Columns

તબીબી બેદરકારી તરફ જાગૃતિ કેમ નથી?

હાલમાં ‘નેશનલ કન્ઝ્યુમર ડિસ્પ્યુટ રિડ્રેસલ કમિશને’ એક કેસમાં મેડિકલ લેબને ખોટા રિપોર્ટ આપવા બદલ સવા કરોડ રૂપિયા દરદીને ચૂકવણી કરવાનો ઓર્ડર કર્યો. મેડિકલની દુનિયામાં આ ઐતિહાસિક ચુકાદો છે. આ લેબ નાગપુર સ્થિત અલ્ટ્રાસાઉન્ડ સ્કેનિંગ અને ઇમેજિંગ સેન્ટર નામની છે. કેસની વિગત મુજબ ગર્ભવતી મહિલાના આરંભના સ્ટેજમાં ‘કોન્ગેનિશિઅલ એનામોલિસ’ ચેક – અપ થાય છે. આ ચેક – અપ નાગપુરની એક ગર્ભવતી મહિલાએ અલ્ટ્રાસાઉન્ડ સ્કેનિંગ એન્ડ ઇમેજિંગ સેન્ટરમાં જઈને કરાવ્યો.

મહિલા ગર્ભવતી હોય અને ત્યારે આ ચેક – અપથી બાળક યોગ્ય રીતે વિકસે છે કે નહીં તેનો ખ્યાલ આવી શકે. પરંતુ આ મહિલાના ગર્ભ રહેવાનાં 17 – 18 અઠવાડિયાં પૂર્ણ થયા છતાં લેબ દ્વારા રિપોર્ટ નોર્મલ આપવામાં આવ્યા. તે પછીના સ્ટેજમાં ગર્ભવતી મહિલા અને તેના પતિને ખ્યાલ આવ્યો કે બાળકના કેટલાંક અંગ વિકસ્યાં નથી. ચેક – અપ કરનારા રેડિયોલોજિસ્ટે બેદરકારી દાખવી ન હોત તો બાળક વિશે અગાઉથી ખ્યાલ આવી શકત. ગર્ભવતી માતાના 3 – 3 ચેક – અપ કર્યા, છતાં ડોક્ટર દ્વારા આપવામાં આવેલા તમામ રિપોર્ટ નોર્મલ જ હતા.

સ્ટેજ એ આવ્યું કે બાળકનો જન્મ ટાળી શકાય એમ નહોતો. તે પછી બાળકનાં માતાપિતાએ ‘નેશનલ કન્ઝ્યુમર ડિસ્પ્યુટ રિડ્રેસલ કમિશન’ને પોતાનો કેસ રજૂ કર્યો અને હાલમાં જસ્ટિસ R. O. અગ્રવાલ અને S. M. કાંતિકરની બેન્ચે લેબોરેટરીને બાળકનાં માતાપિતાને સવા કરોડની ચૂકવણી કરવાનો ઓર્ડર કર્યો છે. આ તમામ નાણાંનો બાળકના ઇલાજ અને સુખાકારી માટે ઉપયોગ થશે. આ અક્ષમ્ય ભૂલ છે અને આવી ભૂલો આપણે ત્યાં મેડિકલ જગતમાં થાય છે, તેમાં નવાઈ જેવું કશુંય નથી. સમયાંતરે અખબારોમાં મેડિકલ બેદરકારીના ન્યૂઝ આવતા રહે છે.

આવી એક ઘટના પટિયાલાની છે. જે કેસમાં હાલમાં સુપ્રીમ કોર્ટ દ્વારા ડૉક્ટરને 25 લાખ રૂપિયા પીડિત પરિવારને ચૂકવણી કરવાનો ઓર્ડર કર્યો છે. ઘટના 2004ની છે, જ્યારે 47 વર્ષીય મનજિત કૌર નામની મહિલાને પેટનો દુખાવો ઉપડ્યો. નિદાન થયું કે મહિલાને પથરી છે અને ગુરમિત સિંઘ નામના ડૉક્ટરે તેમને સર્જરી કરાવવાનું સૂચન કર્યું. ડૉક્ટર દ્વારા થોડા દિવસોમાં સર્જરી કરવામાં આવી. તે દરમિયાન પણ મહિલાને અન્ય કોમ્પલિકેશન થયા. ઓપરેશન પછી પણ મહિલાને પેટના દુખાવો મટ્યો નહીં. જ્યારે દરદીના શરીરમાંથી વહી રહેલા પ્રવાહીનો રંગ બદલાતો જણાયો ત્યારે પરિવારે ફરી ડૉક્ટરને ફરિયાદ કરી પણ ત્યારેય ડૉક્ટરનું રટણ એક જ રહ્યું કે આ પ્રકારની સર્જરીમાં આવું થાય છે.

