SURAT

સુરતના રત્નકલાકારે શોખ ખાતર 25 વર્ષ સુધી કાળજી રાખી નખને 2 ફૂટ વધાર્યો

સુરત: દરેક વ્યક્તિને કોઇ ને કોઇ શોખ હોય છે, જેમાં ચશ્મા, ઘડિયાળ, હેર સ્ટાઇલ તેમજ ક્લોથિંગનો શોખ કોમન જોવા મળતો હોય છે. હેર સ્ટાઇલ લાંબી રાખનારા લોકો પણ ઘણા હોય છે. પરંતુ શહેરમાં એક રત્નકલાકારે તેનો નખ 2 ફૂટ (24 ઇંચ) જેટલો વધાર્યો છે. નખ વધારવાના શોખીન રત્નકલાકાર હાલ 54 વર્ષના છે.

  • 54 વર્ષીય રત્નારલાકારનો અજીબ શોખ
  • 25 વર્ષથી કાળજી રાખે છે નખની
  • 3-4 ઇંચનો નખ હતો ત્યારે 2 વખત તૂટ્યો, ત્રીજા પ્રયત્ને સફળતા મળી

મૂળ ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના ભોજાવદર ગામના વતની અને હાલ કતારગામ પીપલ્સ ચાર રસ્તા પાસે રહેતા 54 વર્ષિય પ્રવીણ કુરજી દાવરા તેમના ઘર નજીક જ એક હીરાની પેઢીમાં રત્નકલાકાર તરીકે કામ કરે છે. પ્રવીણ દાવરાને નખ વધારવાનો શોખ જાગ્યો અને સમય જતાં તેમનો ડાબા હાથના અંગૂઠાનો નખ 2થી 3 ઇંચ સુધી વધી ગયો ત્યારે બે-ત્રણ વખત તૂટ્યો હતો. ત્યારબાદ ત્રીજી વખત નખ વધતો ગયો અને તેની કાળજી રાખતાં આ વાતને આજે 25 વર્ષ વિતી ગયા હોવાનું પ્રવીણ દાવરાએ જણાવ્યું હતું. પ્રવીણ દાવરા 20 વર્ષ પહેલાં મુંબઇ લોકલ ટ્રેનમાં અપ-ડાઉન કરતા હતા. મુંબઇમાં તે હીરા ઘસતા હતા ત્યારે પણ હાથનો નખ ત્રણ-ચાર ઇંચ જેટલો વધ્યો હતો. આટલી ભીડભાડમાં પણ તેઓ નખની કાળજી રાખતા હતા.

ઊંઘમાં હાથ હલી જાય તો ઊંઘ ઊડી જાય છે
પ્રવીણ દાવરાએ જણાવ્યું હતું કે, રાત્રિના સમયે તકિયા ઉપર હાથ રાખીને તે ઊંઘે છે. ઊંઘમાં હાથ જરા પણ હલી જાય તો જાગી જાય છે. નખ 25 વર્ષથી જરા પણ તૂટ્યો નથી. શરૂઆતમાં જ્યારે તેઓ યુવા અવસ્થામાં હતા ત્યારે બે વખત નખ તૂટ્યો હતો. હીરાના કામમાં ડાબા હાથની પણ ખાસ જરૂર પડે, પણ પ્રવીણ દાવરા ટેવાઇ ગયા છે.

નખ વધારવાનો શોખ અને સાથે જીદ પણ જોડાઈ ગઈ
નખ વધારવાનો 25 વર્ષ પહેલાં શોખ જાગ્યો અને જોતજોતામાં સમય પસાર થતો ગયો તેમ નખ મોટો થતો ગયો. આજે 25 વર્ષ જેટલો સમય વિતી ગયો છે અને હવે નખની કાળજી કઇ રીતે રાખવી તેની કોઇ ચિંતા નથી. હાથને જ ખબર પડી જાય છે કે નખને સાચવવાનો છે. હાથ જ રૂટીન જીવનમાં તેનો બચાવ કરી લે છે અને નખની કાળજી રહે છે.

Most Popular

To Top