Business

તાતા જુથ મર્જર કરીને લિસ્ટેડ કંપનીઓને અડધી કરશે, જ્યારે રિલાયન્સ ડિમર્જર કરશે

કોર્પોરેટ સેકટરમાં મર્જર અને ડિમર્જર કરવાની રમતો ચાલતી આવી છે. કેટલાક કોર્પોરેટ જુથ જુથ કંપનીઓમાં ડિમર્જર કરવાની ઘોષણા કરતી હોય છે. જેમાં અદાણી જુથની વાત કરીએ તો અદાણી જુથે અદાણી એન્ટરપ્રાઇઝમાંથી અનેક અદાણી ટોટલ ગેસ, અદાણી ગ્રીન સહિતની કંપનીઓને છૂટી પાડી છે અને હજુય આવનારા દિવસોમાં વધુ કંપનીઓને છૂટી કરવાનું વિચારી રહી છે. જેની સામે તાતા જુથની વાત કરીએ તો તાતા જુથ આવનારા દિવસોમાં મર્જર કરીને લિસ્ટેડ કપંનીઓની સંખ્યાને અડધી કરવાનું ધારે છે.

તાજેતરમાં કોર્પોરેટ રિસ્ટ્રકચરીંગ અને કોન્સોલીડેશન પ્લાન હેઠળ તાજેતરમાં જ તાતા જુથની તાતા સ્ટીલે ત્રણ લિસ્ટેડ કંપનીઓ સહિત સાત કંપનીઓના મર્જરની જાહેરાત કરી હતી. આ મર્જરને તાતા સ્ટીલના બોર્ડ દ્વારા મંજુરી આપવામાં આવી હતી અને લિસ્ટેડ કંપનીઓના રેશિયોની પણ જાહેરાત કરવામાં આવી છે. આ મર્જરના પગલે વાર્ષિક રૂ. 750થી 800 કરોડની બચત થશે તેવો અંદાજ મુકવામાં આવ્યો છે. બીજી તરફ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે તેના ફાઇનાન્સિયલ સર્વિસિસ બિઝનેસને ડિમર્જર કરવાની જાહેરાત કરી છે અને તેને એક અલગ એન્ટિટી બનાવી દીધી છે.

આ પછી, નાણાકીય સેવાઓ સાથે સંબંધિત વ્યવસાય સ્ટોક એક્સચેંજમાં સૂચિબદ્ધ કરવામાં આવ્યો છે. કંપનીનો ફાઇનાન્શિયલ સર્વિસિસ બિઝનેસ હાલમાં રિલાયન્સ સ્ટ્રેટેજિક ઇન્વેસ્ટમેન્ટના નામે ચાલી રહ્યો છે અને તેને ડિમર્જ કરીને જિયો ફાઇનાન્શિયલ સર્વિસિસના નામે એક અલગ એન્ટિટી તરીકે સ્થાપિત કરવામાં આવશે. આરઆઈએલ તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે શેર-સ્વેપ વ્યવસ્થા હેઠળ, તે ડિમર્જર હશે અને તેમાં કોઈ રોકડ સામેલ નહીં હોય. આરઆઈએલના શેરધારકોને દરેક શેર માટે જિયો ફાઇનાન્શિયલ સર્વિસીસનો એક શેર મળશે.

જિયો ફાઇનાન્શિયલ સર્વિસિસ ગ્રાહકો અને વેપારીઓને જરૂરી નિયમનકારી મૂડી પ્રદાન કરવા માટે પ્રવાહી સંપત્તિ હસ્તગત કરશે. પર્યાપ્ત મૂડીની ઉપલબ્ધતા ઓછામાં ઓછા આગામી ત્રણ વર્ષ માટે વીમા, ચુકવણી, ડિજિટલ બ્રોકિંગ અને એસેટ મેનેજમેન્ટ જેવી નાણાકીય સેવાઓ સાથે સંબંધિત વર્ટિકલ્સ વિકસાવવામાં મદદ કરશે. તાતા જુથની તાતા સ્ટીલે જે રીતે ત્રણ લિસ્ટેડ કંપનીઓ સહિત સાત કંપનીઓના મર્જર કરવાની જાહેરાત કરી છે, આ કામગીરીને તાતા જુથ ચાલુ રાખશે અને જુથની અન્ય કંપનીઓને તેના સેકટરની કંપનીઓ સાથે મર્જર કરશે અને તાતા જુથની કંપનીઓની સંખ્યાને અડધી કરવાનો લક્ષ્યાંક છે. તાતા જુથ કુલ કંપનીઓમાંથી 15 કંપનીઓ કરવાનું લક્ષ્યાંક ઇચ્છે છે. જેને નજીકના ભવિષ્યમાં પુર્ણ કરશે.

