Comments

ચિંતા એટલી જ છે કે આપને ચિંતા નથી

‘રેંટિયા બારસ’ મહાત્મા ગાંધીનો ભારતીય પંચાંગ મુજબનો જન્મદિવસ ગયો અને 2જી ઓકટોબર તારીખ મુજબ હવે ઉજવાશે ત્યારે બાપુના આર્થિક, સામાજિક વિચારોની શરૂઆતમાં થયેલી સ્પષ્ટતા આપણે પણ યાદ કરીએ કે ‘હું કરું માટે માની લેવાનું નહીં!’ ભારતના આર્થિક, સામાજિક વર્તમાનની સ્થિતિ જોતાં થોડાં તારણો રજૂ કરવાનું મન થાય છે અને ઉચ્ચ મધ્યમ વર્ગના વર્તનને જોતાં ચિંતા થાય છે કે આમને આવનારા દિવસો વિષે ચિંતા જ નથી કેમ? ભારતની વસ્તી 140 કરોડ લગભગ છે. 28 કરોડ પરિવારોમાં આ 140 કરોડ લોકો વસે છે. જેમાંથી લગભગ 90 કરોડ વસ્તી ગ્રામીણ ભારતમાં વસે છે અને 50 કરોડ નગર કે શહેરમાં વસે છે. ગુજરાતમાં શહેરીકરણનો દર ઊંચો છે. 45 ટકા વસ્તી શહેરોમાં વસે છે.

ભારતમાં સ્થળાંતરિત વસ્તીનું પ્રમાણ વધતું જાય છે. લગભગ 45 કરોડ લોકો આંતર રાજય સ્થળાંતર કરી ચૂકયાં છે. ગુજરાતમાં અંદાજે 2 કરોડ લોકો દેશના અન્ય ભાગમાંથી આવેલા છે.ભારતની રાષ્ટ્રીય આવક 5 લાખ કરોડ ડોલર (ટ્રિલિયન ડોલર ઇકોનોમી) થવા જાય છે. પણ આ 5 લાખ કરોડ ડોલરના મૂલ્યમાં ખેતી ક્ષેત્રને 14 ટકા જ મળે છે! જયાં 45 ટકા કરતાં વધારે લોકો રોજગારી મેળવે છે. મતલબ કે દેશના સો રૂપિયામાં દેશની 45 ટકા વસ્તીને ભાગ 14 રૂપિયા જ છે!

15 વર્ષથી 65 વર્ષ વચ્ચેની ઉંમરનાં લોકોને સરકાર યુવાન વસ્તી ગણે છે. માટે ભારત ‘હાલ યુવાનોનો દેશ છે!’ પણ ખરેખર ભારતમાં 50 વર્ષની ઉંમર વટાવી ચૂકેલી વસ્તી વધતી જાય છે. નવો વસ્તી વૃધ્ધિદર નીચો છે. જન્મ દર 1000 સ્ત્રીએ 68 છે. મતલબ 100 એ 7 બાળકો જન્મે છે! મૃત્યુ દર સ્થિર છે. જન્મ દર ઘટે છે. માટે ચોખ્ખો વસ્તીવધારાનો દર 1 ટકાથી પણ નીચે છે. હવે વૃધ્ધ થતી વસ્તીનો દર 2.5 ટકા છે. જયારે વધતી વસ્તી 1 ટકા કરતાં ઓછી માટે 2050 પછી ભારત ઘરડાંઓનો દેશ થવા માંડશે!

મુદ્દો દેશ ઘરડો થાય છે તે નથી. પેન્શન અને પગાર બચાવવા સરકારે સરકારી નોકરીઓ બંધ કરી છે. 2004 પછીનાને પેન્શન મળવાનું નથી. ખાનગી ક્ષેત્રમાં રોજગાર ખૂબ વધ્યો પછી સ્થિર થઇ ગયો છે અને યુવાન વસ્તી આ ખાનગી ક્ષેત્રમાં નોકરી કરી રહી છે પણ આપણો સરેરાશ પગાર 15000 થી 30 હજાર છે. માટે યુવાન વસ્તી આ 15 થી 30 હજારમાં ગુજરાન ચલાવે છે. ફુગાવાના કારણે મોટા ભાગની રકમ સામાન્ય જીવન જીવવામાં વપરાઇ જાય છે! માટે બચત નથી.

કોરોના પછીના સમયમાં બેંકીંગ ક્ષેત્ર સારું કામ કરે છે તેવા આંકડા આવ્યા છે. પણ ખરેખર ઘરેલુ બચતો ઘટી રહી છે. વળી બેંકોના વ્યાજદર નીચા રાખીને લોકોને મ્યુચ્યુઅલ ફંડ અને શેરબજારમાં પરાણે રોકાણ કરાવવામાં આવે છે. આ ભયજનક છે. બજારમાં તરલતા ઘટતી જાય છે. વિદેશી મૂડીરોકાણ ઘટતું જાય છે. વિદેશી હુંડિયામણની અનામતો ઘટી રહી છે. વિદેશોમાં મંદીના ભણકારા વાગી રહ્યા છે ત્યારે આપણે ત્યાં આપણો સંપન્ન વર્ગ, બોલકો વર્ગ આ બાબતોથી બહુ ચિંતિત હોય તેવું લાગતું નથી. આંકડાઓને પક્ષ હોતા નથી. આંકડાઓમાં છૂપાયેલી વાર્તાઓ પક્ષાપક્ષીથી પર હકીકત બતાવે છે.

