Comments

છોકરો હવે અમારો રહ્યો નથી, બૈરી અને સાસરિયાનું માનવા લાગ્યો છે

દીકરો જલદી લગ્ન કરી લે તો સારું.  હાશ, આપણી જવાબદારી પૂરી. બહુ વર્ષો સંસારના ઢસરડા કર્યા. બસ, હવે તો આપણી જિંદગી જીવવી છે. આવું પચાસી વટાવી ગયેલું દંપતી સરેરાશ માને છે.ઘણી વખત ઈશ્વર કેટલીક પ્રાર્થનાઓ જલદી સાંભળી લે છે અને દીકરો  પોતાની પસંદગીની છોકરી સાથે લગ્ન કરી પોતાના નવા જીવનની શરૂઆત કરે છે. આપણે પહેલી વાત કરીશું સંસાર જીવવા માટે હોય છે અને આપણે ખૂબ સારી રીતે આપણી હેસિયત પ્રમાણે જીવ્યા છીએ અને જયારે આપણે સંસાર જીવ્યા ત્યારે કયારેય તે ઢસરડો લાગ્યો ન્હોતો.

પરંતુ દીકરાનું લગ્ન લેવાનું હોય અથવા લગ્ન થઈ જાય પછી અચાનક બ્રહ્મજ્ઞાન થાય છે કે આપણે ખૂબ ઢસરડો કર્યો, હું નોકરીએ લાગ્યો ત્યાં સુધી મારા મોટા ભાગની સફરની સાથી મારી સાઈકલ અને એએમટીએસની બસ રહી છે, જયારે મારાં સંતાનોએ હજી બારમું ધોરણ પાસ કર્યું ત્યારે તેમની પાસે સ્કુટર આવી ગયું હતું. મેં સાઈકલ ચલાવી ત્યારે મને ઢસરડો લાગ્યો ન્હોતો અને મારાં સંતાનોને જયારે પહેલું વાહન અપાવ્યું ત્યારે મને તકલીફ પડી ન્હોતી. જે મને આજે તકલીફ અથવા ઢસરડો લાગે છે ત્યારે તો મને તેનો આનંદ મળતો હતો.

આપણે અચાનક આપણી જિંદગીની વ્યાખ્યા બદલી નાખીએ છીએ. મારા પિતાનું સ્કૂલનું શિક્ષણ અમરેલીમાં થયું, અમરેલીમાં કોલેજ ન્હોતી, એટલે અભ્યાસ માટે વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો અને અમદાવાદમાં સરકારી નોકરી મળી એટલે તેમણે જિંદગી અમદાવાદમાં પસાર કરી અને જીવનના છેલ્લા દિવસ સુધી તેઓ એએમટીએસ બસમાં ફર્યા. હું વિચાર કરું છું, તેમણે અમને સાઈકલ મળે, તેમણે અમને સારું શિક્ષણ મળે, તેમણે અમને સારી જિંદગી મળે તે માટે જ પોતાની સગવડોમાં કાપ મૂકયો હતો, પરંતુ જયારે જયારે તેમણે પોતાની સગવડમાં કાપ મૂકયો ત્યારે તેમાં પડેલી તકલીફ કરતાં આનંદ વધુ હતો કારણ હું એક પાલક તરીકે મારે જે કરવું પડે છે તેવું કરવામાં મહદ્ અંશે સફળ રહ્યો તેવો ભાવ હતો. આ પહેલી સ્થિતિમાં મોટા ભાગના પાલક હોય છે, હું પણ આવી જ માનસિક અવસ્થામાં અત્યારે છું. સંતાનોને મોટાં કરવામાં અને તેમનું ગમતું કરવામાં અનેક વખત મારે મારી સગવડો છોડવી પડી અથવા મારે જતું કરવું પડે છે, પણ હમણાં મને તેનો ભાર લાગતો નથી કારણ સંતાન માટે જે કંઈ કરું છું તેમાં પડતી તકલીફની અવગણના કરી તેમના ચહેરા ઉપર સ્મિત જોઈ થાક ઉતરી જાય છે.

આપણી વ્યવસ્થામાં આપણે સંતાન માટે જ બધું કરીએ છીએ, પછી તે દીકરો હોય કે દીકરી, પરંતુ આપણા મનના સૂક્ષ્મ ખૂણામાં કેન્દ્ર સ્થાને દીકરો હોય છે, તેથી આપણે દીકરીને તારે માટે અમે કેટલું કર્યું તેવું કહેતા નથી, કારણ દીકરી પાસે જીવનના ઉત્તરાર્ધની અપેક્ષા નથી અને દીકરી તો સાસરે જતી રહેશે. દીકરા સાથે રહે કે નહીં, પણ અમે દીકરાની જવાબદારી છીએ એટલે દીકરાનો ભાર લઈએ છીએ. દીકરાના ખભે બોલાવ્યા વગર ભાર મૂકી દઈએ છીએ. આવું આપણે ગણતરીપૂર્વક કરતાં પણ નથી, પરંતુ આપણાં માતા-પિતા અને દાદા-દાદી આવી જ રીતે જીવ્યાં હતાં અને વિચારતાં હતાં તેવું જ આપણે કરીએ છીએ.

