Comments

ટોળે વળીને કોઈને ટપલી મારવી એ મર્દાનગી નથી

૨૬મી જાન્યુઆરી ૧૯૫૦ના રોજ ભારતનું બંધારણ લાગુ થયું તેની પૂર્વ સંધ્યાએ બંધારણનો મુસદ્દો ઘડનારી સમિતિના અધ્યક્ષ ડૉ. ભીમરાવ આંબેડકરે કહ્યું હતું કે, “૨૬મી તારીખથી આપણે આંતર્વિરોધના યુગમાં પ્રવેશવાના છીએ. રાજકીય જીવનમાં સમાનતા અને આર્થિક-સામાજિક જીવનમાં વિષમતા. રાજકારણમાં આપણે એક વ્યક્તિની કિંમત એક મત દ્વારા આંકવાના છીએ, પરંતુ આર્થિક અને સામાજિક જગતમાં વિષમતામૂલક વ્યવસ્થાનાં મૂળિયાં ઊંડાં હોવાને કારણે આપણે એક વ્યક્તિ એક મૂલ્યનો સિદ્ધાંત નકારવાનું જારી રાખીશું. આવા આંતર્વિરોધની કેદમાં આપણે ક્યાં સુધી રહીશું? સામાજિક અને આર્થિક ક્ષેત્રમાં સમાનતા ક્યાં સુધી નકારતા રહીશું?”અને પછી કહે છે, “જો આપણે લાંબા સમય સુધી સમાનતાનો અસ્વીકાર કરતાં રહીશું તો એક દિવસ તેનાં પરિણામસ્વરૂપ રાજકીય લોકતંત્ર સંકટમાં પડવાનું છે.”(ડૉ. આંબેડકરનું આ પ્રવચન બંધારણસભાની ચર્ચાના દસમા ખંડમાં જોવા મળશે.)

ડૉ. આંબેડકરે આઝાદ ભારતમાં અસ્તિત્વમાં આવનારો આંતરવિરોધ બતાવ્યો છે અને તેનું પરિણામ પણ બતાવ્યું છે. જ્યાં સુધી અસમાનતા રહેશે ત્યાં સુધી ભારત સાચો લોકશાહી દેશ બની શકે એમ નથી અને જો અસમાનતા વધતી જાય અને તેનું નિર્મૂલન કરવાની જગ્યાએ સામાજિક-આર્થિક વાસ્તવ તરીકે જો તેનો સ્વીકાર કરવામાં આવશે તો ભારતનું લોકતંત્ર સંકટમાં પડવાનું છે. પણ સવાલ એ છે કે ભારતમાં બંધારણ લાગુ થઈ જાય અને ભારત પ્રજાસત્તાક બની જાય એટલા માત્રથી રાજકીય સમાનતા આવી જવાની હતી?

એક વ્યક્તિ એક મતનો સિદ્ધાંત સ્વયં એક મહાન સિદ્ધાંત છે, પરંતુ એ કિતાબી આદર્શ માત્ર છે. સત્તાકીય રાજકારણમાં કેટલાંક લોકોને મત આપતાં રોકી પણ શકાય, મતદાન મથક સુધી પહોંચતાં રોકી શકાય છે, સત્તાનો દુરુપયોગ કરીને મબલખ સંસાધનો એકઠાં કરીને ચૂંટણી અસમાન (ચૂંટણીકીય વિષમતા) કરી શકાય છે, મત ખરીદી શકાય છે અને મત નહીં તો મતે ચૂંટેલા પ્રતિનિધિને ખરીદી શકાય છે. પ્રજાસત્તાક દેશમાં પ્રજા સત્તા ધરાવે છે અને આપોઆપ રાજકીય સમાનતા પ્રસ્થાપિત થાય છે એવું ડૉ. આંબેડકરનું નિરીક્ષણ ખામીભરેલું છે.

અત્યારે આપણને આનો અનુભવ થઈ જ રહ્યો છે. ભારતનાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને તમે એક જ મતનો અધિકાર ધરાવો છો એ રાજકીય સમાનતાનો નિર્ણાયક માપદંડ નથી અને એમાં જો તમે મત આપવાની લાઈનમાં આગળ ઊભા હો અને તમારી પાછળ એક અદના નાગરિક તરીકે રાષ્ટ્રપતિ ઊભા હોય તો એ દૃશ્ય જોઇને આપણે ગદ્ગદિત થઈ જઈએ છીએ. પણ આ બાહ્ય દેખાવ માત્ર છે, તેમાં આત્મા હોય જ એ જરૂરી નથી. જે દિવસે સર્વોચ્ચ અદાલતે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાને આદેશ આપ્યો કે ઇલેક્ટોરલ બોન્ડ્સની વિગતો જાહેર કરવામાં આવે અને એમાં કોઈ સમયમર્યાદા વધારી આપવામાં નહીં આવે તો એ જ દિવસે કેન્દ્ર સરકારે સીટીઝનશીપ એમેન્ડમેન્ટ એક્ટ (સીએએ) લાગુ કરી દીધો.

એક ઝાટકે કેટલાંક મુસલમાનોનો મતનો અધિકાર છીનવી લીધો. માત્ર આસામના, ઇશાન ભારતનાં અન્ય રાજ્યોનાં, બંગાળ અને બિહારનાં મુસલમાનોનો જ મતનો અધિકાર નહીં, દેશના કોઈ પણ મુસલમાનને મત આપતો રોકી શકાય છે. નાગરિકત્વ સિદ્ધ કરવાની જવાબદારી એની છે જેનું નાગરિકત્વ છીનવી લેવામાં આવ્યું છે, એની નથી જેણે નાગરિકત્વ છીનવી લીધું છે. ભારતના ન્યાયતંત્રમાં નાગરિકત્વ પાછું મેળવતા માણસ વૃદ્ધ થઈ જાય અને પ્રત્યેક ચૂંટણીમાંથી બહાર થઈ જાય અને માત્ર એ જ નહીં, તેનો પરિવાર પણ.