દેશમાં 90 કરોડ સ્માર્ટ ફોન વપરાશ કરનારા છે.દેશમાં ગાડીઓ પર ફાસ્ટ ટેગની સંખ્યા અને સરકારને ફાસ્ટ ટેગ દ્વારા થયેલી આવક 26000 કરોડ છે. હમણાં જૂનમાં જ જી.એસ.ટી. કલેકશન 1.4 લાખ કરોડે પહોંચ્યું છે! પેટ્રોલ-ડીઝલ પર સરકારને મળેલી ટેક્ષની આવક 8 લાખ કરોડ છે. (1921માં) હવે આ આંકડા જ બતાવે છે કે સરકાર જો પ્રજાના બધા જ રૂપિયા લઇ લેશે તો બજારને મળશે શું? માત્ર 20 લાખની આવક પછી 30 ટકા જેટલો ઊંચો ટેક્ષનો દર જી.એસ.ટી.નો 28 ટકા જેટલો ઊંચો દર.

નાનામાં નાની વસ્તુ પર જી.એસ.ટી. આ બધું જ અંતે અર્થતંત્રને ગુંગળાવશે. જાણકારોને ચિંતા હતી તે હવે દેખાવા માંડી છે અને તે એ કે જે કાળા નાણાંને નાથવા નોટબંધી જેવું મોટું પગલું લેવું પડયું હતું તે કાળું નાણું તો 9 લાખ કરોડને પાર થવાની શંકા છે. લોકો પાણીપૂરી પેટીએમથી ચૂકવણું કરીને ખાય છે અને શાળાના ડોનેશન, હોસ્પિટલના બીલ કે મકાનની ખરીદી 60/40ના રેશીયામાં ટૂંકમાં રોકડેથી કરે છે!

સોશ્યલ મીડિયાનો અતાર્કિક ઉપયોગ, હત્યા, બળાત્કાર અને જાહેરમાં ગુનાઓનું વધતું પ્રમાણ શહેરોમાં ટ્રાફિક, ગામડાં ખાલી થાય, શહેરો ઉભરાતાં જાય અને આ બધા જ અગત્યના મુદ્દાની કયાંય ચર્ચા જ ન થાય! દેશમાં બેકારી છે. મોંઘવારી છે, ગરીબી છે, સરકાર ખાનગીકરણ પછી ખર્ચ ઘટાડશે એમ થતું હતું પણ ખર્ચ વધતો જાય છે! એક શિક્ષિત-કુશળ વર્ગ ચૂપચાપ દેશ છોડી રહ્યો છે. ધનિકો કમાય છે. દેશમાં વાપરે છે વિદેશમાં સ્થાનિક વેપારીના માલનો બહિષ્કાર કરનારા જોતા નથી કે દુબઇમાં આઇ.પી.એલ. રમાય છે. બીઝનેસ એકસ્પો યોજાય છે. એટલે આવક અરબ દેશોને થાય છે. પણ આ બધી ચિંતાઓ કરતાં પણ મોટી ચિંતા એ છે કે આના વિષે કોઇને ચિંતા નથી! કારણ કે આવતી કાલના ભારત માટે ‘નિસ્બત નથી’.

ગાદી ગમે તેટલી મોંઘી લઇએ, રસ્તા પર ટેમ્પો કે ઊંટલારી હશે ત્યાં સુધી ટ્રાફિક જામ થવાનો જ છે! આપણે બચી શકતાં નથી! પહેલાં ખાનગી સેવાઓ-વસ્તુઓ જુદી હતી પણ સામુહિક સેવાઓ-સામુહિક વપરાશ સાથે જ હતો માટે પ્રજાનો વર્ગ એકબીજાને ઓળખતો! શાળા કોલેજોમાં સૌનાં બાળકો સાથે ભણતાં, લાંબા અંતરની મુસાફરીમાં સૌ બસમાં સાથે જ જતાં. સિનેમા, દવાખાનાં, રસ્તા, દુકાન બધે જ આપણે સાથે હતાં. ધનિકોનાં બાળકોને ખ્યાલ તો રહેતો જ કે બાળકો ગરીબ પણ હોય! બાલ્કનીમાં ફિલ્મ જોનારાને સેકન્ડ કલાસમાં સીટીઓ વાગે તેનો અનુભવ હતો.

હવે ભાગલા પડી ગયા છે. શાળા જુદી, વાહન જુદા, સિનેમા જુદા, દવાખાના જુદા પરિણામે સમાજ કહેવા પૂરતો જ સમાજ છે! તે સાથે નથી! માટે જ જયારે કોઇ સામાજિક રાજકીય અસંતોષ ઊભો થાય ત્યારે આ સંપન્ન વર્ગ ગભરાઇ જાય છે! એમણે સમાજનું સ્વરૂપ જોયું જ ન હતું! બંધનાં એલાનો, રસ્તા રોકો, ટાયરો સળગતાં… આ બધું જ તેમની કલ્પના બહારનું છે કારણ તેમણે તો સિનેમા પણ સાથે નથી જોઇ! તો વાત માત્ર એટલી જ કે દેશ માટે સમય આપો. આવનારા ભવિષ્યની સુંવાળી કલ્પનાઓમાંથી બહાર આવો અને ઘરડા ભારત, આવક-બચત વગરના ભારત વપરાશી ખર્ચથી આગળ ન વધતા ભારત વિશે વિચારો અને તે માટે તૈયાર થાવ! 
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top