Comments

યુવાનો બદલાશે તો જ દેશ અને રાજકારણ બદલાશે

સ્વતંત્ર ભારતના અમૃતપર્વે ગામડામાં અને શહેરોમાં રહેતા યુવકોની સામાજિક, આર્થિક સ્થિતિ, તેઓમાં ગુણાત્મક અને સંખ્યાત્મા સ્વરૂપમાં સમૃહ સંચાર માધ્યમો સાથેના સંપર્કનું પ્રમાણ તથા સામાજિક, ધાર્મિક, આર્થિક, રાજકીય અને રાષ્ટ્રિય ક્ષેત્રે યુવકોમાં આધુનિકીકરણનો કેટલો પ્રભાવ છે અને તેની સાથે ગ્રામ અને શહેરી યુવકોની સામાજિક, આર્થિક સ્થિતિને કાઈ સંબંધ છે ખરો ? અને હોય તો કેવા સ્વરૂપનો છે ? આ બાબતે ગુજરાતના જનજીવનના સંદર્ભમાં યુવકોનાં વલણો તપાસતાં આ લેખના લેખકને રસપ્રદ વિગતો સમજવા મળી છે.

ધાર્મિકક્ષેત્રે આધુનિકીકરણ : ગ્રામ અને શહેરી યુવડોમાં ધાર્મિક ક્ષેત્રે આધુનિકીકરણનો પ્રભાવ જોતાં ૫૦ ટકા ગ્રામયુવકો અને ૧૬ ટકા શહેરી યુવકો ધર્મને સામાજિક વ્યવસ્થારૂપે જુએ છે. ચમત્કારો આજે પણ ઈશ્વરની સાક્ષી પૂરે છે, તેવો રૂઢિવાદી પ્રતિભાવ ૨૮ ટકા યુવકો આપે છે. ૨૭ ટકા ૩૫ ગ્રામયુવકો અને ૩૫ ટકા શહેરી યુવકો નસીબમાં શ્રદ્ધા રાખે છે. જયારે ૮ ટકા શહેરી યુવકો જીવનના ચણતર અને ઘડતર માટે પરિશ્રમ, એકાગ્રતા અને બૌદ્ધિકતાને અગત્યતા આપે છે. વ્યક્તિ વિકાસની પ્રક્રિયામાં પાયાના ધાર્મિક આચરણની આવશ્યકતાને ૪૬ ટકા યુવકોએ સ્વીકારી છે.

૪૪ ટકા યુવકો રોજબરોજના જીવનમાં ધર્મની આજ્ઞાને અનુસરવા જણાવે છે. રાષ્ટ્રના વિકાસની પ્રક્રિયાના ભાગરૂપે સામાજિક વ્યવસ્થાઓમાં પણ ચડાવ-ઉતાર સહજ હોય છે તેવો ઘડાયેલો પ્રતિભાવ ૪ ટકા યુવકોએ આપ્યો છે. બાકીના બધા જ યુવકોએ રાષ્ટ્રીય પ્રશ્નોની પશ્ચાદભૂમિકામાં ધર્મના ખંડનથી થતા પાપને કારણભૂત જાણે છે. ૨૫ ટકા ગ્રામયુવકો અને ૮ ટકા શહેરી યુવકોએ કોમવાદી સંઘર્ષ માટે ધાર્મિક સંકુચિતતાને જવાબદાર ગણી છે. સર્વધર્મસમભાવ સ્વીકારતા યુવકો ૩ ટકા છે. જયારે ધર્મને પોતાનો અબાધિત અધિકાર અને પવિત્ર સંપત્તિ તરીકે જણાવણા રૂઢિવાદી યુવકોનું પ્રમાણ ગ્રામ એકમમાં ૬૧ ટકા છે. જયારે શહેરી ક્ષેત્રમાં આ પ્રમાણ ૫૮ ટકા જણાયું છે.

આર્થિકક્ષેત્રે આધુનિકીકરણ : યુવકો આર્થિક પ્રવૃત્તિને વ્યક્તિગત પ્રતિષ્ઠા સાથે સાંકળે છે, માત્ર ૧૧ ટકા શહેરી યુવકો આર્થિક પ્રવૃત્તિને વ્યક્તિવિકાસની તક સાથે સાંકળે છે. કુટુંબના વારસાગત વ્યવસાયને અપનાવી લેવા કરતાં અલગ વ્યવસાય પસંદગી કરવાથી વધુ આર્થિક લાભ મળે છે તેવું માનતા યુવકો ૨ ટકા છે. ૧૪ ટકા યુવકો માને છે કે, જે સ્ત્રીઓની નિમ્ન અને નબળી શારીરિક ક્ષમતા હોય તેઓ માટે ઘરકામ જ ઉચિત છે. આર્થિક લાભના એકાંગી વલણને દૂર કરી સમાન વિકાસની હિમાયત કરતા યુવકોની સંખ્યા ૨૩ ટકા છે.

