Editorial

પહેલા ઘણી રાહ જોવડાવી અને પછી હાહાકાર મચાવી દીધો: ઉત્તર ભારતમાં વરસાદની વિચિત્ર ચાલ

આ વર્ષે ચોમાસુ સામાન્ય રહેશે, સમયસર શરૂ થઇ જશે અને ઇશાન ભારતના વિસ્તારોને બાદ કરતા દેશના મોટા ભાગના વિસ્તારોમાં સારો વરસાદ થશે એવી ભારતીય હવામાન વિભાગની ચોમાસા પહેલાની આગાહી હતી. પણ ચોમાસુ થોડુ મોડું શરૂ થયું, શરૂઆતમાં તેની ગતિ સારી રહી, પણ પછી તેની આગેકૂચ અટકી ગઇ. ઉત્તર ભારતના વિસ્તારો તો લાંબા સમય સુધી વરસાદથી વંચિત રહ્યા. ઉનાળા જેવું સખત ગરમીનું મોજું ઉત્તર ભારતમાં ચોમાસના દિવસોમાં અનુભવાયું. દસમી જુલાઇથી ઉત્તર ભારતના વિસ્તારોમાં ચોમાસુ સક્રિય થશે તેવી હવામાન વિભાગની આગાહી કંઇક સાચી પડી અને બારમી જુલાઇએ તો ઉત્તર ભારતના અનેક વિસ્તારોમાં ચોમાસુ બરાબર શરૂ થઇ ગયું હોય એમ લાગ્યું પણ આ શરૂઆત સાથે જે તેણે ઉત્તર ભારતના રાજ્યોને કારમા આંચકાઓ આપ્યા છે.

શરૂઆતમાં જ વિજળી પડવાથી અનેક લોકોના મોત થયા તો હિમાચલ અને ઉત્તરાખંડ જેવા રાજ્યોમાં મિલકતોને પણ નોંધપાત્ર નુકસાન થઇ ગયું છે. ઉત્તર ભારતમાં રવિવારથી શરૂ થયેલા વરસાદનો આરંભ જ ભારે ગાજવીજ સાથે થયો છે અને વિજળી પડવાના વિવિધ બનાવોમાં બે દિવસમાં કુલ ૭૧ના મોત થયા છે જેમાં સૌથી વધુ મોત ઉત્તર પ્રદેશમાં ૪૨ના થયા છે. રાજસ્થાનમાં ૨૩ના મોત વીજ પડવાથી થયા છે જેમાં જયપુરમાં ૧૨ના મોતનો સમાવેશ થાય છે જયાં આમેરના કિલ્લા પર સેલ્ફી લેતી વખતે જ વિજળી પડતા માર્યા ગયેલા કેટલાક પર્યટકોનો પણ સમાવેશ થાય છે. મધ્ય પ્રદેશમાં વિજળી પડવાથી ૬નાં મોત થયા છે. આ બધા રાજ્યોમાં અનેક લોકો દાઝી ગયા છે. વિજળી પડવાની ઘટનાઓમાં માર્યા ગયેલાઓના કુટુ઼ંબીજનો માટે વડાપ્રધાને બે લાખ રૂ.ની ઉચ્ચક સહાય જાહેર કરી છે પણ આ સહાય માર્યા ગયેલા લોકોની ખોટ નહીં જ પુરી શકે તે સ્વાભાવિક છે. જાનહાનિ ઉપરાંત માલમિલકતને પણ ભારે નુકસાન ઉત્તર ભારતમાં આ શરૂઆતના જ વરસાદે કરી નાખ્યું છે.