અસમંજસ છતાં પરિવારે તે માની લીધું પણ બીજા દિવસે દરદીની તબિયત વધુ બગડી. છેલ્લે પરિવારે દરદીને લુધિયાણાની એક અન્ય હોસ્પિટલમાં શિફ્ટ કર્યા. લુધિયાણાના ડૉક્ટરને ડૉ. ગુરમિત સિંઘે મહિલા દરદીના રેકોર્ડ આપવાનો ઇનકાર કરી દીધો. તે પછી CT સ્કેનમાં ખ્યાલ આવ્યો કે સર્જરીમાં ડૉ. ગુરમિત સિંઘથી અનેક અવયવોને નુકસાન થયું છે અને અંતે દરદીનું એક મહિનામાં જ અવસાન થયું. આ પૂરો કેસ પહેલા રાજ્ય સ્તરે ચાલ્યો અને તે પછી સુપ્રીમ કોર્ટમાં ગયો. પંજાબની મેડિકલ કાઉન્સિલની એથિક્સ કમિટી દ્વારા જે રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો તેમાં ડૉ. ગુરમિત સિંઘ વિરુદ્ધ જે મુદ્દા નોંધવામાં આવ્યા હતા, તેમાં સાબિત થતું હતું કે ઓપરેશન દરમિયાન દરદીની સ્થિતિ વધુ વણસી હતી.

જો તે સ્થિતિમાં દરદી પર યોગ્ય ધ્યાન આપવામાં આવત તો તેને બચાવી શકાત. ઉપરાંત, પરિવારની અનેક ફરિયાદો છતાં ડૉક્ટરે દરદીની સ્થિતિ પર ધ્યાન આપવાનું ઉચિત ન માન્યું. સુપ્રીમ કોર્ટને એથિક્સ કમિટીની દલીલ વાજબી લાગી અને ડૉ. ગુરમિત સિંઘ પોતાના પક્ષે કોઈ દલીલ મૂકી ન શક્યા. અંતે ડૉક્ટરને પીડિત પરિવારને 25 લાખનું વળતર ચૂકવવાનો ઓર્ડર થયો. આ રીતે કર્ણાટક મેડિકલ કાઉન્સિલે હાલમાં બેંગ્લોરના એક ડૉક્ટરનું લાયસન્સ 6 મહિના માટે રદ કર્યું. આ ડૉક્ટરે એક દરદીની રિપ્લેસમેન્ટ સર્જરીમાં બેદરકારી દાખવી હતી.

રોજના આવા અસંખ્ય કેસ દેશભરમાં બને છે. તેમાં જૂજ જ પક્ષ ડૉક્ટર કે હોસ્પિટલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવે છે. ફરિયાદ થાય પછી વળતર મેળવનાર તો નજીવા છે. આવું થવાનું કારણ છે કે દરદીઓ તેમના અધિકાર પ્રત્યે જાગ્રત નથી. કોરોનાની મહામારીમાં તો આવા અસંખ્ય કેસ બન્યા, જેમાં ડૉક્ટરોએ લાખો રૂપિયા દરદીઓ પાસેથી ખંખેર્યા અને જે – તે વ્યક્તિ બચી ન શકી. એ દરમિયાન ડૉક્ટરો વિશેની ફરિયાદોય ખૂબ સંભળાતી પણ મહામારીના કારણે તે પૂરા સમયગાળામાં દરદીઓને કોઈ સલાહ ન મળી. દરદીઓ પોતાના અધિકારથી વાકેફ રહે અને સમયસર નિર્ણય લઈ શકે તે માટે ડૉ. મોહંમદ ખાદેર મિરન દેશવ્યાપી કામ કરી રહ્યા છે.

હાલમાં તેમનું એક પુસ્તક પણ પ્રકાશિત થયું છે જે એક્સક્લુઝિવલી દરદીઓના કાયદાકીય અધિકારની માહિતી આપે છે. ડૉ. મોહંમદ ખાદેર મિરન પોતે MBBS થયા છે. તેઓ દરદીઓના જાગ્રતિ માટે કેમ્પેઇન પણ ચલાવી રહ્યા છે. છેલ્લા ઘણા વખતથી આ રીતે મેડિકલ નેગલિજન્સીના કેસમાં ડો. મોહંમદ ન્યૂઝમાં ચમકતા રહ્યા છે. તેમના પુસ્તકનું નામ છે ‘પેશન્ટ્સ રાઇટ્સ ઇન ઇન્ડિયા.’ આ પુસ્તક લખવાની પ્રેરણા તેમને કોરોનાકાળ દરમિયાન થઈ, જ્યારે હોસ્પિટલ દરદીની સ્થિતિ શું છે તેની માહિતી ગુપ્ત રાખતા અને પરિવાર પાસેથી પૈસા વસૂલતા.