જ્યારે મૂડીવાદી આર્થિક સ્થિતિને વ્યક્તિના સાર્વત્રિક કૌશલ્યનું પરિણામ ગણતા યુવકોનું પ્રમાણ શહેરમાં ૮ ટકા છે. એકંદરે ૬ ટકા યુવકો પુણ્યદાનથી આર્થિક લાભ વધે છે તેવો મત ધરાવે છે. ખેતીક્ષેત્રે આર્થિક આયોજનનો અભિગમ ૭ ટકા યુવકો સ્વીકારે છે પરંતુ ૧૭ ટકા ગ્રામયુવકો અને ૧૫ ટકા શહેરી યુવકો ખેતીવ્યવસાયને આકાશી કૃપા આધારિત રોજગાર ગણે છે. યાંત્રિકીકરણથી આર્થિક વિકાસ શકય નથી તેવું માનતા યુવકોની સંખ્યા ૨૩ ટકાથી પણ વધુ છે.

રાજકીયક્ષેત્રે આધુનિકીકરણ : ૫૦ ટકા ગ્રામયુવકો અને ૧૩ ટકા શહેરી યુવકો આજે પણ માને છે કે શાસનપ્રણાલીમાં નિર્ણયો, શક્તિ અને જૂથનાં હિતોને અનુલક્ષીને લેવા જોઈએ. રાજકીયક્ષેત્રે મહિલા શાસકોની સંકલ્પનાને નિર્બળતા ગણતા ૩૫ ટકા ગ્રામયુવકો અને ૧૧ ટકા શહેરી યુવકો છે. જ્યારે ૪ ટકા યુવા જૂથોએ મહિલા નેતૃત્વને માનવીય શક્તિના ઉત્કૃષ્ટ વિસ્તાર તરીકે સ્વીકાર્યું છે. શાસન અને ચારિત્ર્યના અનુબંધને અનિવાર્ય માનતા ગ્રામયુવકો ૨૮ ટકા છે. જ્યારે ૨ ટકા શહેરી યુવકો શાસકની સફળતાને બૌદ્ધિક ક્ષમતા અને વ્યવસ્થાશક્તિની ગુણવત્તા સાથે જોડે છે. ચૂંટણીમાં મતદાન સમયે ઉમેદવારની જ્ઞાતિ લક્ષમાં લેવી જોઈએ ? તે વિચાર સામે ૩૨ ટકા યુવકોએ રૂઢિવાદી પ્રતિભાવ આપ્યા છે. મતદાનની પદ્ધતિ દ્વારા વૈયક્તિક લાયકાતને લોકશાહી ઢબે ચૂંટી કાઢવા ૯ ટકા યુવકો આશાવાદી છે.

લોકશાહી પ્રક્રિયામાં રાજકીય ગુંડાગીરીના વ્યાપને અડચણરૂપ માનતા અને મતદાર તરીકે નાગરિકોના મતને અર્થહીન જાણતા ગ્રામ અને શહેરી યુવકોનું પ્રમાણ ૫૩ ટકા જાણવા મળ્યું છે. લોકશાહી પ્રક્રિયામાં ગરીબો માટે ન્યાય નથી તેવો સ્પષ્ટ અભિપ્રાય ૬૩ ટકા ગ્રામયુવકોનો છે. ૩૦ ટકા શહેરી યુવકો ઉંમર લાયક વ્યક્તિને રાજકીય સંચાલન માટે યોગ્ય માને છે. જ્યારે રાજકીય આધુનિકીકરણ માટે વિપક્ષોના અસ્તિત્વને અનિવાર્ય ગણતા યુવકો પ ટકા છે. પ્રજાસત્તાક રાષ્ટ્રની પશ્ચાદભૂમિકા માટે વ્યક્તિસ્વાતંત્ર્યની હિમાયત કરતા યુવકોનું પ્રમાણ ૭ ટકા છે. આજની અસહ્ય મોંઘવારીની સ્થિતિના ઉપાય તરીકે દેશમાં સરમુખત્યારશાહી જરૂરી છે તેવો અભિપ્રાય ૩૨ ટકા યુવકો ધરાવે છે. 

