Editorial

ઈન્જેકશન-સિરિંજની વિશ્વમાં અછત ઊભી થાય તે પહેલા કોરોનાની વેક્સિન લગાડી લો

ગુજરાત અને ભારતમાં કોરોનાના કેસ ઘટી જતાં લોકો બિન્દાસ્ત થઈ ગયા છે. વેક્સિનેશનની આ અસર છે કે જેને કારણે કોરોનાના કેસ ઘટ્યા છે પરંતુ હજુ પણ એવા અનેક લોકો છે કે જેમણે વેક્સિન લીધી નથી. જેમણે કોરોનાની વેક્સિનનો એક જ ડોઝ લીધો છે અને બીજો ડોઝ લીધો નથી અથવા તો જેમણે કોરોનાની વેક્સિનનો એકપણ ડોઝ લીધો નથી તેવા તમામે વેક્સિન લઈ લેવી જોઈએ.  કોરોના ક્યાંય ગયો નથી. સમયાંતરે તે ઉથલો મારી જ શકે છે અને તેને ધ્યાનમાં રાખવાની જરૂરીયાત છે. તાજેતરમાં જ વિશ્વના અનેક દેશોમાં કોરોનાના કેસ વધ્યા છે. નવી લહેરો આવી છે અને તેને કારણે ભારત અને ભારતીયોએ સચેત રહેવાની જરૂરીયાત છે.

કોરોનાને નાથવામાં યુરોપ સૌથી આગળ હતું પરંતુ એ જ યુરોપમાં હવે કોરોનાના કેસ ફરી ફુંફાડો મારી રહ્યાં છે. આંકડા બતાવી રહ્યા છે કે આ દેશોમાં કોરોનાની નવી લહેર આવી રહી છે. એકલા ફ્રાન્સમાં જ કોરોનાની પાંચમી લહેર આવી છે. જે ચિંતાજનક છે. જર્મનીમાં કોરોનાના એક એક જ દિવસમાં 50 હજારને પાર કરી ગયા છે. જ્યારે અમેરિકામાં દૈનિક કેસનો આંક 94 હજાર, બ્રિટનમાં 39 હજાર, રશિયામાં 38 હજાર અને યુક્રેનમાં 23 હજાર કોરોનાના કેસ 24 કલાકમાં નોંધાયા છે. ભારતમાં વેક્સિનેશન અસરકારક રહ્યું હોવાથી કોરોનાના કેસનો આંક દૈનિક 13 હજાર છે પરંતુ કોરોનાના કેસ નોંધાવવાનું કે કોરોનાથી મોત થવાની ઘટનાઓ બંધ થઈ નથી.

કોરોનાના વેક્સિનેશનને કારણે એક નવી જ સમસ્યા દુનિયામાં ઉદ્દભવી શકે તેમ છે અને તે છે ઈન્જેકશન-સિરિંજની અછત. વેક્સિનેશન માટે મોટાપાયે ઈન્જેકશન અને સિરિંજનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાથી આ અછત ઊભી થઈ શકે તેમ છે. દુનિયામાં અત્યાર સુધીમાં 725 કરોડથી પણ વધુ કોરોના વેક્સિનના ડોઝ લગાડી દેવામાં આવ્યા છે. એમાં સિંગલ, ડબલ અને બુસ્ટર ડોઝનો પણ સમાવેશ થાય છે. સામાન્ય રીતે એક વર્ષમાં જેટલું વેક્સિનેશન થાય છે તેના કરતાં કોરોના વેક્સિનનો આંક ડબલ છે. જેથી ઈન્જેકશન અને સિરિંજની અછત સર્જાય શકે છે. આ અછત મોટાપાયે ઊભી થાય તે પહેલા જ જેણે વેક્સિન લેવાની બાકી છે તે લગાડી લે તે જરૂરી છે.

તાજેતરમાં જ એવા સમાયાર પણ આવ્યા હતા કે કોરોના સામેની ચીનની વેક્સિન તકલાદી નીકળી છે. આશરે 3 કરોડની વસતી ધરાવતા મલેશિયામાં 1લી સપ્ટે.થી 30 સપ્ટે.ની વચ્ચે કોરોનાથી 7636 લોકોના મોત થયા. તેમાંથી 2159 લોકો એવા હતા કે જેમણે કોરોનાની રસીના બંને ડોઝ લીધા હતા અને તેને 14 દિવસ પણ થઈ ગયા હતા. તેમાં પણ 1573 લોકો એવા હતા કે જેમણે ચીનમાં બનેલી સિનોવૈક રસી લીધી હતી. મલેશિયામાં ચીનની રસી વધુ લોકોને અપાઈ છે અને ચીનની રસી લેનારા લોકોના મોતની સંખ્યા વધારે છે. જે બતાવે છે કે ચીનની રસી તકલાદી છે અને લોકોને બચાવી શકતી નથી. સિનોવૈક દ્વારા 43 દેશમાં 76 કરોડ ડોઝ રસીના વેચવામાં આવ્યા છે. જો આ રસી તકલાદી હશે તો કોરોનાને કારણે થનારા મોતનો આંક વધારે થશે.

ચીનની સરખામણીમાં ભારતની રસીઓ વધુ અસરકારક છે. ભારતીયોએ આ સમજવાની જરૂરીયાત છે અને જેમણે રસી મુકાવી નથી તેવા તમામ રસી મુકાવી લે તે જરૂરી છે. હાલમાં સરકાર દ્વારા પણ ઘરે ઘરે જઈને રસી મુકવામાં આવી રહી છે. આગામી દિવસોમાં જેણે રસી નહીં મુકાવી હોય તેને જાહેર સ્થળો પર પ્રવેશ પર પણ પ્રતિબંધ ફરમાવવામાં આવી શકે તેમ છે. કોરોનાની સામે માત્ર વેક્સિન જ બચાવી શકે છે અને તે સત્ય લોકોએ સ્વીકારવું જ રહ્યું.

Most Popular

To Top