ક્યાં છે રાજકીય સમાનતા જેની ડૉ. આંબેડકરે કલ્પના કરી હતી? ઇલેક્ટોરલ બોન્ડ્સ પ્રતિસ્પર્ધીના ચૂંટણીના મેદાનમાં સમાનતાના અધિકારને છીનવી લેવા માટે લાગુ કરવામાં આવ્યા હતા અને આ સીએએનો કાયદો પ્રતિસ્પર્ધીના સમર્થકોને રસ્તામાંથી સમૂળગા દૂર કરવા માટે લાગુ કરવામાં આવ્યો છે. કાં તો ચૂંટણીના મેદાનમાં ઇલેક્ટોરલ બોન્ડ્સ દ્વારા તને લંગડો કરું અને કાં તને મત આપીને તારું પોષણ કરનારાને જ ખતમ કરું, પણ તને મારી બરાબરી કરવા તો નહીં જ દઉં.

આ સિવાય ચૂંટણી પંચના કમિશ્નરને નિયુક્ત કરવાની પ્રક્રિયા અસમાન કરવામાં આવી છે અને તે ત્યાં સુધી કે દેશના મુખ્ય ન્યાયમૂર્તિને જ તેની બહાર રાખવામાં આવ્યા છે. શાસકોની જીહજુરી કરનારાઓ ચૂંટણી પંચમાં બેસશે અને તેઓ સરકારને માફક આવે એ રીતે ચૂંટણીનું આયોજન કરશે. સરકારના ઇશારે રાજીનામાં પણ આપશે. અત્યારે ચૂંટણી પંચને માત્ર એક સભ્યનું કરી નાખવામાં આવ્યું છે. ચૂંટણી પહેલાં બીજા બે કમિશ્નરની નિમણૂક કરવામાં આવશે કે નહીં એ આપણે જાણતા નથી અને જો નિયુક્ત કરવામાં આવશે તો એ ચોક્કસ માનજો જીહજુરિયા હશે.

ટૂંકમાં બંધારણ અને બંધારણ નિર્મિત પ્રજાતંત્ર રાજકીય સમાનતાની ગેરંટી નથી આપતા. એને માટે જાગરુક તેમ જ આંદોલિત નાગરિક સમાજ અને સ્વતંત્ર તેમ જ તંદુરસ્ત ન્યાયતંત્ર જરૂરી છે. ઇલેક્ટોરલ બોન્ડ્સ દ્વારા મળેલા અઢળક રૂપિયા દ્વારા નાગરિકોના એક વર્ગને દેશપ્રેમનો કલોરોફોર્મ આપીને સુવડાવી દેવામાં આવ્યો છે. બીજા એક વર્ગને હિંદુઓનું માથાભારેપણું જોઇને મર્દાનગીનો આભાસી અનુભવ થઈ રહ્યો છે. ટોળે વળીને કોઈને ટપલી મારવી એ મર્દાનગી નથી, નીચતા છે એ તેમને સમજાતું નથી.

એ પછી પણ મોટા પ્રમાણમાં જાગૃત નાગરિકોનો એક વર્ગ છે, જે ઊહાપોહ કરી રહ્યો છે, પરંતુ મુખ્ય ધારાના મિડિયાને ખરીદી લેવામાં આવ્યા છે એટલે તેઓ મૂલ્યરક્ષણ માટે આંદોલિત નાગરિકોને કાન આપતા નથી. તેમની વાત લોકો સુધી પહોંચાડતા નથી. આમાં કોઈ જગ્યાએ રાજકીય સમાનતા નજરે પડે છે અને વળી જ્યારે કોંગ્રેસનું એકચક્રી શાસન હતું ત્યારે પણ રાજકીય સમાનતા તેના સંપૂર્ણ સ્વરૂપમાં હતી ખરી? છીંડાં કોંગ્રેસે પાડ્યાં હતાં જેનો લોકશાહીમાં નિષ્ઠા નહીં ધરાવનારા ફાસીવાદીઓ લાભ લે છે. તેઓ લોકતંત્રનું બાહ્ય કલેવર જાળવી રાખીને લોકતંત્રનો પ્રાણ હરી લેવા માંગે છે એ માટે સંસદીય રાજકીય અસમાનતા જરૂરી છે.

અને છેલ્લે એક વાત કહેવી રહી. બંધારણ બચાવવાથી દેશ બચવાનો નથી. આજકાલ અનેક લોકો બંધારણ બચાવો દેશ બચાવોની વાત કરે છે, જેમાં એક પ્રકારનું ભોળપણ છે. આજનાં શાસકોએ અક્ષરશ: બંધારણને ફગાવ્યા વિના વ્યવહારમાં લોકતંત્રને ફગાવી દીધું છે એ આનું પ્રમાણ છે. અક્ષર અને પ્રત્યક્ષ વ્યવહાર વચ્ચેનું અંતર ઘટવું જોઈએ, તે માટે વ્યવહાર પર નજર રાખવી જોઈએ અને જો અંતર વધતું નજરે પડે તો રસ્તા પર ઊતરવું જોઈએ.

            – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top