Editorial

ડોકટરોને ફાર્મા કંપની દ્વારા ફ્રી ગિફ્ટ સામે સરકારે કાયદો બનાવ્યો પરંતુ કડક અમલ થવો મુશ્કેલ

દુનિયામાં એવો કોઈ પણ ધંધો નથી કે જેમાં ગ્રાહકને વિવિધ પ્રકારની ગિફ્ટ આપવામાં આવતી નહી હોય. તેમાં પણ જે ડિલર હોય તેને તો જાતજાતના પ્રલોભનો આપવામાં આવતા હોય છે. ફાર્મા ઉદ્યોગમાં પણ આજ સ્થિતિ છે. ફાર્મા કંપનીઓમાં ગળાકાપ હરીફાઈ છે. એક કંપની જે દવા બનાવે છે તે જ પ્રકારની દવા બીજી કંપની પણ બનાવતી હોય છે. બાકી હતું તે હવે સરકારે જેનેરિક દવાઓને પ્રોત્સાહન આપવાની શરૂઆત કરી છે.

ફાર્મા કંપનીઓ વચ્ચેની આ હરીફાઈએ ધીરેધીરે ડોકટરોને લલચાવવાની શરૂઆત કરી હતી અને આજે આ હરીફાઈને કારણે ફાર્મા કંપનીઓને ડોકટરોને વિદેશ પ્રવાસથી માંડીને મોંઘી ભેટ-સોગાત સહિતની લાલચો આપી રહી છે. 2022માં સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ દ્વારા ડોકટરો પર એવો આરોપ મુકવામાં આવ્યો હતો કે ડોકટરોએ ડોલો-650 ટેબલેટ લખવા માટે 1000 કરોડ રૂપિયાની ભેટ લીધી હતી. આ આક્ષેપોને કારણે હવે આ સીસ્ટમ પર હવે સરકારે સિકંજો કસ્યો છે. કેન્દ્ર સરકારે એવી જાહેરાત કરી છે કે જે ફાર્મા કંપની દ્વારા ડોકટરોને ફ્રી ગિફ્ટ આપવામાં આવશે તેની સામે કડક પગલાઓ લેવામાં આવશે.

કેન્દ્ર સરકારે આ માટે યુનિફોર્મ કોડ ફોર ફાર્માસ્યુટિકલ માર્કેટિંગને સૂચિત કર્યું છે. આના હેઠળ કોઈપણ ફાર્મા કંપની અથવા તેના એજન્ટ કોઈપણ ડોકટર અથવા તો તેના પરિવારના સભ્યોને કોઈ જ ભેટ આપશે નહીં. આ ઉપરાંત વિદેશ પ્રવાસનો પ્રસ્તાવ પણ ડોકટરને આપવામાં આવશે તો તેને પણ ગુનાની શ્રેણીમાં જ ગણવામાં આવશે. આ અંગે દેશભરની તમામ ફાર્માસ્યુટિકલ એસોસિએશનને કેન્દ્ર સરકાર દ્વારા પત્ર લખવામાં આવ્યો છે અને તેમાં એવી તાકીદ કરવામાં આવી છે કે તમામ એસોસિએશને એક નૈતિક સમિતીની રચના કરવાની રહેશે અને વેબપોર્ટલ પર તેનો ઉલ્લેખ કરવાની સાથે સત્તાવાર વેબસાઈટ તેમજ યુનિફોર્મ કોડનું પાલન પણ કરવાનું રહેશે.

અગાઉ પણ સરકારે 2014માં માર્ગદર્શિકા જાહેર કરી જ હતી પરંતુ તેમાં કાયદાકીય રીતે કોઈ બંધનો નહોતા પરંતુ હવે નવા કોડ હેઠળ જો ડોકટરો અનૈતિક રીતે જે તે દવાને પ્રોત્સાહન આપવા માટે દોષિત ઠરશે તો તે ફાર્મા કંપનીઓ સામે લાંચ જેવા કેસની જેમ કાયદેસરની કાર્યવાહી દંડાત્મક પગલાઓ લેવામાં આવશે. આ નવા કોડમાં ત્યાં સુધી કહેવામાં આવ્યું છે કે, ફાર્મા કંપનીઓ કોઈપણ કોન્ફરન્સ કે સેમિનારના નામે ડોકટરોને વિદેશ પ્રવાસની ઓફર કરી શકશે નહીં. ફાઈવ સ્ટાર હોટલમાં રહેવાથી માંડીને મોંઘા ભોજન કે રિસોર્ટની સુવિધા પણ ફાર્મા કંપનીઓ આપી શકશે નહીં. આ કોડ હેઠળ તબીબો સિવાયની વ્યક્તિને દવાઓના મફત નમૂના પણ આપવામાં આવશે નહીં. દરેક ફાર્મા કંપનીએ દરેક પ્રોડક્ટનું નામ, ડોકટરનું નામ, પૂરા પાડવામાં આવેલા નમૂનાઓની માત્રા તેમજ મફત નમૂનાના સપ્લાયની તારીખ જેવી વિગતો પણ આપવાની રહેશે.

