Madhya Gujarat

દાહોદ જિલ્લામાં રીંછની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો

દાહોદ: દાહોદ જિલ્લો આગવી વનસંપદા ધરાવે છે. અહીં ઠેર ઠેર વિખરાયેલું કુદરતી સૌદર્ય પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. અહીંના વન વિભાગ દ્વારા આ કુદરતી સંપત્તિનું ખાસ જતન કરાય છે. જેથી અહીંની વનસંપદા જળવાઇ રહી છે અને વન્ય પ્રાણીઓને નૈસર્ગિક વાતાવરણ મળતા તેમની સંખ્યામાં પણ વધારો થયો છે. અહીં જોવા મળતા રીંછની પ્રજાતિ સ્લોથ બીયરની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો થયો છે.

બારિયા વન વિભાગના નાયબ વન સંરક્ષક (આઇએફએસ) આર.એમ.પરમાર જણાવે છે કે, અહીં જોવા મળતા સ્લોથ બીયરની સંખ્યા વધીને ૧૨૨ જેટલી થઇ છે. દાહોદ જિલ્લો અંદાજિત ૮૮ હજાર  હેકટર જેટલો વન વિસ્તાર ધરાવે છે. વન વિભાગ વનોના સંરક્ષણ તેમજ વન્ય પ્રાણીઓના સંરક્ષણમાં  સતત પ્રયત્નશીલ છે. જેના પરિણામે  દાહોદ જીલ્લામાં સતત રીંછની સંખ્યા  ઉત્તરોતર વધી રહી છે.

તેઓ જણાવે છે કે, વનવિભાગ દ્વારા રીંછોની વસ્તી ગણતરી દર ચાર વર્ષે થાય છે. જેમાં ખાસ પદ્ધતિને અનુસરવામાં આવે છે. બારીઆ વન વિભાગ બારીયા તેમજ સાગટાળા  રેન્જ વિસ્તારમાં રીંછની સંખ્યા સતત વધી રહી છે. આ જુન મહીનામાં કરવામાં આવેલી રીંછની વસ્તી ગણતરીમાં જોવા મળ્યું કે બારીઆ રેન્જના  વિવિધ વિસ્તારોમાં રીંછની અંદાજિત સંખ્યા ૭ થઇ છે. જયારે સાગટાલા રેન્જ  વિસ્તારમાં રીંછની અંદાજિત  સંખ્યા ૪૫ જેટલી જણાઈ આવી છે. તેમજ રતનમહાલ રીછ અભ્યારણમાં રીંછની અંદાજિત સંખ્યા ૭૦ હોવાનું જણાયું છે. આમ રીંછોની સંખ્યા અંદાજે ૧૨૨ જેટલી  થઇ છે. જે ખૂબ સારા સંકેત છે. વન વિભાગ દ્વારા રહેઠાણ સુધારણા હેઠળ કુદરતી પાણીના સ્ત્ર્રોતનું નવીનીકરણ, કૃત્રિમ પાણીના પોઇન્ટ તેમજ રીંછના ખોરાક માટે ફળાઉ જાતોનું વાવેતર કરવામાં આવ્યું છે. તેના પરિણામે રીંછોની સંખ્યામાં વધારો થયો છે.

રીંછએ મિશ્રાહારી પ્રાણી છે. કીડીઓ, ઉધઈ, કીટકો, મધ તેમજ જાંબુ, આંકલ  બોર, ગરમાલાની શીંગો વગેરેનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. રીંછ જંગલમાં અલગ અલગ સમયે થતા ફળો નો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. જુલાઈ મહિના પછી જંગલમાં ફળો ન હોય ત્યારે કીડા,મંકોડા તથા ઉધઈ ખોરાક તરીકે લે છે.ચોમાસામા ખેતરમા મકાઈ ડોડા પણ ખાય છે. મધ રીંછનો પ્રિય ખોરાક છે. ભાગ્યે જ માંસ ખાય છે.

રીંછ માટે જૂન અંત કે જુલાઈ શરૂઆતનો મહિનો પ્રજનનકાળનો સમય હોય છે. ગર્ભકાળ સમય સાત મહિનાનો હોય છે. ગર્ભ ધારણ કર્યાના સાત મહિના પછી એટલે કે માદા રીંછ ડિસેમ્બર, જાન્યુઆરી મહિનાની આસપાસ  બે જેટલા બચ્ચાંને જન્મ આપે છે. સામાન્ય રીતે રીંછ માનવ પર  હુમલો  કરતો  નથી. પણ સ્વબચાવમાં કે બચ્ચા સાથે  હોય ત્યારે હુમલાના બનાવ બનતા હોય છે. હડકાયું થઈ જાય ત્યારે જીવલેણ હુમલો કરે છે. પ્રજનન સમયે અને બચ્ચા સાથે હોય ત્યારે વધુ આક્રમક હોય છે.

Most Popular

To Top