ઉત્તર ભારતના શરૂઆતી તોફાની વરસાદનો સૌથી વધુ માર તો હિમાચલ પ્રદેશને પડ્યો છે. હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદને કારણે સર્જાયેલા ઘોડાપૂરમાં કેટલાક પર્યટન સ્થળોએ ઇમારતો અને કારો તણાઇ ગઇ હતી અને ખરાબ હવામાનને કારણે અહીંનું એરપોર્ટ પણ બંધ સોમવારે બંધ કરી દેવું પડ્યું હતું. જિલ્લા વહીવટીતંત્રે ભારે વરસાદને જોતા પર્યટકોને ધરમશાલાની તેમની મુલાકાત પણ મુલ્તવી રાખવાની સૂચના જારી કરવી પડી. અપર ધરમશાલામાં ભાગસુનાગ નજીક એક ઝરણાએ ભારે વરસાદને કારણે તેનું વહેણ બદલતા ચાર કારો અને ઘણી બાઇકો તણાઇ ગઇ હતી એમ વીડિયો ક્લિપ્સ દર્શાવતી હતી.

ભાગસુનાગ ખાતેની એક સરકારી શાળાની ઇમારતને પણ નુકસાન થયું હતું અને બાજુની હોટલો ડૂબી ગઇ હતી. ખરાબ હવામાન અને ભારે વરસાદને કારણે ધરમશાલા એરપોર્ટ ખાતે આવતી તમામ ફ્લાઇટો પણ સોમવારે રદ કરવી પડી હતી.  ઘોડાપૂરને કારણે ધરમશાલાની બાજુમાં આવેલા માંઝી ખાડ વિસ્તારમાં બે ઇમારતો તણાઇ ગઇ હતી જ્યારે અન્ય ઘણી ઇમારતોને નુકસાન થયું હોવાના અહેવાલ છે. મંડી-પઠાણકોટ હાઇવે પરના એક પૂલને પણ ભારે વરસાદને કારણે નુકસાન થયું હતું જેને કારણે બંને બાજુએ વાહન વ્યવહાર અટકી ગયો હતો અને ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઇ હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટર પર જણાવ્યું હતું કે હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદથી સર્જાયેલ સ્થિતિ પર બારીક નજર રાખવામાં આવી રહી છે. રાજ્ય સરકારને શક્ય તમામ સહાય આપવામાં આવી રહી છે એમ તેમણે જણાવ્યું હતું. ગૃહ મંત્રી અમિત શાહે પણ રાજ્યના મુખ્યમંત્રી સાથે ફોન પણ વાત કરી હતી અને શક્ય તમામ સહાયની ખાતરી આપી હતી. જમ્મુ વિસ્તારમાં પણ ભારે વરસાદથી મોટી નદીઓમાં પૂર આવ્યા છે જેમાં તાવી નદીનો પણ સમાવેશ થાય છે અને ભારે વરસાદને કારણે આ પ્રદેશમાં પણ સામાન્ય જનજીવન ખોરવાઇ ગયું હતું. પૂરના પાણી મોટા પ્રમાણમાં ફર વળવાને કારણે પઠાણકોટ-જમ્મુ હાઇવે પર વાહન વ્યવહાર ખોરવાઇ ગયો હતો.

જે પોષતુ તે મારતું એ દીસે ક્મ કુદરતી એ કાવ્ય પંક્તિ વરસાદને તો આબાદ લાગુ પડે છે. લોકો વરસાદની ચાતક નજરે રાહ જોતા હોય, વરસાદ આવે નહીં અને આવે તો એવો ગાંડોતૂર થઇને આવે કે હાહાકાર મચી જાય, વરસાદને ખમૈયા કરવા માટે લોકો વિનંતી કરવા માંડે, આ વરસાદ ગોઝારો બનીને અનેક લોકોનો ભોગ લઇ જાય અને માલમિલકતની ભારે ખાનાખરાબી કરી જાય તેવું અનેક વખત બનતું આપણે જોઇએ છીએ. જો કે અનિયમિત અને અચોક્કસ બનેલા વરસાદ માટે માણસે પર્યાવરણ સાથે કરેલા ચેડાઓ પણ જવાબદાર છે તો ઘણી વખત પ્રાકૃતિક પરિબળો પણ વરસાદને વિનાશક બનાવે છે. હાલ તો વરસાદથી ખાખાવીખી થઇ ગયેલા ઉત્તર ભારતના વિસ્તારોના લોકોને રાહત થાય અને ત્યાં જનજીવન ફરી રાબેતા મુજબ ધબકતું થાય તેવી આશા રાખીએ.

Most Popular

To Top