Comments

યુનિવર્સિટીઓમાં હંગામી ભરતીની મોસમ

ભગવાન રામ સાથે અનેક નાના-મોટા પ્રસંગો સંકળાયેલા છે, જે ઉદાહરણરૂપે આપવામાં આવે છે. જેમાંનો એક જાણીતો પ્રસંગ રામસેતુના નિર્માણ સમયનો છે. વાનરોની મદદથી નલ અને નીલ વાનર દરિયામાં સેતુ બાંધી રહ્યા હતા ત્યારે પથ્થર ઉપર ‘રામ’ નામ લખવાથી પથ્થરો પાણીમાં તરતા હતા. સેતુનું નિર્માણ ચાલતું હતું ત્યારે સ્વયમ્ ભગવાન રામ જે એક શિલા પર બેઠા હતા, તેમણે હાથમાં પથ્થર લીધો અને સમુદ્રમાં ફેંકયો! પણ આશ્ચર્ય. એ પથ્થર તો ડૂબી ગયો. શ્રી રામને આશ્ચર્ય થયું. ‘મારા નામ લખેલા પથ્થર તરે છે પણ મેં ફેંકયો એ પથ્થર જ ડૂબી ગયો!’ હનુમાનજીએ ભગવાન રામના સંશયનો જવાબ આપ્યો કે પ્રભુ કોઇક ડૂબાડે એને તમારું નામ તારે. પણ જેને રામ ડૂબાડે તેને કોણ તારે?

આ વાત આજે એટલા માટે યાદ આવી કારણ કે ખાનગી ક્ષેત્ર ફીકસ પગાર આપે, કોન્ટ્રાકટ પૂરતા જ માણસો રાખે, શોષણ કરે. આ બધું તો હજુય માની શકાય, પણ સરકારની ગ્રાન્ટેડ યુનિવર્સિટી, કોલેજ શાળાઓમાં જ અગિયાર મહિનાના કોન્ટ્રાકટ થાય! ફિકસ પગાર અપાય, રજાઓના કોઇ લાભ ન મળે તો વ્યકિત કોને ફરિયાદ કરે. ગુજરાતમાં ચૂંટણીનું વાતાવરણ જામવા લાગ્યું છે. સત્તાધારી ભાજપ માટે દોઢસો બેઠક સાથે જીતવાનું લક્ષ્ય મહત્ત્વનું છે. તો કોંગ્રેસ માટે આમ આદમી પાર્ટી સામે આબરૂ બચાવવાનું પ્રથમ લક્ષ્ય છે.

આ સંજોગોમાં ‘પ્રશ્નો ઉકેલવાની અને માંગણીઓ સંતોષાવાની મોસમ’ શરૂ થઇ છે. ખાસ કરીને શિક્ષણ એ રોજિંદા જીવનની પાયાની જરૂરિયાત છે અને મોટો રોજગાર પૂરો પાડે છે. સરકારે શિક્ષણમાં ખાસ તો ઉચ્ચ શિક્ષણમાં રીતસરનો ‘ભરતી મેળો’ શરૂ કર્યો છે. એક તો કોઇએ વડા પ્રધાન કાર્યાલયમાં ફરિયાદ કરી કે ગુજરાતની યુનિવર્સિટીઓમાં પણ દસ – બાર હજારના ફીકસ પગારથી કોન્ટ્રાકટ સિસ્ટમ દ્વારા અધ્યાપકો રાખવામાં આવે છે અને તેમની ફરિયાદ સાંભળનારું કોઇ જ નથી! એટલે વડા પ્રધાન કાર્યાલયમાંથી યુનિવર્સિટીઓને અધ્યાપકોની ખાલી જગ્યા ભરવા તથા યોગ્ય વેતન આપવા પત્ર લખવામાં આવ્યો તેવા સમાચાર છે.

પરિણામ એ છે યુનિવર્સિટીઓએ પોતાનાં ભવનોમાં ખાલી પડેલી શિક્ષકો, ટેકનીશિયનોની જગ્યાઓ ભરવાની જાહેરાત તાબડતોબ આપી દીધી છે. પણ આ તાત્કાલિક અગિયાર મહિનાના કરાર આધારિત અને ચાલીસ – પચાસ હજારના ફીકસ પગારની જગ્યા છે. આમ તો પંદરથી પચ્ચીસ હજારમાં કામ કરનારા યુવાનોને ચાલીસ પચાસ મળે તે સારી જ વાત છે પણ અત્યારે કાયમી જૂના અધ્યાપકોનો પગાર લાખથી બે લાખ રૂપિયા છે. જેની સામે વડાપ્રધાનશ્રીના કાર્યાલયની સૂચના પછી પણ હાલત ફીકસ ચાલીસ – પચાસની જ છે. અગિયાર મહિનાના કોન્ટ્રાકટ એ યુવાનીનું શોષણ છે. જીવનને અધ્ધરતાલ બનાવતી સિસ્ટમ છે. પચ્ચીસ વર્ષ અધ્યાપકની લાયકાત મેળવેલો યુવાન દસેક વર્ષ કોન્ટ્રાકટ સિસ્ટમમાં વેડફાઇ જાય પછી કોઇ જ કામનો નથી રહેવાનો.