રાષ્ટ્રિયક્ષેત્રે આધુનિકીકરણ : ગ્રામ અને શહેરમાં ૧૩ ટકા યુવકો રાષ્ટ્રના વિકાસ માટે રાષ્ટ્રભક્તિને પ્રાધાન્ય આપે છે, જ્યારે ૧૦ ટકા યુવકો રાષ્ટ્રને સીમાડાઓ વચ્ચેના સ્થળ, પ્રદેશ તરીકે ન જોતાં વૈશ્વિક માનવીય સહઅસ્તિત્વના સ્થળ તરીકેના આધુનિક ખ્યાલને મહત્ત્વ આપે છે. રાષ્ટ્રના સમૃદ્ધ વિકાસ માટે રાષ્ટ્રિયકરણ જેવી કેન્દ્રીય વ્યવસ્થાની ભલામણ કરતા ૩૧ ટકા યુવકો છે. કોમવાદ અને પ્રાંતવાદને અનિવાર્ય અનિષ્ટ તરીકે સ્વીકારતા યુવકોનું પ્રમાણ ૧૨ ટકા છે. કાયદો અને વ્યવસ્થાના શાસનને અનિવાર્ય ગણતા યુવકો ગ્રામક્ષેત્રે ૪૦ ટકા અને શહેરી ક્ષેત્રે ૬ ટકા છે. એક રાષ્ટ્રમાં અનેકવિધ સંસ્કૃતિનો સ્વીકાર માત્ર ૧ ટકા યુવકોએ કર્યો છે, જ્યારે ૪૦ ટકા શહેરી યુવકો વિકાસની તરાહને અનુરૂપ સામૂહિક પરિવર્તન જરૂરી માને છે. આમ ૬૨ ટકા યુવકો બિનસાંપ્રદાયિકતાના ખ્યાલ અંગે રૂઢિગત છે, માત્ર ૧ ટકા ગ્રામ અને ૯ ટકા શહેરી યુવકો ન્યાય અને લોકશાહી વ્યવસ્થા સંબંધે મહત્તમ રીતે આધુનિક મત ધરાવે છે.

આઝાદીનાં અમૃત કાળે શહેરી યુવકોમાં આધુનિકીકરણનો પ્રભાવ તથા સંચાર માધ્યમોની ભૂમિકા” અંગેના આ અભ્યાસમાં યુવકોની સામાજિક પશ્ચાદ્ભૂમિકા, યુવકોમાં સંચાર માધ્યમના ગુણાત્મક સ્વરૂપની વિગતો તથા યુવકોમાં આધુનિકીકરણના પ્રભાવ અંગેની માહિતી સહસંબંધોમાં તપાસતાં સંશોધક તરીકે આ લેખકને જણાય છે કે નીચો સામાજિક આર્થિક દરજ્જો ધરાવતા ૫૩ ટકા યુવકોમાં આધુનિકીકરણનો પ્રભાવ ૨૮ ટકા છે, જ્યારે ઉચ્ચ દરજ્જો ધરાવતા ૨૦ ટકા યુવકોમાં આધુનિકીકરણનો પ્રભાવ પણ ૯૬ ટકા છે. આ હકીકતો ફિલત કરે છે કે યુવકોનો સામાજિક, આર્થિક દરજ્જો જેમ ઊંચો તેમ તેઓમાં આધુનિકીકરણ નાં સ્વીકારનું સ્તર પણ ઊંચું હોય છે.

ગ્રામ અને શહેર ક્ષેત્રમાં નિમ્ન સંચાર માધ્યમ સંપર્ક ધરાવતા યુવકોમાં આધુનિકીકરણના પ્રભાવનું સ્તર ૯ ટકા છે, જ્યારે મધ્યમ કક્ષાનો સંપર્ક ધરાવતા ૨૩ ટકા યુવકોમાં આધુનિકીકરણનો પ્રભાવ ૭૭ ટકા છે. સંશોધનના ઉચ્ચ સંપર્ક ધરાવતા ૨૮ ટકા યુવકોમાં આધુનિકીકરણનો પ્રભાવ ૫૦ ટકા છે. અહીં સ્પષ્ટ થાય છે કે યુવકોમાં સંચાર માધ્યમોનું સંપર્ક પ્રમાણ વધુ તેમ બદલાવનાં સ્વીકારની માનસિકતા ઊંચી રહે છે.

રાષ્ટ્રિય કક્ષાએ આધુનિકીકરણનું પરકોલેશન થાય છે ત્યારે તેનો પ્રતિભાવ શહેરો અને ગામડાં ઉપર અલગ થતો જોવા મળે છે. કેમ કે બન્ને વિસ્તારોના સમુદાયની સામાજિક પાશ્ચાદભૂમિકાઓ પણ વિભિન્ન હોય છે. તેમ સમૂહ સંચાર માધ્યમો સાથેનો સંપર્ક પણ બન્ને વિસ્તારોમાં અલગ અલગ હોય છે. ૨૦૦૦ થી વધુ યુવકો સાથેના પ્રશ્નોત્તરી સંવાદના સામાજિક સંશોધન આધારે જણાવી શકાય કે અમૃતવર્ષમાં આધુનિક બની રહેલા ભારતના પર્યાવરણમાં ગ્રામીણ અને શહેરી યુવકોમાં નિશ્ચિત રીતે બદલાવ આવી રહ્યો છે તે હવે નિર્વિવાદ છે.
ડો.નાનક ભટ્ટ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top