Editorial

ભારતના ટુકડા કરવાનું વિચારનાર દરેકની હાલત અમૃતપાલ જેવી થવી જોઇએ

અમૃતપાલ સિંહ ‘વારિસ પંજાબ દે’નો વડો છે. વારિસ પંજાબ દે નો ગુજરાતીમાં અર્થ થાય છે પંજાબનો વારસદાર.  આ સંસ્થાની સ્થાપના પંજાબી અભિનેતા દીપ સિદ્ધુએ 2001માં કરી હતી. અમૃતપાલ સિંહનો જન્મ 1993માં પંજાબના અમૃતસરના ખેડા ગામમાં થયો હતો. અભિનેતા દીપ સિદ્ધુનું એક કાર અકસ્માતમાં મૃત્યુ થયું ત્યારબાદ અમૃતપાલ સિંહ આ સંસ્થાના સર્વેસર્વા બન્યો હતો. અમૃતપાલ સિંહ ઘણીવાર અલગ-અલગ મંચ પરથી પોતાને શીખ સમુદાયના નેતા ગણાવતો આવ્યો છે. અમૃતપાલ સિંહે એઆરઆઈ કિરણદીપ કૌર સાથે લગ્ન કર્યા છે. ઉલ્લેખનીય છે કે, અભિનેતા દીપ સિંધુનું નામ ખેડૂત આંદોલન દરમિયાન ચર્ચામાં આવ્યું હતું જ્યારે તેના પર હિંસક પ્રદર્શનનો આરોપ લાગ્યો હતો.

અમૃતપાલ સિંહ હંમેશા પોતાના નિવેદનોને લઈને ચર્ચામાં રહે છે. વારિસ પંજાબ દેના સમર્થકોએ ભૂતકાળમાં તેના સમર્થકની ધરપકડ પર જે હિંસક વિરોધ કર્યો હતો તે કોઈનાથી છુપાયેલો નથી. તેમના સમર્થકોએ તલવારો અને લાકડીઓ સાથે પોલીસ સ્ટેશનને ઘેરી લીધું હતું. અમૃતપાલ સિંહ યુવાનોને પોતાની સાથે જોડવા માટે વિવિધ નિવેદનો આપી રહ્યો છે. તેણે વચન આપ્યું હતું કે, તે પંજાબના યુવાનોને ડ્રગ્સથી મુક્તિ અપાવશે. અમૃતપાલ સિંહ ખાલિસ્તાની સમર્થક જરનૈલ સિંહ ભિંડરાવાલેને પોતાના ગુરુ ગણાવે છે. જરનૈલ સિંહ ભિંડરાવાલે ઓપરેશન બ્લુ સ્ટાર દરમિયાન માર્યો ગયો હતો.

હવે ભિંડરાવાલેની વાત કરીએ તો 40વર્ષ પહેલા પંજાબને ભારતથી અલગ કરી ખાલિસ્તાન રાષ્ટ્ર બનાવવાની માંગ જોર પકડવા લાગી હતી. તો કેટલાક અલગતાવાદી સંગઠનોના સભ્ય પ્રદેશમાં અવારનવાર માર-કાપ પર ઉતરી આવતા હતા. પંજાબમાં અલગતાવાદીઓનું નેતૃત્વ જરનૈલસિંહ ભિંડરાંવાલે કરી રહ્યા હતા. તેની વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે શીખોના ધાર્મિક સ્થળ હરમિંદર સાહિબ (સુવર્ણ મંદિર)માં દાખલ થવું પડ્યું અને આખરે ઓપરેશન બ્લુ સ્ટારની કાર્યવાહીમાં ભિંડરાંવાલે માર્યા ગયા. અલગ ખાલિસ્તાનની માંગ સથેનું આ આંદોલન 80ના દાયકા સુધી પહોચતા પહોચતા તે સશસ્ત્ર આંદોલનમાં પરિવર્તિત થઈ ગયુ. જેના કારણે તેને ખાલિસ્તાન આંદોલન નામ આપી દેવાયુ.