એક તરફ યુનિ.માં કોન્ટ્રાકટ ભરતી બીજી બાજુ કોલેજોમાં છેલ્લાં આઠ-દસ વર્ષથી બંધ ભરતી પ્રક્રિયા અચાનક શરૂ કરી દીધી છે. વળી ચૂંટણીલક્ષી આ ભરતી મેળો 2019 માં જે જાહેરાત આપી અરજી મંગાવી હતી, તે ઉમેદવારો પૂરતો જ છે. એટલે 2019 ની જાહેરાત વખતે જે કવોલીફાઇડ ન હતા તે અથવા ડીગ્રી મેળવવાની બાકી હતી પણ પછી હવે તેઓ કવોલીફાઇડ છે. તેમને આ ભરતી પ્રક્રિયાથી બાકાત રખાયા છે. કારણ આખો ભરતીમેળો 2019 ની અરજી આધીન છે. નવા ઉમેદવારોને આ નવી ભરતીમાં કોઇ સ્થાન નથી. હા, તેમણે 2024 અને 2027 ની ચૂંટણી માટે રાહ જોવાની થશે!

વળી, 2019 ના આધારે અધ્યાપકોની ભરતી થવામાં થોડાક પ્રશ્નો છે, જે આવનારા સમયમાં શિક્ષણ વિભાગને સામનો કરવાનો થશે. માહિતી એ છે કે શિક્ષણવિભાગ અધ્યાપકોની ખાલી જગ્યા ભરવા માટે કોલેજો પાસેથી વર્ક લોડ મંગાવે છે. વિદ્યાર્થીસંખ્યા, અધ્યાપકોની ખાલી પડેલી જગ્યા વગેરેની ઝીણી વિગતો હોય છે. હવે આ બધી જ વિગતો 2019 ની છે અને 20 અને 21 માં કોરોનાના કારણે 100% પરિણામ, માસ પ્રમોશન, બારમામાં પણ પ્રમોશનને કારણે વિદ્યાર્થી સંખ્યા ખૂબ મોટી હતી. હવે આવનારા સમયમાં આ સંખ્યાઓ મોટા પ્રમાણમાં બદલાશે! સ્થિતિ એ છે કે અત્યારે જે જગ્યાઓ મંજૂર થઇ છે અને ભરતી પ્રક્રિયા થઇ રહી છે, તેમાં ઘણી કોલેજોમાં ખરેખર જગ્યાની જરૂર જ નથી! જ્યાં ભરતી થશે સામે ખૂબ બધી કોલેજોમાં સંખ્યા ખૂબ વધી ગઇ છે. જગ્યાની ખરેખર જરૂર છે! ત્યાં ભરતી નહીં થાય!

આપણે સૌ જાણીએ છીએ કે ગયા વર્ષે કોરોનાની બીજી લહેરમાં અનેક મૃત્યુ થયાં. જેમાં શાળા – કોલેજોના શિક્ષકો, અધ્યાપકો અને આચાર્યો પણ આપણે ગુમાવ્યા. આ નવા ભરતીમેળામાં આ ખાલી જગ્યા પૂરી શકાઇ હોત! પણ તે થયું નહીં. ખરેખર શિક્ષણ વિભાગને ભરતી કરવી જ હતી તો જૂની અરજીઓ માન્ય રાખીને. નવા યુવાનો પાસે પણ અરજી મંગાવી શકાઇ હોત! જૂની જગ્યાઓ એક કરીને નવા વર્ક લોડની જગ્યાઓ પણ મંજૂર થઇ શકી હોત! પણ આપણે ઉપર કહ્યું ને કે મૂળ લક્ષ્ય ‘પ્રશ્નો ઉકેલાઇ ગયા’, ‘માંગણીઓ સંતોષાઇ ગઇ’ – છે!

છેલ્લે એક વાત ઉચ્ચ શિક્ષણમાં કાયમી ધોરણે ઉપેક્ષિત રહેલા ખંડ સમયના વ્યાખ્યાતાઓની… વર્ષોની માંગણી બાદ તેમને કાયમી કરવાની પ્રક્રિયા તો શરૂ થઇ છે. પણ આ ખૂબ હેરાન થયેલા અધ્યાપકોને વીસ – પચ્ચીસ વર્ષ ખંડ સમયના અધ્યાપકની નોકરી કર્યા પછી ફરી પાંચ વર્ષ ફીકસ પગારમાં રાખવાની કયાં જરૂર હતી? સરકાર આટલી દયા રાખી શકી હોત! તેમને સીધા જ કાયમી ગણ્યા હોત તો વાંધો ન આવત! આમ પણ હવે એમને નોકરી દસ – બાર વર્ષ જ કરવા મળશે! એમાય પાંચ વર્ષ ફિકસ! માત્ર ચૂંટણીને લક્ષ્યમાં રાખીને નિર્ણયો થાય છે, તેના બદલે થોડી શિક્ષણની નિસ્બત સાથે કામ થાય તો આ ભરતીમેળા જ્ઞાનનું સવાર સર્જે!
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top