Gujarat

ભાજપ કાર્યાલયમાંથી ‘મુખ્યમંત્રી વિજય રૂપાણી’નું બોર્ડ ‘ભાઉ’ના ઠપકા બાદ હટાવાયું

રાજકોટ ભાજપની નેતાગીરી હજુયે વિજય રૂપાણી જ મુખ્યમંત્રી હોય તેમ માને છે, જેના પગલે ભારે મોટો વિવાદ સર્જાયો હતો. રાજકોટના ભાજપના કાર્યાલયમાં હજુયે વિજય રૂપાણી જ મુખ્યમંત્રી છે તેવુ બોર્ડ લગાવાયું છે. આ ઉપરાંત આ બોર્ડ પર રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયાનું નામ પણ લખવામાં આવતું નહોતું. તાજેતરના એક સંમેલનમાં ભાજપનાં જ સમારંભમાં પાર્ટીના સાંસદ રામભાઈ મોકરિયાને આમંત્રણ અપાયું નહોતું. જેના પગલે મોકરિયાએ પીએઓ તથા પાટીલ ભાઉ સુધી ફરિયાદ કરી હતી.

અગાઉ રૂપાણીના એક સમારંભમાં ભાજપના સિનિયર તથા પૂર્વ સાંસદ વલ્લભભાઈ કથિરીયાનું પણ અપમાન કરાયું હતું. તેમને આગલી હરોળમાંથી ઉઠાડીને પાછલી હરોળમાં મોકલવામાં આવ્યા હતા. સમગ્ર વિવાદના પગલે પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર. પાટીલ દ્વારા તેમનો રાજકોટનો તા.20મી નવે.નો કાર્યક્રમ રદ કરી દેવાયો છે. અલબત્ત રાજકોટના ઉદ્યોગકારો તથા ભ્રહ્મ સમાજના અગ્રણીઓને મળશે તેવું મનાય છે.

તાજેતરમાં રાજકોટમાં એક સમારંભમાં પૂર્વ સીએમ વિજય રૂપાણી તથા રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા તથા ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ વચ્ચે ઉગ્ર ચર્ચાનો વિવાદનો વીડિયો વાયરલ થયો છે. આમંત્રણ પત્રિકામાં રામભાઈ મોકરિયા, સાંસદ મોહનભાઈ કુડારિયા તથા ધારાસભ્ય ગોવિંદ પટેલનું નામ નહોતું. આ વિવાદ છેક કમલમ સુધી પહોંચ્યો છે. આ મામલે પાટીલ ભાઉએ રાજકોટ ભાજપના કારભારીઓને ઠપકો આપ્યો હતો. કમલમમાંથી ‘ભાઉ’નો ઠપકો આવતા આખરે બોર્ડ બદલવામાં આવ્યું હતું.

Most Popular

To Top