Comments

ભારતીય જનતા પક્ષે તો પોતાનાં પત્તા ખોલી નાંખ્યાં

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ચાંપતી નજર હેઠળ છેલ્લાં સાત વર્ષમાં ભારતીય જનતા પક્ષનો એક માત્ર રજૂઆતનો મુદ્દો કોરોનાની મહામારી અને વહીવટી તંત્રના છબરડા છતાં ખૂબ વિશ્વાસ રાખવાનો છે. સરકાર અને રાજકીય સ્તરે એકસરખા વિશ્વાસને કારણે મોદી શાસનને વિરોધ પક્ષો સાથે બાથ ભીડવાની અને શ્રેણીબધ્ધ ચૂંટણીવિજય પ્રાપ્ત કરવામાં મદદ મળી છે. આવતા વર્ષના પૂર્વાર્ધમાં ઉત્તર પ્રદેશ જેવા રાજકીય રીતે મહત્ત્વના રાજય સહિત પાંચ રાજયોની વિધાનસભાઓની ચૂંટણીના સંદર્ભમાં ભારતીય જનતા પક્ષનો વિશ્વાસ જોવા જેવો હશે. ઉત્તર પ્રદેશ રાજયમાંથી લોકસભામાં 80 સભ્યો ચૂંટાય છે તેથી કોઇ પણ પક્ષ માટે લોકસભામાં જવાનો માર્ગ ઉત્તર પ્રદેશમાં થઇને જાય છે અને ભારતીય જનતા પક્ષ માટે તેને વધુ મહત્ત્વ આપવાનું સ્વાભાવિક છે અને તેથી જ ભારતીય જનતા પક્ષના નેતાઓ ધર્મ અને દેશભકિતના નામે જમણેરી ઘોંઘાટ કરી રહ્યું છે અને 300 થી વધુ ધારાસભાની બેઠક જીતવાનો વિશ્વાસ વ્યકત કરી રહ્યા છે.

એક તરફ ભરતીય જનતા પક્ષનો વિશ્વાસ ‘હુંકાર’ કરે છે તો બીજી તરફ વિરોધ પક્ષ વેરવિખેર છે. આમ છતાં કેન્દ્રના ગૃહ પ્રધાન અમિત શાહે તા. 29 મી ઓકટોબરે લખનૌમાં પક્ષની સભ્યપદ ઝુંબેશનો પ્રારંભ કરાવ્યો. તે ભારતીય જનતા પક્ષના વિશ્વાસના સ્તર બાબતમાં રસપ્રદ છે. ‘મોદીજી કો ફીરસે એક બાર ’24 મેં પ્રધાનમંત્રી બનાના હૈ તો ’22 મેં ફિર એક બાર યોગીજીકો મુખ્યમંત્રી બનાના પડેગા’ એમ અમિત શાહે કહ્યું હતું. આમાં ખોટું કંઇ નહીં લાગે, પણ તેના પરથી ખ્યાલ આવશે કે મોદી અને મુખ્ય મંત્રી યોગી વચ્ચે કેટલું મહત્ત્વનું સમતોલન આ વિધાનમાં દેખાઇ આવે છે. પક્ષ દ્વારા અગાઉ ચૂંટણી પૂર્વે આચરાતી વ્યૂહરચનાથી કે કંઇક અલગ છે.

સામાન્ય રીતે કોઇ પણ રાજયમાં વડાપ્રધાન પર જ ભાર મૂકવામાં આવે છે, પણ આ કિસ્સામાં  યોગીને પણ આશ્ચર્યજનક રીતે જોડવામાં આવે છે. ભારતીય જનતા પક્ષનાં વર્તુળોમાં મોદીના નામે જ ચૂંટણી જીતવાના અને મુખ્ય પ્રધાનની અવગણનાના વિશ્વાસના સ્તર વિશે પણ આ વિધાન કંઇક વધુ કહી જાય છે. શાહના આ નિવેદને મોદી પર વધુ ભાર આપવાની કોશિશ કરી છે અને દેશમાં એક પછી એક ચૂંટણીમાં થતું આવ્યું છે પણ સાથે સાથે યોગીને પણ હાંસિયાની બહાર પણ નથી ધકેલાયા.

