Columns

થેંક યુ… ડૉકટરજી!

આમ તો ૩૦ માર્ચના રોજ વિશ્વભરમાં ‘ડૉકટર્સ ડે’ની ઉજવણી થાય છે પણ આપણે ત્યાં પશ્ચિમ બંગાળના સૌ પ્રથમ મુખ્ય મંત્રી ડૉકટર બિધાનચન્દ્ર રાય જેવા પ્રખર ચિકિત્સકને એમની સ્મૃતિરૂપે દર 1 જુલાઈના યાદ કરીએ છીએ. આ અવસરે તબીબ-ખાસ કરીને ફેમિલી ડૉકટરને આપણે મૌખિક કે પછી ગ્રિટિન્ગ કાર્ડ દ્વારા ‘થેંક યુ’ કહીએ છીએ. આપણા શિક્ષક પાસેથી એ પણ જ્ઞાન મળ્યું છે કે અદ્રશ્ય એવા આપણા આરાધ્ય દેવ એકથી વધુ હોય શકે પણ જગતમાં માત્ર ત્રણ દેવતા જ એવા છે જેને આપણે નજરોનજર જોઈ શકીએ છીએ.

બે છે આપણાં જન્મદાતા માતા-પિતા અને ત્રીજા છે અધ્ધર આકાશ-અંતરિક્ષમાં સૂર્યદેવતા.… કોઈ કામ માટે ઘરની બહાર નીકળીએ તો પહેલાં માતા-પિતાને પગે લાગી પ્રણામ કરીએ અને પછી ઘર બહાર આવી મોટાભાગના લોકો ગગન તરફ તાકી-હાથ જોડી (કે પછી) ગરદન ઝુકાવી મનોમન સૂરજદેવતાના શુભાશિષ લેશે…. જાણે-અજાણ્યે મા-બાપે પણ નાનપણથી આપણામાં એક સંસ્કાર રોપી દીધા છે કે મદદરૂપ થનારાનો આભાર માનવાનું કયારેય ચૂકવું નહીં… અને આવા આભાર માનવાની પંક્તિ-હરોળમાં સૌ પ્રથમ આવે છે આપણા તબીબ.

આર્થિક મુંઝવણમાં મુકાવ ત્યારે સ્વજન કે મિત્ર વહારે-મદદે આવે પણ જ્યારે શારીરિક કે માનસિક વિપદામાં અટવાઈ જાવ ત્યારે ત્વરાએ આપણો હાથ પહોંચી જાય છે મોબાઈલના કી- પેડ પર… અને આ કૉલ એવો હોય છે કે જેનો ભાગ્યે જ તમને ઉત્તર ન મળે. અરધી રાતે પણ સામે છેડેથી તમને હુંફાળો સ્વર સાંભળવા મળે, જેમાં તમારા માટે ચિંતા સાથે ભારોભાર લાગણી પણ છલકાતી હોય. આવી લાગણી વ્યકત કરનારી વ્યક્તિ વ્યવસાયે તબીબ હોય પણ પછી કાળક્ર્મે આપણા પરિવારની જ એક અંગત વ્યક્તિ બની જાય જેને આપણે ‘ફેમિલી ડૉકટર’કહીએ છીએ. આવો અનુભવ એકલદોકલ નથી હોતો. લગભગ આપણે બધાએ આ અનુભવ્યું છે.

આવી વ્યક્તિ વ્યવસાયિક રીતે તબીબી જ્ઞાનમાં અવ્વલ હોવા ઉપરાંત આપણા પરિવાર સાથે એવી હળીભળી જાય છે કે આપણી તબિયતની તાસીર ઉપરાંત ઘરના બધાના મિજાજ પણ અદ્લોદલ જાણતી હોય છે. એ શારીરિકની સાથોસાથ આપણી મનદુરસ્તીનું પણ રખોપું કરે છે. સમય જતા આવા તબીબ ઘરના વડીલ પણ બની જાય. ઘરસંસારના પ્રશ્નો વખતે પણ એમનું ડાયાગ્નોસિસ-નિદાન અને નિરાકરણ પણ ઘર-પરિવાર માટે અકસીર નીવડે. આમ નજર સમક્ષ હાજરાહજૂર સૂર્ય પછી માતા-પિતા ઉપરાંત ધરતી પર હાજરાહજૂર દેવ કહો તો એ તમારા તબીબ છે.

