Columns

મણિપુરની ઘટના સોશ્યલ મિડિયાને કારણે બહાર આવી હતી

ઉત્તર પૂર્વ રાજ્ય મણિપુર છેલ્લા અઢી મહિનાથી હિંસાની આગમાં સળગી રહ્યું છે. કુકી અને મીતેઈ સમુદાયો વચ્ચે ઉગ્ર સંઘર્ષ ચાલી રહ્યો છે. આ દરમિયાન હવે મણિપુર હિંસાનો એક વિડિયો સામે આવ્યો છે, જેને જોઈને સમગ્ર દેશમાં ગુસ્સો છે. આ વિડિયો સોશ્યલ મિડિયા પર ઘણો વાયરલ થયો છે. સરકારે તેને વાયરલ થવા પર પ્રતિબંધ મૂક્યા પછી પણ આ વિડિયો ટ્વિટર, ફેસબુક, યુટ્યુબ અને અન્ય સાઇટ્સ પર ઉપલબ્ધ છે. આ વિડિયોમાં ઉશ્કેરાયેલા ટોળાએ બે યુવતીઓ સાથે જે બર્બરતા કરી તે જોઈને લોકોનું લોહી ઉકળી ઊઠ્યું છે.

વાયરલ થઈ રહેલા વિડિયોમાં જોવા મળતા આરોપીઓને રાજ્યની સાથે કેન્દ્ર સરકારે કડકમાં કડક સજા આપવાની વાત કરી છે. વાયરલ વિડિયોના મુખ્ય આરોપીની પણ ધરપકડ કરવામાં આવી છે. પરંતુ આ વાયરલ વિડિયો પાછળની આખી કહાનીથી હજુ પણ લોકો અજાણ છે. વિડિયોમાં જે ક્રૂરતા જોવા મળે છે, તેના કરતાં ક્યાંય વધુ ક્રૂરતા હકીકતમાં તે દિવસે આચરવામાં આવી હતી. માનવતાને શરમાવે તેવી ઘટનાનો આ વિડિયો ૧૯મી જુલાઈની મોડી સાંજે સોશ્યલ મિડિયા પર આવ્યો હતો.

વિડિયોમાં બે મહિલાઓ ટોળાની વચ્ચે શેરીઓમાં નગ્ન અવસ્થામાં દોડતી જોવા મળે છે. વિડિયોમાં જોવા મળી રહ્યું છે કે ભીડમાં કેટલાક યુવકો મહિલાઓના ગુપ્તાંગોને સ્પર્શ કરી રહ્યા છે. મણિપુરમાં ઇન્ટરનેટ બંધ હોવાથી આ ઘટનાને દબાવી દેવામાં આવી હતી. જેવો ઇન્ટરનેટ પર પ્રતિબંધ દૂર થયો કે સોશ્યલ મિડિયા પર વિડિયો વાયરલ થયો હતો. આ વિડિયોએ એવું વાતાવરણ સર્જ્યું કે તમામ મુદ્દાઓ પાછળ રહી ગયા હતા. વડા પ્રધાન નરેન્દ્ર મોદી, મણિપુરના મુખ્ય મંત્રી એન. બિરેનસિંહ, સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ડી.વાય. ચંદ્રચૂડ  સહિત દરેકની પ્રતિક્રિયાઓ આવવા લાગી હતી.

જે મહાનુભાવો ઘટના બની તેના પછી દિવસો સુધી મૌન રહ્યા હતા તેઓ સોશ્યલ મિડિયા પર વિડિયો આવ્યા પછી જ સક્રિય બન્યા હતા અને પોતાની આબરૂ સાચવવા પ્રતિક્રિયાઓ આપવા લાગ્યા હતા. આ વિડિયો પર વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે ‘‘મારું દિલ ગુસ્સા અને પીડાથી ભરેલું છે. મણિપુરની ઘટના કોઈ પણ સંસ્કારી સમાજ માટે શરમજનક છે. ગુનેગારો કેટલા છે, કોણ છે તે પોતાની જગ્યાએ છે, પરંતુ આખા દેશનું અપમાન થઈ રહ્યું છે. ૧૪૦ કરોડ દેશવાસીઓ શરમ અનુભવી રહ્યા છે. હું દેશવાસીઓને ખાતરી આપું છું કે કોઈ પણ દોષિતને  માફી બક્ષવામાં આવશે નહીં. મણિપુરની દીકરીઓ સાથે જે થયું તે માફ કરી શકાય તેમ નથી.’’