‘મોદી એટલે ભારતીય જનતા પક્ષ અને ભારતીય જનતા પક્ષ એટલે મોદી’ એવું કહેવાની હદે મોદી ભારતીય જનતા પક્ષ માટે અનિવાર્ય થઇ ગયા છે, પણ ઉત્તરપ્રદેશમાં આ વખતે જુદી જ ચોપાટ મંડાઇ છે. ભારતીય જનતા પક્ષ સામાન્ય રીતે મોદીના નામે વિધાનસભાઓની ચૂંટણી લડે છે અને મુખ્યપ્રધાન પદના ઉમેદવારનું નામ લીધા વગર પણ તેને વિજય મળે છે, પણ આ વખતે ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં યોગીને વચમાં લાવવામાં આવ્યા છે તે 2024 ની લોકસભાની ચૂંટણીમાં ઉત્તર પ્રદેશનું મહત્ત્વ બતાવે છે.

શાહે યોગીની અનિવાર્યતા પણ બતાવી છે અને એટલે મુખ્ય પ્રધાન તરીકે નહીં રજૂ કરવા વિશેની અટકળોનો અંત લાવ્યા છે. સાથોસાથ એવું પણ દર્શાવાઇ રહ્યું છે કે હિમાચલ પ્રદેશ અને ઉત્તરાકાંડ જેવાં અન્ય રાજયોના વર્તમાન મુખ્ય પ્રધાનોની જેમ યોગીને ઊની આંચ આવે તેમ નથી. સામાન્ય રીતે ઘણી વિધાનસભાઓની ચૂંટણીમાં બનતું આવ્યું છે તેમ ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી પણ મોદીના નામે અને શાહનાં સૂત્રો દ્વારા જ લડાવી જોઇએ. પણ લાગે છે કે યોગીની અવગણના મોદી-શાહ માટે વિકલ્પ નથી. યોગી દ્વારા પોતાની સરકારની સિધ્ધિઓની પ્રચારલીલામાં તમામ ધ્યાન મોદીને બદલે યોગી પર જ કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે તે પક્ષના મોવડીમંડળની કોઇ મજબૂરી છે?

જો કે કોવિડની મહામારી હોય કે ખેડૂતોનું આંદોલન હોય કે કાયદો અને વ્યવસ્થાની વાત હોય, યોગીના વહીવટ સામે ઘણા પ્રશ્નો ઊઠયા છે છતાં લોકસભાની આગામી ચૂંટણીમાં ઉત્તરપ્રદેશની 80 બેઠકો મોદીને ત્રીજી વાર વડા પ્રધાન બનાવવા માટે મહત્ત્વ રાખતી પક્ષના વ્યૂહરચનાકારો છે. આ વ્યૂહે અપનાવ્યો છે. કારણકે તેમને ખાતરી છે કે 2024 ની ચૂંટણીમાં કોઇ પણ પક્ષને જીતાડવા માટે ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીઓ મહત્ત્વની છે એટલે અન્ય રાજયોની જેમ અહીં પ્રયોગ કરવા જેવા નથી. વિરોધ પક્ષ વેરવિખેર છે અને નજીકના ભવિષ્યમાં નજીક આવે તેમ નથી લાગતું પણ પક્ષ વધુ પડતા આત્મવિશ્વાસમાં નથી બેઠો અને વિપક્ષી છાવણી પર પણ નજર રાખે છે. ભારતીય જનતા પક્ષે તો મુખ્ય પ્રધાનપદના ઉમેદવાર માટેના પોતાનાં પત્તાં ખુલ્લાં કરી દીધાં છે ,પણ વિરોધ પક્ષોનું શું? તેમને નજીક તો આવવા દો.          
આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top