મહામારીમાં દરદીઓ બધી બાજુએથી ફસાયેલા હતા. એક તરફ બેડની કમી હતી તો બીજી તરફ કોઈ પણ હિસાબે દરદીને દાખલ કરવાની તાલાવેલી. દરદીના પરિવારની આ સ્થિતિનો લાભ કેટલાક ડૉક્ટરે સારો એવો લીધો. તે દરમિયાન ડૉ. મોહંમદને થયું કે દરદીઓના અધિકાર અર્થે એક પુસ્તક લખાવું જોઈએ. આ પુસ્તકમાં ખાસ તો એ પણ પ્રકરણ સમાવવામાં આવ્યું છે, જેમાં મોડર્ન મેડિસિન સાથે અન્ય વૈકલ્પિક દવાઓમાં પ્રેક્ટિસ કરતાં આયુર્વેદિક, નેચરપેથી, યુનાની, સિદ્ધ અને હોમિયોપેથી જેવાનો મૂળ ભેદ જાણી શકાય.

આજે પણ આ મામલે અતિશિક્ષિત લોકો પણ થાપ ખાઈ જાય તે રીતે ઇલાજ થાય છે. પુસ્તક લખતાં અગાઉ ડો. મોહંમદ અગાઉ પણ વ્યક્તિગત રીતે દરદીઓની મદદ કરતા હતા. કોરોના દરમિયાન તેમણે અનેક દરદીઓને યોગ્ય માહિતી પહોંચાડી પણ તેમને એમ લાગતું હતું કે આ રીતે તેઓ જૂજ લોકોની જ મદદ કરી શકશે. તેથી તેમણે પુસ્તક લખવાનું વિચાર્યું કારણ કે અનેક વખત ડૉ. મોહંમદે જોયું કે હોસ્પિટલમાં ડૉક્ટરો અને તેનું વ્યવસ્થાપન કરનારા પણ દરદીઓના અધિકારથી વાકેફ હોતા નથી. ડૉ. મોહંમદનું કહેવું છે કે આ પુસ્તક લખવું સરળ નહોતું.

તેમણે કાયદા, નિયમો અને અન્ય પૂર્વેના કેસ રિફર કરીને પુસ્તક લખ્યું છે પરંતુ તે આધારને કોઈ સીનિયર મેડિકલ એક્સપર્ટ જોઈ – તપાસી શકે તે માટે ખાસ્સી જહેમત ઉઠાવવી પડી. ડૉ. મોહંમદનું આ પુસ્તક મેડિકલ જગતની પોલ ખુલ્લી પાડી રહ્યું છે અને તેથી તેને પ્રમોટ કરવામાં પણ મુશ્કેલી થઈ રહી છે. ડૉ. મોહંમદે કેટલીક નાની બાબતો પણ તેમાં સમાવી છે. જેમ કે ડોક્ટરના જ ક્લિનિક પરના મેડિકલ સ્ટોરમાંથી મળતી દવાઓ વિશેનું પ્રકરણ. સામાન્ય રીતે ડૉક્ટર પહેલા જેનેરિક દવાઓ જ પ્રિસ્ક્રાઈબ કરતા હતા. આ દવાઓ ખૂબ સસ્તી મળતી પરંતુ હવે મહદંશે ડૉક્ટર પોતાના ક્લિનિક પરના મેડિકલ સ્ટોરની દવાઓ પ્રિસ્ક્રાઈબ કરે છે, જે જેનેરિક દવાઓ કરતાં મોંઘી હોય છે.

આ રીતે દરદીઓનું બજેટ વધતું જ જાય છે અને ત્યારે તેને સલાહ આપનારું કોઈ હોતું નથી. આવે વખતે તે મોંઘીદાટ દવાઓ પણ ખરીદવા મજબૂર થાય છે. એક ચેપ્ટરમાં લેખકે ડૉક્ટર સારવારનો જે ચાર્જ વસૂલે છે તે અંગે પ્રશ્ન કરવાના અધિકાર વિશે લખ્યું છે. હોસ્પિટલમાં અનેક એવા ચાર્જ છે જે વિશે અગાઉ દરદીને જણાવવામાં નથી આવતું. આ સંદર્ભે લેખકે વિસ્તારથી ખર્ચનો અંદાજ, વધારાનો ખર્ચ વિશે માહિતી પૂછવાના અધિકાર વિશે લખ્યું છે. આવી તો અસંખ્ય બાબતો છે જે વિશે આપણે અજાણ છીએ. સરકાર આ જાગ્રતતા માટે કોઈ જ પગલાં ઉપાડતી નથી. તેથી વ્યક્તિગત રીતે ડૉ. મોહંમદે આવો પ્રયાસ કર્યો છે. આ નાનકડો પ્રયાસ સામાન્ય લોકોને અનેક મોટાં જોખમોથી બચાવી શકે તેવો છે.

Most Popular

To Top