National

દિલ્હીમાં ભજનપુરા ચોક પર ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે દરગાહ અને મંદિર હટાવ્યા

નવી દિલ્હી: દિલ્હીના (Delhi) ભજનપુરામાં રવિવારે સવારે કડક સુરક્ષા વચ્ચે ગેરકાયદેસર મંદિર (Temple) અને ગેરકાયદે દરગાહને (Dargah) હટાવી દેવામાં આવી હતી. આ માટે મોટી સંખ્યામાં સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા હતા. આ દરમિયાન દરગાહને સૌથી પહેલા હટાવવામાં આવી હતી, જે ત્રણ દાયકાથી વધુ જૂની હોવાનું કહેવાય છે. દરગાહને હટાવ્યા બાદ મંદિરને હટાવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી અને કડક સુરક્ષા વચ્ચે મંદિરને હટાવી દેવામાં આવ્યું હતું. જ્યાંથી આ ગેરકાયદે બાંધકામ દૂર કરવામાં આવી રહ્યું છે તેને વજીરાબાદ રોડ તરીકે પણ ઓળખવામાં આવે છે.

મંદિર અને મસ્જિદ તોડવાની સમગ્ર પ્રક્રિયાનું ડ્રોનથી મોનિટરિંગ પણ કરવામાં આવ્યું હતું. પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટ (PWD) દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહી દરમિયાન માત્ર દિલ્હી પોલીસના જવાનો જ નહીં પરંતુ કેન્દ્રીય દળોની હાજરી પણ હતી. કોઈપણ અઈચ્છનીય ન ઘટે તેમજ જો થાય તો ઘટનાને પહોંચી વળવા માટે ડ્રોનથી દેખરેખ રાખવામાં આવી હતી. આ દરમિયાન પોલીસ માઈકથી લોકોને શાંતિ જાળવવાની અપીલ કરતી જોવા મળી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે જે ગેરકાયદેસર વાળી મસ્જિદને તોડવામાં આવી હતી તે મસ્જિદને અગાઉ પણ નોટિસ આપવામાં આવી હતી.

આજે વહેલી સવારે સુરક્ષા દળોના ભારે તૈનાત વચ્ચે જેસીબી દ્વારા ગેરકાયદે બાંધકામ તોડી પાડવામાં આવ્યું હતું. અહીં પીડબલ્યુડીનો ડબલ ડેકર ફ્લાયઓવર બનાવવામાં આવી રહ્યો છે, જેમાં મેટ્રો રૂટ ઉપર અને નીચે રોડ બનાવવામાં આવી રહ્યો છે.

એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે ગેરકાયદે બાંધકામો હટાવવાનું કામ ખૂબ જ શાંતિપૂર્ણ રીતે થઈ રહ્યું છે અને ભક્તો પોતે જ મૂર્તિઓ હટાવી રહ્યા છે. પોલીસે જણાવ્યું કે આ અંગે લોકોમાં ઘણી વખત ચર્ચા પણ કરવામાં આવી હતી અને ત્યારબાદ લોકોએ સમય માંગ્યો હતો અને આજે આ કાર્યવાહી કરવામાં આવી હતી.

દિલ્હીના કેબિનેટ મંત્રી આતિશીએ આ કાર્યવાહીને લઈને લેફ્ટનન્ટ ગવર્નર પર નિશાન સાધ્યું હતું. તેણે લખ્યું, ‘એલજી સર: મેં તમને થોડા દિવસો પહેલા પત્ર લખીને વિનંતી કરી હતી કે તમે દિલ્હીમાં મંદિરો અને અન્ય ધાર્મિક સ્થળોને તોડી પાડવાનો તમારો નિર્ણય પાછો લો. પરંતુ આજે ફરી તમારા આદેશ પર ભજનપુરામાં એક મંદિર તોડી પાડવામાં આવ્યું છે. હું તમને ફરીથી વિનંતી કરું છું કે દિલ્હીમાં મંદિરો અને અન્ય ધાર્મિક સ્થળોને તોડવામાં ન આવે. તેમની સાથે લોકોની આસ્થા જોડાયેલી છે’

Most Popular

To Top