Gujarat

‘મેં રાક્ષસ સાથે યુદ્ધ કરી ભારતને બચાવ્યું, નહીં તો..’: રાજકોટના સરકારી કર્મચારીનું નિવેદન ફરી ચર્ચામાં

રાજકોટઃ રાજકોટના (Rajkot) સિંચાઈ વિભાગના નિવૃત ઇજનેર ફરી એક વખત ચર્ચામાં આવ્યા છે. રમેશચંદ્ર ફેફરે (Rameshchandra Fefar) ફરીથી તેમણે પોતાને વિષ્ણુનો કલ્કી (Kalki) અવતાર ગણાવી સિંચાઈ વિભાગ પાસે બાકી રહી ગયેલો રૂ. 16 લાખ પગારની માંગણી કરી છે. સરકારને એક પત્ર (latter) લખી ફેફરે માંગણી કરી હતી કે કોરોનાકાળ દરમિયાન હું વર્ક ફ્રોમ હોમ કરતો હતો તેથી તે ઓફિસે આવી શક્યો નહીં જેથી બાકી રહી ગયેલો એક વર્ષનો રૂ.16 લાખ પગાર ચૂકવી દેવા જણાવ્યું હતું.

નિવૃત રમેશચંદ્ર ફેફરે સચિવ, જળસંપત્તિ વિભાગ, નર્મદા જળસંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ, ગાંધીનગરને પત્ર લખ્યો હતો જેમાં તેમણે તેમનો એક વર્ષનો 16 લાખ રૂપિયા પગાર માંગ્યો હતો. પત્રમાં ફેફરે જણાવ્યું હતું કે સરદાર સરોવર નર્મદા નિગમ પુનર્વસવાટ એજન્સીમાં મારી પ્રતિ નિયુક્તિ દરમિયાન મારે 16 લાખ રૂપિયા પગાર લેવાનો છે. કોરોનાકાળ દરમિયાન મેં વર્ક ફ્રોમ હોમ કરેલું છે તેથી એક વર્ષનો આશરે રૂ.16 લાખ જેટલો પગાર લેવોનો બાકી છે, જે સરકારે ચૂકવી દેવો જોઈએ.

રમેશચંદ્ર ફેફરે અગાઉની જેમ જ પોતાને વિષ્ણુ અવતાર ગણાવી દેશને બચાવ્યો હોવાનો દાવો કર્યો હતો. તેમણે પત્રમાં લખ્યું હતું કે, હું ભગવાન વિષ્ણુનો દશમો અવતાર કલ્કી જ છું, અને એક વર્ષ ઓફિસમાં ગેરહાજર રહ્યો હતો ત્યારે મારું કલી રાક્ષસ સાથે યુદ્ધ ચાલતું હતું, જો હું ગેરહાજર ન રહ્યો હોત તો આજે જેમ રશિયા, ચીન, પાકિસ્તાન અને અમેરિકાનો આર્થિક વિકાસ દર જે ભારત કરતા ઓછો છે એના બદલે ભારત આર્થિક રીતે બરબાદ થઇ ગયું હોત.

ઉલ્લખેનીય છે કે આ અગાઉ પણ રામેશચંદ્ર ફેફરે પોતાના બાકી રહી ગયેલા પગારની સરકાર પાસે માંગણી કરી હતી. 2021માં પણ તેમણે પોતાને વિષ્ણુનો દશમો અવતાર કલ્કી તરીકે ગણાવ્યા હતા. ત્યારે પણ તેમણે સરકારને પત્ર લખી ધમકી આપતા લખ્યું હતું કે જો તેમને પગાર ચૂકવવામાં નહિ આવે તો દુષ્કાળ લાવી દેશે. આ પહેલા પણ તેમણે વરસાદ રોકવાનો દાવો કર્યો હતો.

દેશમાં આવા કિસ્સા ઘણા જોવા મળે છે આવું સાઈકોલોજિસ્ટનું માનવું છે. આ અંગે ઘણા બધા સાઈકોલોજિસ્ટનું કહેવું છે કે તેઓ માનસિક રોગથી પીડાઈ રહ્યા છે. મેડિકલ સાયન્સની ભાષામાં પેરાનોઇડ ડીસઓર્ડર કહેવાય છે. આ સમસ્યા કેટલાક ગામડાંઓના તાંત્રિક, ભૂવાઓમાં પણ જોવા મળે છે. તેથી સાઈકોલોજિસ્ટનું માનવું છે કે કોઈપણ જાતની અંધશ્રધ્ધા રાખ્યા વગર તેવા લોકોની મનોચિકિત્સકો પાસે સારવાર કરાવો.

Most Popular

To Top