Sports

VIDEO: KL રાહુલને ખખડાવનાર લખનઉ જાયન્ટ્સના માલિકનો ધોની સાથેનો ઈતિહાસ પણ ખરાબ

નવી દિલ્હી: લખનઉ જાયન્ટ્સ અને કપ્તાન કે.એલ. રાહુલ માટે બુધવાર તા. 8મી મેનો દિવસ ખૂબ જ ખરાબ રહ્યો હતો. લખનઉની ટીમ 166 રન જ બનાવી શકી હતી. સ્કોરનો પીછો કરવા ઉતરેલી સનરાઈઝર્સ હૈદરાબાદના ઓપનર્સ ટ્રેવિસ હેડ અને અભિષેક શર્મા જાણે ગલી ક્રિકેટ રમતા હોય તેમ ગ્રાઉન્ડની ચારે તરફ શોટ્સ રમ્યા હતા અને માત્ર 9.4 ઓવરમાં જ એક પણ વિકેટ ગુમાવ્યા વિના 167 રન બનાવી મેચ જીતી લીધી હતી.

લખનઉ જાયન્ટ્સના ખેલાડીઓનું પ્રદર્શન આ મેચમાં અત્યંત નિરાશાજનક રહ્યું હતું. જોકે, રમતમાં હાર-જીત થતી રહે છે, પરંતુ આ મેચ હાર્યા બાદ કે.એલ. રાહુલે સપનામાં પણ ન વિચાર્યું હોય તેવું તેની સાથે બન્યું. મેચ બાદ ગ્રાઉન્ડ પર જે થયું તે જોઈ જેન્ટલમેન ગેમ ક્રિકેટના ચાહકો ખૂબ જ દુ:ખી થયા છે.

મેચ બાદ કંઈક એવું થયું જેની ભાગ્યે જ કોઈએ કલ્પના કરી હશે. લખનઉ સુપર જાયન્ટ્સના માલિક સંજીવ ગોએન્કા મેચ બાદ મેદાન પર જ ટીમના કેપ્ટન કે.એલ. રાહુલ પર ગુસ્સે ભરાયા હતા. લખનઉની શરમજનક હાર બાદ તેમણે કે.એલ. રાહુલ પર પોતાનો ગુસ્સો ઠાલવ્યો હતો.

આ અંગેનો વીડિયો પણ વાયરલ થયો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, ગોયેન્કા ખૂબ જ ક્રોધે ભરાયેલા છે. તે કેપ્ટન કે.એલ. રાહુલ અને સ્ટાફને ખીજવાઈ રહ્યાં છે. રાહુલ મોઢું નીચું કરીને બધું સાંભળી રહ્યો છે. આ વીડિયો વાયરલ થયા બાદ સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થયો છે. યુઝર્સ અનેક પ્રકારની કોમેન્ટ વીડિયો પર કરી રહ્યાં છે.

ગોયેન્કાએ મહેન્દ્ર સિંહ ધોનીને સુકાનીપદેથી હટાવ્યો હતો
વર્ષ 2017 માં રાઇઝિંગ પુણે સુપરજાયન્ટ્સે ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને પણ કેપ્ટનશીપથી હટાવ્યો હતો. ધોનીના કરિયરમાં પહેલીવાર બન્યું હતું જ્યારે તેને કેપ્ટનશિપ પરથી હટાવવામાં આવ્યો હોય. આ પહેલા ધોનીએ ભારતીય ક્રિકેટ ટીમની કેપ્ટનશીપ સ્વૈચ્છિક રીતે છોડી હતી.

મેચ ફિક્સિંગના મામલામાં ચેન્નાઈ સુપર કિંગ્સ પર બે વર્ષના પ્રતિબંધ બાદ ધોની રાઈઝિંગ પુણે સુપરજાયન્ટ્સમાં આવ્યો હતો અને તેને કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. રાઇઝિંગ પૂણે સુપરજાયન્ટ્સના માલિક સંજીવ ગોયેન્કા હતા. પૂણે સુપરજાયન્ટ્સની પહેલી સિઝન સારી રહી નહોતી. તેના માટે ગોયેન્કાએ ધોનીને જવાબદાર ગણાવ્યો હતો અને બીજી સિઝનમાં ધોનીની જગ્યાએ સ્ટીવ સ્મિથને કેપ્ટન બનાવ્યો હતો.

એટલું જ નહીં ધોનીને સુકાનીપદેથી હટાવવા અંગે રાઇઝિંગ પુણે સુપરજાયન્ટ્સના માલિક સંજીવ ગોયેન્કાએ જાહેરમાં કહ્યું હતું કે, ધોનીએ કપ્તાની છોડી નથી અમે તેને હટાવ્યો છે. આગામી સિઝન માટે સ્ટીવ સ્મિથને અમે કેપ્ટન બનાવ્યો છે. સાચું કહું તો છેલ્લી સિઝન અમારા માટે સારી રહી નહોતી. અમને કોઈ અનુભવ નહોતો અને અમે ઈચ્છીએ છીએ કે કોઈ યુવા વ્યક્તિ ટીમનું નેતૃત્વ કરે અને આગામી સિઝન 10 પહેલા તેને નવો દેખાવ આપે.

તમને જણાવી દઈએ કે, જ્યારે સ્પોટ ફિક્સિંગ મામલામાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ પર બે વર્ષનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, ત્યારે બે નવી ટીમ આવી હતી. રાઇઝિંગ પુણે સુપરજાયન્ટ્સ અને ગુજરાત લાયન્સ. ત્યારબાદ સંજીવ ગોએન્કાએ રાઇઝિંગ પુણે સુપરજાયન્ટ્સની ફ્રેન્ચાઇઝી ખરીદી અને ધોનીને પ્રથમ સિઝન માટે ટીમનો કેપ્ટન બનાવ્યો. જોકે, ટીમ માટે પ્રથમ સિઝન ઘણી ખરાબ રહી હતી.

Most Popular

To Top