આપણે જીવનને આઉટ ઓફ બોકસ વિચારતા નથી અને ત્યારે જીવનના પ્રશ્નની શરૂઆત થાય છે. મેં મારી આસપાસ એવાં અનેક પરિવારો જોયાં છે, જે કાયમ વિચારે છે કે દીકરો તો લગ્ન કરી આપણી સાથે જ રહે છે, પણ જો દીકરી માટે સ્થળ જોવાનું હોય તો તેવા જમાઈની પસંદગી પહેલી કરીએ છીએ કે જેમાં દીકરી અને જમાઈ એકલાં રહી શકે તેવો અવકાશ હોય. આમ આવનારી વહુ તમારી સાથે રહે અને તમારી દીકરી પોતાનાં સાસુ-સસરાથી અલગ રહે તેવી ઈચ્છા હોય છે.

હવે ખરી શરૂઆત થાય છે દીકરાનું લગ્ન થાય, દીકરો સાથે રહે પણ ખરો, દીકરો અલગ પણ રહે,પણ હવે દીકરો બદલાઈ ગયો છે, દીકરો હવૈ બૈરીનો થઈ ગયો છે. દરેક સ્ત્રી જયારે પણ લગ્ન કરી આવે ત્યારે તેની ઈચ્છા હોય છે કે તેનો પતિ પોતાની માતા કરતાં પોતાને વધુ મહત્ત્વ આપે, પણ આ જ સ્ત્રી જયારે દીકરાનું લગ્ન કરાવે ત્યારે જો દીકરો પત્નીને મહત્ત્વ આપે તો જરા પણ તેને મંજૂર હોતું નથી.

હજી તેની અપેક્ષા એવી જ હોય છે કે દીકરો રોજ પહેલાંની જેમ જીવનના રોજમરોજના પ્રશ્નનો નિર્ણય પોતાને પૂછી કરે, પણ હવે મનમાં કલ્પના કરેલી સ્થિતિમાં જરા પણ ફેરફાર થાય એટલે દોષનો ટોપલો દીકરાના માથે મૂકી દેવામાં આવે છે. દોષ આપો ત્યાં સુધી પણ વાંધો નથી, પણ પછી જીવનભર અમે તારા માટે કેટલું કર્યું તો હિસાબ તેણે રોજ સાંભળવો પડે છે. આમ જયારે દીકરા માટે જે કંઈ કર્યું તેનો ભાર ત્યારે લાગ્યો ન્હોતો, પણ દીકરાના લગ્ન પછી તેને મોટો કરવામાં કેટલો ભાર લાગ્યો તેનો અહેસાસ થાય અને તે અહેસાસ પીડા આપવા લાગે છે. આમ દીકરાનાં લગ્ન પછી સંસાર સુખમય થવો જોઈએ તેના બદલે દુ:ખનો પાર રહેતો નથી.

એક તરફ સંસારના ઢસરડા મૂકી હવે પોતાની જિંદગી જીવવાની ઈચ્છા છે. બીજી તરફ શારીરિક અને માનસિક રીતે સંસારની જવાબદારી છોડવી પણ નથી. ઘણી વખત આપણને ઘરડા રાજનેતાની ટીકા કરીએ છીએ કે કયાં સુધી મરવા પડેલા નેતાઓ ખુરશી ઉપર ચીટકી રહેશે, પણ વિચાર કરો તેમની પાસે રજવાડાં જેવી સત્તાઓ છે. આપણી પાસે મહિને માંડ પચ્ચીસ-પચાસ હજારનો ઘરનો કારભાર છે તે પણ આપણે છોડી ઘરમાં આવેલી નવી વહુને સોંપવા તૈયાર નથી. બીજી તરફ કયાં સુધી ઢસરડા કરવાના તેવી ફરિયાદ કરીએ છીએ. આમ  આપણે અસ્પષ્ટ છીએ, જેના કારણે  જિંદગીને ગૂંચવી નાખીએ છીએ. જો આપણને સુખની અપેક્ષા છે તો આપણે છોડવું પડશે, કારણ જિંદગીને પકડી રાખનાર કયારેય સુખી થતો નથી અને છોડવાનો અર્થ માત્ર ભૌતિક નથી. માનસિક રીતે પણ છોડવું પડશે.

લગ્ન થયેલા દીકરાના જીવનમાં એક નવું પાત્ર આવ્યું છે, તે પોતાની પત્ની ખુશ રાખવાનો પ્રયત્ન કરે તેમાં આપણે દુ:ખી થવાની જરૂર નથી અને દીકરો અને વહુ ખુશ હોય ત્યારે દીકરો બદલાઈ ગયો છે તેવું માનવાની પણ જરૂર નથી. દીકરો સાથે રહેતો હોય તો પણ દીકરા અને વહુને આપણે માનસિક રીતે અળગાં કરી તેમને માનસિક મોકળાશનો અવકાશ આપીશું તો આપણને પોતાની જિંદગી જીવવાની પણ મોકળાશ મળશે અને સંસાર ઢસરડો લાગશે નહીં.

– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top