અત્યારે તાતા જુથની શેરબજારમાં લિસ્ટેડ 29 કંપનીઓ છે, જે લિસ્ટેડ કંપનીઓની સંખ્યાને ઘટાડીને 15 કરવા ઇચ્છે છે. લિસ્ટેડ કંપનીઓની સાથે અનલિસ્ટેડ કપંનીઓની ઉપર પણ ફોકસ કરાશે અને તેના પણ લિસ્ટેડ કંપનીઓમાં મર્જર કરવામાં આવશે. તાતા જુથ 29માંથી 15 કંપનીઓ કરવા માટે વિચારણા કરી રહી છે અને તાતા સ્ટીલ બાદ આ દિશામાં આગળ વધતી જોવા મળી રહી છે. આ યોજના દ્વારા તાતા જૂથ ગ્રોસ અને સ્કેલ ઉપર ફોકસ કરવા માગે છે. આ પગલાંઓને કારણે કેશ ફલોમાં પણ સુધારો થશે. તાતા જૂથની કુલ આવક 128 અબજ ડોલર જેટલી છે. માર્કેટ કેપ 255 અબજ ડોલર જેટલું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, તાતા જુથમાં 29 લિસ્ટેડ કંપનીઓ ઉપરાંત 60 જેટલી અનલિસ્ટેડ અને 100 કરતાં વધુ સબસીડીયરીઓ છે. અગાઉ માર્ચમાં તાતા કન્ઝયુમર પ્રોડકટસે તાતા કોફીના સમગ્ર બિઝનેસના મર્જરની જાહેરાત કરી હતી. આવી જ તરીતે 2018ની સાલમાં એરોસ્પેસ અને ડિફેન્સ સેકટરમાં વિવિધ બિઝનેસનું એક જ કંપની તાતા એરોસ્પેસ એન્ડ ડિફેન્સમાં કોન્સોલિડેશન કરવામાં આવ્યું હતું. વર્ષ 2017માં સીએમસીનું મર્જર તાતા કન્સલ્ટન્સીમાં કર્યુ હતું. હજુય ઓટોમોબાઇલ્સ, એરલાઇન્સ સેકટર તેમજ રિટેઇલ-ટેલીકોમ બિઝનેસના મર્જર કરવાની દિશામાં આગળ વધી શકે છે. ઓટોમોબાઇલ ક્ષેત્રમાં જુથની ત્રણ લિસ્ટેડ કંપનીઓ તાતા મોટર્સ, ઓટોમેટીવ સ્ટેમ્પીંગ્સ એન્ડ એસેમ્બલીઝ, ઓટોમોબાઇલ કોર્પોરેશન ઓફ ગોવા છે. તાતા ઓટીટોમ્પ સીસ્ટમ્સ અનલિસ્ટેડ કંપની છે. આ તમામ કંપનીઓનું તાતા મોટર્સમાં મર્જ કરાશે.

એરલાઇન્સ સેકટરમાં તાતા જુથની ત્રણ કંપનીઓ એર એશિયા ઇન્ડિયા, વિસ્તારા અને એર ઇન્ડિયા છે. આ કંપનીઓનું પણ કોન્સોલિડેશન કરવાનો પ્લાન છે. અત્રે ઉલ્લેખનીય છે કે, તાત જુથની વિસ્તારા એરલાઇન્સે દેશનું માન વધાર્યુ છે. જે દુનિયાની એરલાઇન્સની ગણતરીઓમાં તાતાની વિસ્તારા એરલાઇન્સે પોતાની જગ્યા બનાવવામાં સફળ થઇ છે. જેને વિસ્તારાને ટોપ 20ની જગ્યા સુનિશ્ચિત કરી છે. દુનિયાની ટોપ 20 સારી સર્વિસીસમાં એરલાઇન્સ કંપનીઓમાં વિસ્તારાનો સમાવેશ થયો છે. આ ઉપરાંત, રિટેઇલ અને ટેલિકોમ બિઝનેસની કંપનીઓનું પણ મર્જર કરવાનો પ્લાન છે. જેમાં પણ તાતા જુથની કંપનીઓને આવરી લેવામાં આવશે.

Most Popular

To Top