સરકારે આ કોડ બનાવ્યો પરંતુ ખરેખર ફાર્મા કંપનીઓ તેનું પાલન કરશે કે કેમ તે મોટો સવાલ છે. ફાર્મા ઉદ્યોગ અબજો રૂપિયાનો છે અને તેમાં માર્કેટિંગથી માંડીને ગિફ્ટનું મોટું મહત્વ છે. સરકારે ભલે કોડ બનાવ્યો પરંતુ તેનું પાલન થશે કે કેમ? તે મોટો પ્રશ્ન છે. ફાર્મા કંપનીઓ દ્વારા પોતાની દવાઓનું વધુ વેચાણ થાય તે માટે મેડિકલ રિપ્રેઝન્ટેટિવ રાખવામાં આવે છે. નવા કોડથી આ રિપ્રેઝન્ટેટિવનું મહત્વ ઘટી જશે પરંતુ ફાર્મા કંપનીઓ દ્વારા ડોકટરોને અપાતી ફ્રી ગિફ્ટ પર અંકુશ આવશે કે કેમ? તે ચોક્કસ નથી.

ડોકટરો અને ફાર્મા કંપની, એક સિક્કાની બે બાજુ જેવા છે. બંનેને એકબીજા વગર ચાલી શકે તેમ નથી. બીજી તરફ સરકારે પણ એ સમજવાની જરૂરીયાત છે કે જ્યાં સુધી ડોકટરોને જે તે નવી દવા અને તેના કન્ટેન્ટ વિશે માહિતગાર કરવામાં આવશે નહીં ત્યાં સુધી તેઓ નવી દવા કેવી રીતે દર્દીઓને આપી શકશે તે પણ મોટો પ્રશ્ન છે. જ્યાં સુધી નવી દવાઓ લખવામાં નહીં આવે ત્યાં સુધી જૂની દવાઓ મોંઘી થતી જ રહેશે. ખરેખર સરકારે આ નવા કોડ લાવવાની જગ્યાએ દર્દીઓને એવી રીતે જાગૃત કરવા માટે અભિયાન ચલાવવું જોઈએ કે કઈ દવાના બદલામાં કઈ સસ્તી દવા કામ લાગી શકશે? સાથે સાથે સરકારે આ માટે નિષ્ણાંતોની કમિટી બનાવીને તેની પર મોનિટરિંગ પણ કરવું જોઈએ.

ભલે, સરકારે ફ્રી સેમ્પલ મેડિકલ રિપ્રેઝન્ટેટિવને આપવાની ના પાડી હોય પરંતુ તેનાથી કોઈ મોટો ફરક પડી શકે તેમ નથી. ડોકટરો દ્વારા ફ્રી ગિફ્ટ લેવાની અને ફાર્મા કંપનીઓ દ્વારા ફ્રી ગિફ્ટ આપવાની માત્ર પદ્ધતિ જ બદલાશે. તેની પર અંકુશ આવવાની વાત ખોટી છે. હવે તો ખુદ સ્પેશિયાલિસ્ટ ડોકટરો દ્વારા પણ દર્દીઓને પોતાની પાસે ખેંચી લાવવા માટે એઝિક્યુટિવ રાખ્યા છે. આ એક્ઝિક્યુટિવ અન્ય સામાન્ય તબીબો પાસે જઈને પોતાની સ્પેશિયાલિસ્ટ તબીબ પાસે દર્દીને મોકલવા માટે સમજાવે છે. તેના બદલામાં આવા સામાન્ય તબીબને કમિશન મળે છે. સરકારે આ પ્રવૃત્તિ પર અંકુશ મુકવાની જરૂરીયાત છે. હાલમાં સરકારે ભલે આ નવો કોડ બનાવી દીધો હોય પરંતુ તેનો અમલ યોગ્ય રીતે થશે તે અંગે અનેક આશંકાઓ છે. ફાર્મા કંપનીઓ સરકારના આ નવા કોડને પણ ઘોળીને પી જશે તે નક્કી છે.

Most Popular

To Top