બીજી તરફ, આપણા બ્રહ્મ પુરાણ અનુસાર સમુદ્રમંથન વખતે અમૃત કળશ સાથે ભગવાન વિષ્ણુના અવતાર સમા ધન્વંતરિ દેવનું પ્રાગ્ટય થયું હતું. સમુદ્રમંથન વેળાએ અનેક ઔષધિઓ ઉત્પન્ન થઈ હતી. એ પછી અમૃતનું સર્જન થયું. ત્યારથી એ આપણા પ્રાચીન આયુર્વેદના જન્મદાતા ગણાય છે. એમની ગણના દેવલોકના વૈદ્ય તરીકે થતી. પ્રાચીન શસ્ત્રો અનુસાર ધન્વંતરિ વૈદ્યે જગતભરની હજારો વનસ્પતિઓનું અધ્યયન- પૃથક્કરણ કરીને એના પ્રભાવ – ગુણ તેમ જ એની આડ-અસર પર અનેક ગ્રંથ તૈયાર કર્યા હતા.

જેના આધારે કાળક્ર્મે આપણા આયુર્વેદના સિદ્ધાંતોનો ગ્રંથ બન્યો, જેમાંથી જ્ઞાન મેળવી પ્રથમ સુશ્રુત મુનિ અને પાછળથી ચરક જેવા વૈદ્યે આયુર્વેદ ચિકિત્સાની પરંપરા આગળ વધારી…. પૌરાણિક ગ્રંથો અનુસાર ધન્વંતરિનો ‘જન્મ’ ઈશુ ખ્રિસ્તના 7 હજાર વર્ષ પૂર્વે ધનતેરસના દિવસે થયો હતો. એમના આયુર્વેદ જ્ઞાન અનુસાર માનવ મૃત્યના 100 પ્રકાર છે, જેમાંથી એક સમય વીતતાની સાથે થતું ‘કાળ મૃત્યુ’ છે.બાકીના 99 અકાળ મૃત્યુ આયુર્વેદના સચોટ નિદાન તથા ચિકિત્સા-સારવારથી અટકાવી શકાય-રોકી શકાય…!

(એક આડ-વિચાર: ધન્વંતરિ-સુશ્રુત-ચરક જેવા વૈદ્યાચાર્યોના જીવનકાળ એવા તો રસપ્રદ છે કે એમના પર બાયોપિક- વેબ સીરિઝ સરજી શકાય..!) થોડા સમય પહેલાં વિશ્વવ્યાપી એક સર્વેક્ષણ થયું હતું: કયો વ્યવસાય સૌથી વધુ Trust Worthy એટલે કે વિશ્વાસપાત્ર છે? વિશ્વના અનેકવિધ ક્ષેત્રોના તલસ્પર્શી સર્વેના તારણ અનુસાર 64% લોકો માને છે કે તબીબ – ડૉકટરનો પ્રોફેશન-વ્યવસાય સૌથી વધુ વિશ્વાસપાત્ર છે.

એના પછી 61% લોકોને વિજ્ઞાનીઓ પર અને 55% લોકોને શિક્ષક પર વધુ ભરોસો છે… અને હા, કાગડા બધે કાળાની જેમ 10% થી પણ ઓછા લોકોને મંત્રી-રાજકારણી-નેતા પર માંડ માંડ વિશ્વાસ બેસે છે…. જાણીતા દેશાનુસર જોઈએ તો સર્વે કહે છે કે રીત-ભાત- શિસ્તની બડી ચુસ્ત આગ્રહી એવી બ્રિટિશ પ્રજાને ડૉકટર 73% વિશ્વાસુ લાગે છે. એ જ રીતે, ડચ તથા કેનેડાના લોકોને તબીબ પર 71% ભરોસો બેસે છે.

