Columns

રાષ્ટ્રોની ભૌગોિલક પરિસ્થિતિ નક્કી કરશે 2023માં વૈશ્વિક અર્થતંત્રની દિશા અને દશા

2023નું વર્ષ ચાલુ થઇ ગયું છે અને મહાસત્તા ગણાતા USAમાં મંદીનું મોજું ફરી વળી એવા એંધાણ ચોક્કસ છે. છેલ્લા એક વર્ષથી અર્થશાસ્ત્રીઓ, રાજકારણીઓ અને ફાઇનાન્શિયલ વિશેષજ્ઞો આ મુદ્દે ચર્ચા કરી રહ્યા છે કે શું USA મંદીની દિશામાં આગળ વધે છે કે કેમ? જો અને તોની લાંબી ચર્ચાઓ અગત્યની છે કારણકે USAમાં જો મંદી આવે તો એની અસર કોઈને કોઈ રીતે વિશ્વભરના રાષ્ટ્રો પર પડે. વળી એક તરફ રશિયા-યુક્રેનના સંઘર્ષ છે તો બીજી તરફ ચીનની એની આગવી સમસ્યાઓ અને અભિગમ છે, ઇસ્લામિક દેશોમાં આર્થિક સમસ્યાઓ અને રાજકીય અસ્થિરતાના પ્રશ્નો છે.

આ ઉપરાંત ભાવ વધારો, વ્યાજના ઊંચા દર અને કોરોનાવાઇરસનો ઓછાયો પણ અર્થતંત્ર પર દબાણ વધારી રહ્યા છે. લેહમેન બ્રધર્સ વાળી મંદી વખતે જે રાજકીય સંજોગો હતા તેના કરતાં અત્યારના રાજકીય સંજોગો વધારે સંવેદનશીલ છે. અંગ્રેજીમાં એક શબ્દપ્રયોગ છે – ડોમિનો ઇફેક્ટ – એક પત્તું પડે એટલે પછી એની પાછળ એક પછી એક બીજા બધાંય પડતાં જાય પ્રકારની સ્થિત વર્ણવતો આ શબ્દ USAની મંદીને પણ લાગુ પડે છે કારણકે ત્યાં મંદી આવશે તો આખી દુનિયામાં ઘણી બધી ઉથલ-પાથલ થશે.

મંદી માટે અંગ્રેજીમાં રેસેશન શબ્દ છે. કોઇપણ દેશમાં મંદી છે એવું ત્યારે કહેવાય જ્યારે બે સળંગ ફાઇનાન્શિયલ ક્વાટરમાં ગ્રોસ ડૉમેસ્ટિક પ્રોડક્ટ – GDP નકારાત્કમ – એટલે નેગેટિવમાં હોય. ઇન્ટરનેશનલ મોનિટર ફંડ (IMF)ના વડાં ક્રિસ્ટાલિના જ્યોર્જિવાએ એવી ચેતવણી આપી હતી કે 2023નું વર્ષ US, EU અને ચીનમાં આર્થિક મંદીની અસર હશે અને 2023નુ વર્ષ તેમને માટે અઘરું હશે. વર્લ્ડ ઇકોનોમિક ફોરમના એક રિપોર્ટ અનુસાર વૈશ્વિક સ્તરે સંજોગો કંઇ બહુ ઉજળા નથી પણ છતાં પણ મુખ્ય પ્રવાહના અર્થશાસ્ત્રીઓનું માનવું છે કે મિડલ ઇસ્ટ, ઉત્તર આફ્રિકા અને સાઉથ એશિયામાં નોંધપાત્ર વિકાસ થશે તો US અને યુરોપમાં વિકાસને મામલે બહુ અપેક્ષા રાખવા જેવું નથી એમ માનવામાં આવે છે.

USAમાં કેવી આર્થિક કટોકટી થઇ રહી છે તેને જરા સમજવાનો પ્રયાસ કરીએ. માર્ચ મહિનામાં ધી સિલિકૉન વૅલી બૅંક (ACVB) પડી ભાંગી અને સાથે સિગ્નેચર બૅંક અને ક્રેડિટ સુઇસના પણ માઠા દિવસો બેઠા. SVB એ USની સોળમા નંબરની સૌથી મોટી બેન્ક છે અને રેઢિયાળ આર્થિક વ્યવસ્થાને કારણે તેનું પતન થયું, વળી સિગ્નેચર બૅંકના પણ એવા હાલ થયા તેની સાથે ક્રેડિટ સુઇસના શૅરના ભાવ તળિયા જઇને બેઠા – આ સંજોગોને કારણે વૈશ્વિક સ્તરે લોકોની સંપત્તિની સલામતી અંગે ચિંતા સેવાઇ રહી છે. બૅંકિગ કટોકટીએ રોકાણકારોના આત્મવિશ્વાસ હચમચાવી દીધો છે.