આ ઘટના ૪ મેના રોજ મણિપુરના થોબલ જિલ્લામાં બની હતી. બુધવારની રાત્રે વાયરલ થયેલો વિડિયો લગભગ અઢી મહિના જૂનો છે. આ ઘટના મુજબ ૪ મેના રોજ થોબલ જિલ્લાના એક ગામમાં ૯૦૦ થી ૧,૦૦૦ લોકોના ટોળાએ હુમલો કર્યો હતો. હુમલાખોરોએ કુકી સમુદાયનાં લોકોને નિશાન બનાવ્યાં અને તેમનાં ઘરોમાં તોડફોડ કરી હતી. હુમલાખોરો સશસ્ત્ર હતા. આવી સ્થિતિમાં ગામનાં લોકો બચવા માટે અહીં-તહીં દોડી આવ્યાં હતાં. વાયરલ વિડિયોમાં દેખાતી બંને યુવતીઓ પોતાનો જીવ બચાવવા પરિવાર સાથે જંગલમાં ભાગી ગઈ હતી. મહિલાઓની સાથે તેના પિતા અને ભાઈ પણ હતા. પોલીસે થોડી વાર જંગલમાં દોડ્યા બાદ તેમને બચાવ્યા હતા.

જે બાદ પોલીસ આ લોકોને પોલીસ સ્ટેશન લઈ જઈ રહી હતી. દરમિયાન હુમલાખોરોના ટોળાએ ફરી આ લોકોને રસ્તાની વચ્ચે ઘેરી લીધા હતા. પોલીસ સ્ટેશનથી લગભગ બે કિ.મી. દૂર પહોંચેલા ઉશ્કેરાયેલા ટોળાએ આ લોકોને પોલીસના કબજામાંથી છોડાવ્યા હતા અને પછી અત્યાચાર ગુજાર્યો હતો. ઉશ્કેરાયેલા ટોળા દ્વારા મહિલાઓની સામે પરિવારના વડાને માર મારવામાં આવ્યો હતો, જેણે પોલીસની સામે મહિલાઓ અને તેમના પરિવારના સભ્યોને મારપીટ કરી હતી. ટોળામાં સામેલ લોકો જ્યારે મહિલાઓ સાથે અત્યાચાર કરી રહ્યા હતા ત્યારે તેઓએ વિરોધ કરતા પરિવારના વડાને બધાની સામે જ માર માર્યો હતો.

આ પછી મહિલાઓને તેમનાં કપડાં ઊતારવાની ફરજ પાડી હતી. ઉશ્કેરાયેલા ટોળાનો ભોગ બનેલી મહિલાઓમાંથી એક ૨૧ વર્ષની, બીજી ૪૨ અને ત્રીજી ૫૨ વર્ષની હતી. એક ૨૧ વર્ષની છોકરી પર ધોળા દિવસે સામુહિક બળાત્કાર કરવામાં આવ્યો હતો, તેના ભાઈની ટોળા દ્વારા હત્યા કરવામાં આવી હતી, જેણે તે ત્રણેયને છીનવી લીધી હતી અને તેમને રસ્તા પર દોડાવી હતી. ૨૧ વર્ષીય યુવતી સાથે દિવસભર ગેંગરેપ કરવામાં આવ્યો હતો. તેનો વિરોધ કરવા પર હુમલાખોરોએ યુવતીના ભાઈને માર માર્યો હતો. ઉશ્કેરાયેલા ટોળાનું મન ભરાઈ જતાં મહિલાઓને સ્થાનિક લોકોની મદદથી ઘરે પહોંચાડી હતી. આ પછી ભોગ બનેલી મહિલાઓ ઘણા દિવસો સુધી અસ્વસ્થ રહી હતી.