થોડી અંગત વાત કરું તો લાંબો સમય મેડિકલ સ્ટોરમાં કામ કર્યું- મેડિકલ રિપ્રેઝન્ટેટિવ તરીકે પણ કામગીરી બજાવી અને ખુદ ત્રણેક વાર અતિ જટિલ ઑપરેશનની પ્રક્રિયામાંથી પસાર થયો છું એટલે અને વ્યવસાયે વર્ષોથી પત્રકાર હોવાને લીધે એ દરમિયાન, અનેક તબીબો- નિષ્ણાતોના ઘનિષ્ટ પરિચયમાં આવ્યો છું. જીવન – મૃત્યુની કટોકટી વેળા ડૉકટર કેવા દબાણ હેઠળ નિર્ણય લેતા હોય છે એવી એમની કામગીરી મેં બહુ નજીકથી નિહાળી છે. એમના એક નિર્ણયથી કોઈની જિંદગી ફરી આબાદ બની જતી હોય તેમ કોઈ પરિવારનાં સપનાં પણ રગદોળાય જતાં હોય છે. એવે વખતે સૌથી વધુ મદદરૂપ થઈ હિંમતના ઑક્સિજનનો પુરવઠો પૂરો પાડે છે આપણા ડૉકટર-તબીબ.

છેલ્લાં અઢી વર્ષમાં કોવિડ-કોરોનાની મહામારીએ જગતભરમાં તબાહી મચાવી. દુશ્મનના આક્રમણ સામે દેશના સીમાડાની રક્ષા કરવા આપણા સૈન્યના જવાનો જે રીતે શહીદી વહોરે એ જ રીતે આપણા સફાઈ કામદારથી લઈને નર્સ અને ડૉકટરોએ મોત સામે બાથ ભીડીને આપણી રક્ષા જે રીતે કરી હતી એની અપૂર્વ ગાથાના આપણે સૌ સાક્ષી છીએ. એ દ્રષ્ટિએ દેવી -દેવતાના જીવનરક્ષક એવા વૈદ્યોના સાચુકલા દેવદૂત છે આપણા આ તબીબ…! આવા અનન્ય આદમીને માત્ર વર્ષના વચલે દિવસે યાદ કરવાથી આપણે એનું ઋણ ફેડી નથી શકતા. એને તો મનોમન આપણે રોજ કહેવું જોઈએ : ‘થેંક યુ … ડૉકટરજી!’

  • દાકતરબાબુ એટલે……
    તમે તબીબી વ્યવસાય પસંદ કરો છો ત્યારે માનવતાને પણ આવકારો છો….
  • રાતે ઘેર જાવ ત્યારે ‘આજના દિવસે કંઈ જ ઉપયોગી નથી કર્યું’ એવો નકારાત્મક વિચાર તમને ક્યારેય નહીં આવે -જો તમે વ્યવસાયે તબીબ હશો તો!
  • કોઈને આરોગ્ય પરત આપવા જેવી શ્રેષ્ઠ ભેટ કોઈ ન હોય શકે અને આવી સોગાદ માત્ર ડૉકટર જ આપી શકે!
  • તબીબ પણ કેવા ભાગ્યશાળી હોય છે. એને એક દિવસમાં જેટલાં સારાં કાર્ય કરવાની તક મળે છે તેટલી તક તો કોઈ કર્ણ જેવા દાનવીરને પણ બે-ત્રણ મહિને નથી મળતી!
  • ડૉકટરને એની કામગીરી માટે ફી ચૂકવી દીધા પછી પણ આપણે માથે એનું એક દેવું બાકી જ રહે છે – એ છે એના સંવેદનશીલ વ્યવહારનું, જેનું ઋણ કોઈ કયારેય ચૂકવી ન શકે!

Most Popular

To Top