આ બૅંક્સની નિષ્ફળતાનો વૈશ્વિક પ્રભાવ પડી રહ્યો છે. ભારતને કેન્દ્રમાં રાખીએ તો આ કટોકટીને કારણે માર્ચમાં નેશનલ સ્ટૉક એક્સચેન્જના માર્કેટ કેપિટલાઇઝેશનમાં ઘટાડો જોવા મળ્યો. વળી બૅંકિંગ સૂચકાંક પર વેચાણનું દબાણ હોવાથી રૂપિયાનું મૂલ્ય ગગડે અને RBI પોતાની નાણાકીય નીતિ વધુ કડક કરે એવી શક્યતા છે. બેન્કોના પતનની કદાચ ભારતીય અર્થતંત્ર પર બહુ ઘેરી અસર ન પડે પણ વૈશ્વિક સ્તરે નાણાનો પ્રવાહ ઘટશે અને ભારતીય અર્થતંત્ર પર તેની નકારાત્મક અસર થવાની પુરી શક્યતા છે.

યુરોપમાં યુદ્ધને કારણે અર્થતંત્ર પર વધુને વધુ ઘેરો પ્રભાવ પડશે અને ત્યાં વ્યાજના દરો વધુને વધુ ઉંચા થતા જશે. આ તરફ મિડલ ઇસ્ટ અને ઉત્તર આફ્રિકાનો આર્થિક દેખાવ બહેતર થઇ રહ્યો છે. આ મામલે ભારત લાભ ખાટે છે કારણકે ચીન સાથે વ્યાપારિક વહેવારથી દૂર રહેનારા દેશો ભારત ભણી વળી રહ્યા છે. આ રીતે ચીનથી ફંટનારા રાષ્ટ્રો છે તો વિકાસ પણ મંદ છે અને ફુગાવો આસમાને છે – આવી હાલતમાં નીતિ ઘડનારાઓ પણ મુંઝવણમાં છે. આર્થિક વિકાસ ભલે જે ગતિએ થતો હોય પણ તેને ડામ્યા વિના મોંઘવારી પર કાબુ મેળવી શકાય એવી રીતે નાણાકીય નીતિનું ઘડતર જરૂરી છે.

જીવન ખર્ચ એટલે કે કોસ્ટ ઑફ લીવિંગની કટોકટી ધાર્યા કરતાં વધુ મોટી છે અને તેની અસર બહુ મોટા વર્ગ પર થશે. ખાદ્ય ચીજોના ખર્ચાન લઇને ઓછી આવક ધરાવતા દેશો અને વધુ આવક ધરાવતા દેશો પર થનારી અસરમાં પણ નોંધપાત્ર તપાત રહેશે. ઓછી આવક ધરાવતા દેશો પર ખાદ્યપદાર્થોની વધતી કિંમતોની અસર અનિયમિત અને અપ્રમાણસર રહેશે જેને કારણે ફૂડ ઇન્સ્ક્યોરિટી વેઠનારા લોકોનો આંકડો પણ મોટો રહેશે. વળી અર્થતંત્ર બેઠું કરવા ઉધારી કરવા અંગે પણ રાષ્ટ્રો બે વાર વિચારશે કારણકે તેની કિંમતો પણ ઊંચી છે. કોરોનાવાઇરસને કારણે જે પછડાટ વૈશ્વિક સ્તરે અર્થતંત્રએ ખાધી તેના પડઘા હજી પણ અમુક રાષ્ટ્રના અર્થતંત્રોએ વેઠવા પડે છે. વૈશ્વિક સ્તરે માંગ ઘટવાને કારણે બિઝનેસિઝ પણ ઘોંચમાં છે. વળી ક્લીન એનર્જીને મામલે પણ રાષ્ટ્રો વચ્ચે ટ્રેડ વૉર્સ ચાલે છે. વિશ્વની સૌથી મોટી અને સૌથી મોટી અર્થવ્યવસ્થાની યાદીમાં ત્રીજા ક્રમાંકે આવતી અર્થવ્યવસ્થા મુશ્કેલીમાં છે. દેવાનું દબાણ જાપાન અને USA પર મોટું છે.

એશિયાઇ અર્થતંત્રમાંથી નિકાસ ધીમી પડી હોવાને કારણે પણ વૈશ્વિક અર્થતંત્રની મંદીની શક્યતાઓ વધુ ઘેરી થાય છે. જાપાનના નિકાસની વૃદ્ધિ ધીમી પડી કારણકે એન્સીલરિઝી, ચિપ મેકિંગ મશિનરીનું ચીન તરફી શિપમેન્ટ ઘટ્યું. દક્ષિણ કોરિયાની અર્થવ્યવસ્થા 2022ના ચોથા ક્વાર્ટરમાં સંકોચાઇ. દક્ષિણ એશિયામાં સૌથી નબળું અર્થતંત્ર પાકિસ્તાનનું છે અને એ મામલો તો એવો છે કે વાત શરૂ થશે તો તેનો અંત આવતા લાંબો સમય લાગશે. જે રીતે ભૌગોલિક રાજકાણના તાણાવાણા અટવાયેલા છે તે જોતાં ઇકોનોમિક આઉટલૂક ફોર 2023ના રિપોર્ટને ગંભીરતાથી લેવો પડે જે અનુસાર વિશ્વમાં તમે ક્યાં છો તેના આધારે તમે મંદીનો માર ઓછો કે વધારે અનુભવશો.

Most Popular

To Top