Business

રમઝાનના બજારોનો ધમધમાટ આખી રાત હિંદુઓ પણ શા માટે રહે ચટાકાથી બાકાત?

હાલમાં મુસ્લિમોના પવિત્ર માસ રમઝાનની ઉજવણી ચાલી રહી છે ત્યારે દરેક ધર્મના તહેવારનો આનંદ માણતા કેટલાંક સુરતીઓ રમઝાન માસમાં શહેરમાં ભરાતા ખાણી પીણી બજારની અચૂક મુલાકાત લેતા હોય છે અને ખાસ રમઝાન દરમિયાન જ મળતી કેટલીક નોનવેજ વાનગીઓ આરોગવાની મજા માણે છે. રમઝાન માસમાં શહેરના રાંદેર, ઝાંપા બજાર અને ચોકબજારમાં રાત્રિ દરમિયાન ખાણીપીણીનું સુંદર બજાર જામે છે જેમાં કેટલાંક હિન્દુ સ્વાદ રસિયાઓ પણ મિત્રો સાથે કે ફેમિલી સાથે પહોંચી જાય છે. આ બજારમાં રંગુની પરાઠા તો સૌના ફેવરિટ છે જ પણ સાથે સાથે કુલ્ફી અને આઈસક્રીમનું નામ મોખરે બોલાય છે. આ માર્કેટની ખાસિયત શું છે? કેમ હિન્દુઓ પણ રમઝાનમાં તેની મુલાકાત લે છે? તેનું કારણ જાણીએ તેમની જ પાસેથી

રમઝાન સિવાય અમુક વાનગીઓ મળતી જ નથી: આશિષ મોદી
શહેરના ભટાર વિસ્તારમાં રહેતાં આશિષભાઇ મોદી જણાવે છે કે, ‘હું રમઝાન માસમાં ચોક બજારમાં ભરાતા ખાણીપીણી બજારની મુલાકાત અવશ્ય લઉં છુ. આમ તો અમારા ઘરમાં વારંવાર નોનવેજ વાનગીઓ બનતી જ હોય છે પણ રમઝાન દરમિયાન મળતા સ્પેશ્યલ પરોઠા ઉપરાંત ગ્રીન ચિકન અને વ્હાઇટ ચિકન તથા કુલ્ફી ખાવા માટે અમે આખું વર્ષ રાહ જોતા હોઈએ છીએ કારણ કે આ બધી વસ્તુઓ ફકત રમઝાન માસમાં ખાણીપીણી બજારમાં જ ઉપલબ્ધ હોય છે જેથી છેલ્લાં 17 વર્ષથી અમે નિયમિત આ બજારની મુલાકાત લઈએ છીએ.’

આખી રાત ઉત્સવ જેવો માહોલ સર્જાય છે: વિનોદ દાફડા
રાંદેરમાં જ રહેતા વિનોદભાઇ દાફડા કહે છે કે, ‘રમઝાન માસ શરૂ થાય એટલે રાત્રિ બજારના કારણે આખો માસ અહીં રંગીન નજારો જોવા મળે છે શહેરના દરેક ખૂણામાં વસતા અલગ અલગ જાતિ અને ધર્મના લોકો રાત્રિ બજારની મુલાકાત લેવા આવે છે જેને કારણે આખી રાત ઉત્સવ જેવો માહોલ સર્જાય છે. હું રાંદેરમાં જ રહેતો હોવાથી અમે ફેમિલી અને મિત્રો સાથે અવાર નવાર રમઝાનના રાત્રિ બજારની મુલાકાત લઈએ છીએ. જો કે અહીં આવતા મોટાભાગના લોકો ખાસ કરીને પરાઠા અને કુલ્ફી તો ખાય જ છે. સાથે સાથે અહીં રાન, ખાવસા તથા મચ્છી મસાલા ફેમસ છે. મચ્છી મસાલાની ખાસિયત એ છે કે એ ચિકનમાંથી બનાવવામાં આવે છે પણ નામ મચ્છી મસાલા છે. કોરોના દરમિયાન 2 વર્ષ સુધી આ માર્કેટ બંધ રહ્યું હોવાના કારણે આ વર્ષે લોકોની સારી એવી ભીડ જોવા મળી રહી છે.’

અનોખી એકતાના થાય છે દર્શન: રાકેશભાઈ મહેતા
છેલ્લાં 30 વર્ષોથી રમઝાન માસમાં રાંદેરના ખાણીપીણી બજારની મુલાકાત લેતા રાકેશભાઈ મહેતા જણાવે છે કે, હું સિટી લાઇટ વિસ્તારમાં રહું છુ અને હવે તો સુરતમાં ઘણી જગ્યાએ નોનવેજ વસ્તુઓ મળતી થઈ છે પણ રમઝાનના રાત્રિ બજારમાં મળતી વાનગીઓની તોલે કોઈ નહીં આવે. અમે બધા ફ્રેંડ્સ અને ફેમિલી ભેગા થઈને રાંદેર વિસ્તારના જાણીતા રમઝાન બજારમાં ખાસ રંગુની પરાઠા અને કુલ્ફી ઝાપટવા માટે પહોંચી જઈએ છીએ. આખી રાત ચાલતાં આ બજારમાં અલગ અલગ ધર્મના લોકો આવતા હોવાથી અનોખી એકતાના પણ દ્રશ્યો જોવા મળે છે.

વેજીટેરિયન્સ પણ રમઝાન બજારની લે છે મુલાકાત: અનિલ કાપડિયા
અડાજણ વિસ્તારમાં રહેતા બિઝનેસમેન અનિલ કાપડિયા જણાવે છે કે, ‘ હું સમજણો થયો ત્યારથી રમઝાન બજારની મુલાકાત લઉં છુ, આ બજારની રોનક જ અલગ હોય છે. સાંજે રોજા ખૂલ્યા બાદ આ બજારની ઝાક્મઝોળ શરૂ થઈ જાય છે. શહેરના દરેક ખૂણામાંથી સ્વાદ રસિયાઓ રાંદેર, ચોક કે ઝાંપા બજારમાં પહોંચી જાય છે. એવું નથી કે ફક્ત નોનવેજ ખાનારા જ આ બજારમાં આવે છે, પણ જેઓ નોનવેજ નથી ખાતા તેઓ પણ આ બજારમાં મળતા વેજ પરોઠા અને ખાસ કરીને અલગ અલગ ફ્લેવરમાં મળતી કુલ્ફી ખાવા માટે આવે છે. આ બજાર ફક્ત ખાવા પીવાની વસ્તુઓ પૂરતું સીમિત ન રહેતા તેમાં કપડાં, રમકડાં તથા જીવન જરૂરિયાતની વસ્તુઓ પણ મળી રહે છે. વહેલી સવાર સુધી ચાલુ રહેતા આ બજારમાં નોનવેજ ચાહકોમાં સિલ્વર ચિકન અને કિમાના પરાઠાની ખાસ ડિમાન્ડ રહે છે.

Most Popular

To Top