરી શરુ કરાવી હતી અને સમસ્યાનું નિરાકરણ આવ્યું હતું.

નગરસેવકો ચૂંટણી ટાણે મસમોટા વાયદાઓ તો કરે છે પરંતુ જીતી ગયા બાદ મત આપનાર પ્રજા જ તેઓ માટે પારકી બની જાય છે. પરંતુ આવા કોર્પોરેટર ભૂલી જાય છે કે પાંચ વર્ષ બાદ પુનઃ તેઓ પાસે જ મતની ભીખ માંગવા જવાનું છે. નગરસેવક બન્યાનો આવો જ કઈંક અહમ વોર્ડ નંબર 6 ના મહિલા કોર્પોરેટર હેમીષાબહેન ઠક્કરને આવી ગયો હોવાનો સ્થાનિકોમાં રોષ છે. આ વોર્ડના મળી મહોલ્લાના રહીશો છેલ્લા કેટલાય સમયથી ઉભરાતી ગટરના કારણે ત્રાહિમામ પોકારી ગયા હતા. નજીકમાં જ હિન્દૂ – મુસ્લિમ ધાર્મિક સ્થાનો આવેલા છે અને ત્યાં જતા લોકોએ આ ગટરના પાણી ઉલેચીને જ જવાનો વારો આવ્યો હતો.

આ અંગે સ્થાનિકોએ હેમીષાબહેન ઠક્કરને વારંવાર ફોન પણ કર્યા પરંતુ તેઓ પાસે ફોન ઊંચકવાનો પણ સમય નથી તેવો આક્ષેપ સ્થાનિકોએ કર્યો હતો. જો કે આ સમસ્યા અંગે આ જ વોર્ડના અન્ય નગરસેવક ડો. શીતલ મિસ્ત્રી પાસે પહોચતા તેઓએ તાબડતોબ લાગતા વળગતા વિભાગને જાણ કરી કામગીરી શરુ કરાવી હતી. અને આ સમસ્યાનું નિરાકરણ આવ્યું હતું. રહીશો તો જે મત માંગવા જાય તે કોર્પોરેટરને ઓળખતા હોય છે અને તેઓ પાસે જ પોતાની સમસ્યા લઈને જતા હોય છે પરંતુ ચૂંટાયા બાદ પ્રજાને કોળીની સમજતા નગરસેવકોને પ્રજા ક્યારે ઘરે બેસાડી દે તે કહેવાય નહિ. વેરો ભરવા છતાં પણ સ્થાનિકોએ પ્રાથમિક સુવિધા માટે વારંવાર નગરસેવકો પાસે સુવિધા માટે યાચનાઓ કરવી પડે છે. ત્યારબાદ પણ ચુંટાઈ આવેલાં નગરસેવક પાસે સ્થાનિકોના પ્રશ્ને રજુઆત સાંભળવા માટે ફોન ઉપાડવાનો પણ સમય હોતો નથી. તે બાબતે સ્થાનિકોમાં આક્રોશ જોવા મળ્યો હતો.

Most Popular

To Top