આ ક્રૂર ઘટનાની ૧૮ મેના રોજ પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી. ૨૧ મેના રોજ થોબલ જિલ્લાના નોંગપોક સેકમાઈ પોલીસ સ્ટેશને આ સંદર્ભે અજાણ્યા લોકો વિરુદ્ધ કેસ નોંધ્યો હતો. પરંતુ કેસ નોંધ્યા બાદ પણ પોલીસે આ મામલે ઘણા દિવસો સુધી કોઈ કાર્યવાહી કરી ન હતી. કેસ નોંધ્યા બાદ પણ પોલીસ આ કેસમાં કોઈની ધરપકડ કરી શકી નહોતી. બુધવાર તા. ૧૯ જુલાઈના રોજ જ્યારે આ વિડિયો વાયરલ થયો હતો, ત્યારે ગુરુવારે એક આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. વાયરલ વિડિયોમાં દેખાતા હુમલાખોરો મીતેઈ સમુદાયના છે, જ્યારે હિંસાનો ભોગ બનેલી મહિલાઓ કુકી જનજાતિ સમુદાયની છે.

મણિપુરની હિંસા જ્યારથી શરૂ થઈ ત્યારથી બધા જાણે છે કે મીતેઈ સમુદાય હિન્દુ હોવાથી ભાજપ અને સંઘપરિવાર તેના સમર્થનમાં છે. વર્તમાન હિંસા દરમિયાન બંને પક્ષના લોકો હિંસાનો ભોગ બન્યા છે, પણ સૌથી વધુ હિંસા મીતેઈ સમુદાય દ્વારા જ આચરવામાં આવી છે. આ ઘટના બાદ સમગ્ર દેશમાં ગુસ્સો છે. કેન્દ્ર સરકારે ગુરુવારે મોટું પગલું લેતાં મણિપુરમાં મહિલાઓ પરના અત્યાચારનો વિડિયો સોશ્યલ મિડિયા પર શેર કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. સુપ્રીમ કોર્ટે વાયરલ વિડિયોની સુઓ-મોટો સંજ્ઞાન લીધી હતી. ચીફ જસ્ટિસ ડી.વાય. ચંદ્રચુડે કહ્યું હતું કે તેઓ મહિલાઓના નગ્ન પરેડના વિડિયોથી ખરેખર પરેશાન છે.

પોલીસે આ કેસમાં અત્યાર સુધીમાં ચાર લોકોની ધરપકડ કરી છે અને અન્યને શોધી રહી છે. પોલીસે જે ચાર લોકોની ધરપકડ કરી છે તેમની ઓળખ હુઈરેમ હેરદાસ, અરુણ સિંહ, જીવન એલંગબામ અને તોમ્બા સિંહ તરીકે થઈ છે. પોલીસના જણાવ્યા અનુસાર અરુણ સિંહ, જીવન એલંગબામ અને તોમ્બા સિંહ મણિપુરના થોબલ જિલ્લાના રહેવાસી છે. પોલીસના જણાવ્યા અનુસાર આ આરોપીઓની પૂછપરછ બાદ વધુ ધરપકડ કરવામાં આવશે. પોલીસ અને કેન્દ્રીય દળોની ૧૨ સંયુક્ત ટીમ અન્ય આરોપીઓની શોધમાં છે.

વર્તમાન હિંસા બાદ મણિપુર રાજ્ય એક રીતે વિભાજિત થઈ ગયું છે. હિંસાનો સૌથી વધુ ભોગ એવાં લોકો બન્યાં હતાં, જેઓ તેમના વિસ્તારમાં લઘુમતીમાં હતાં. ખીણના મીતેઈ પ્રભુત્વ ધરાવતા વિસ્તારોમાં રહેતાં કુકીઓ અને બીજી તરફ ડુંગરાળ વિસ્તારોમાં રહેતાં મીતેઈ લોકો મોટી સંખ્યામાં હિજરત કરી ગયાં છે. લગભગ ૬૦ હજાર લોકો તેમનાં ઘરો છોડીને ૩૫૦ રાહત શિબિરોમાં વિસ્થાપિત થયાં છે. તેમના માટે બનાવેલા શરણાર્થી શિબિરો પણ આ જ રીતે બનાવવામાં આવ્યા છે. સમગ્ર ઇમ્ફાલ ખીણમાં એક પણ કુકી રાહત શિબિર નથી, જ્યારે પર્વતીય વિસ્તારોમાં એક પણ મીતેઇ રાહત શિબિર નથી.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top