આંદોલનના સમર્થક અલગ શીખ રાષ્ટ્રની માંગ કરવા લાગ્યા. ભિંડરાંવાલેએ સુવર્ણમંદિર પરિસરમાં બનેલા અકાલ તખ્તને પોતાનું હેડક્વાર્ટર બનાવ્યુ હતુ. વર્ષ 1983થી તે હથિયારબંધ સાથીઓની સાથે અહીં રહેવા લાગ્યા. સેનાએ ભિંડરાંવાલે અને તેના સમર્થકોથી સુવર્ણમંદિરને આઝાદ કરાવવા માટે ઓપરેશન બ્લુ સ્ટાર શરૂ કર્યુ હતુ. ઓપરેશન બ્લુ સ્ટારમાં 492 નાગરિકોએ જીવ ગુમાવ્યા હતા. તેમાં સેનાના 4 ઓફિસર સહિત 83 જવાનો શહીદ થયા હતા. હવે વારિસ દે પંજાબના નામથી અમૃતપાલ સિંહ ફરીથી બબ્બર ખાલસા જેવું સંગઠન ઊભું કરે તેવી શક્યતા નકારી શકાય તેમ ન હતી માટે સરકારે તેને ખૂબ જ ગંભીરતાથી લીધો હતો.

જેના કારણે શનિવારે પંજાબમાં ખાલિસ્તાન તરફી કટ્ટરવાદી ધર્મોપદેશક અમૃતપાલ સિંહ તથા તેના ટેકદારો પર આજે મોટા પાયે પોલીસ ત્રાટકી હતી અને ડઝનબંધ લોકોની ધરપકડ કરી હતી તથા અન્ય સંખ્યાબંધ લોકોને પૂછપરછ માટે અટકાયતમાં લીધા હતા, જો કે અમૃતપાલ સિંહ પોતે ફરાર થઇ ગયો છે.  સમગ્ર પંજાબ રાજ્યમાં અમૃત પાલ સિંહના સંગઠન ‘વારિસ પંજાબ દે’ સાથે સંકળાયેલા લોકો સામે ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું અને રાત સુધીમાં 78ની ધરપકડ કરવામાં આવી હતી અને અન્ય ઘણા લોકોને પૂછપરછ માટે અટકાયતમાં લેવામાં આવ્યા હતા.

આજે આ ઓપરેશન શરૂ થતા પહેલા સમગ્ર રાજ્યમાં ઇન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી હતી. બપોરે મીડિયામાં એવા અહેવાલો વહેતા થયા હતા કે અમૃતપાલ સિંઘની ધરપકડ થઇ છે પરંતુ સાંજે પોલીસે ખુલાસો કર્યો હતો કે અમૃતપાલની ધરપકડ થઇ નથી અને તેની શોધખોળ ચાલુ છે. પોલીસે જણાવ્યું હતું કે અમૃતપાલ લગભગ પકડાઇ જવાની અણી પર જ હતો અને પોલીસને ચકમો આપીને ભાગી છૂટ્યો હતો.

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન આ મહિનાની શરૂઆતમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહને મળ્યા હતા અને ત્યારે જ આ ઓપરેશન કરવાનું નક્કી થઇ ગયું હોવાનું કહેવાય છે. જો કે, સરકાર આ બાબતને ગંભીરતાથી લે તે ખૂબ જરૂરી હતું. અમૃતપાલ સિંહ દિવસે અને દિવસે તેના મૂળિયા ઊંડા કરી રહ્યો હતો અને દેશના હિત માટે તે ખૂબ જ જરૂરી હતું કે, તે છોડમાંથી વટવૃક્ષ બને તે પહેલા જ તેને મૂળ સાથે ઉખાડી નાંખવો જોઇએ. ગમે ત્યારે ને ગમે ત્યારે તો તેની સામે કાર્યવાહી કરવાની જ હતી તો પછી તેને ઉગતો જ ડામી દેવામાં આવે તે સરકારનો નિર્ણય ખૂબ જ મહત્વનનો સાબિત થયો છે. કશ્મીરથી કન્યાકુમારી સુધી આપણો દેશ એક છે અને રહેશે. જો દેશના ટુકડા કરવાનું સપના જોનારાના આવા જ હાલ થાય તે ખૂબ જરૂરી છે.

Most Popular

To Top