World

TAPI પાઇપલાઇન પ્રોજેક્ટ શું છે અને તાલિબાન માટે તે આટલો મહત્વનો કેમ છે?

તાલિબાને સતત કહ્યું છે કે તુર્કમેનિસ્તાન-અફઘાનિસ્તાન (Afghanistan)-પાકિસ્તાન (Pakistan)-ભારત (India) (TAPI) નેચરલ ગેસ પાઇપલાઇન (Gas pipeline) પ્રોજેક્ટ તેના માટે મહત્વનો છે. તાલિબાન (Taliban)ના પ્રવક્તા સુહેલ શાહીને પુનરાવર્તન કર્યું કે તાપીનો પ્રોજેક્ટ તાલિબાન માટે અત્યંત મહત્વનો છે. ચાલો જાણીએ કે તાપી પ્રોજેક્ટ શું છે અને તાલિબાન માટે કેટલું મહત્વ ધરાવે છે.

આ પાઇપલાઇન પ્રોજેક્ટ એશિયન ડેવલપમેન્ટ બેંક (ADB) ની મદદથી વિકસાવવામાં આવી રહ્યો છે. આ પાઇપલાઇન તુર્કમેનિસ્તાનના ગલકિનેશ ગેસ ફિલ્ડમાંથી અફઘાનિસ્તાન થઇને પાકિસ્તાન અને પછી ભારતમાં કુદરતી ગેસનું પરિવહન કરશે. 13 ડિસેમ્બરે તુર્કમેનિસ્તાનમાં પ્રોજેક્ટનું કામ શરૂ થયું. પ્રોજેક્ટની શરૂઆતની વાત કરવામાં આવે તો અફઘાનિસ્તાન બાજુ ફેબ્રુઆરી 2018 માં અને પાકિસ્તાન બાજુ ડિસેમ્બર 2018 માં કામ શરૂ થયું. અને હવે ભારત સુધી લઇ જવા માટે કામ ચાલી રહ્યું છે.

આ પાઇપલાઇન પ્રોજેક્ટનો પ્રારંભિક અંદાજિત ખર્ચ આશરે 56 હજાર કરોડ હતો, જે હવે વધીને 74 હજાર કરોડ થયો છે. 1814 કિમીની આ પાઇપલાઇન વાર્ષિક 33 અબજ ઘનમીટર કુદરતી ગેસની ક્ષમતા ધરાવે છે. તુર્કમેનિસ્તાનના ગલકિનેશ ગેસ ફિલ્ડથી શરૂ થયેલી આ પાઇપલાઇન અફઘાનિસ્તાનમાં કંદહાર-હેરત, પાકિસ્તાનમાં ક્વેટા-મુલ્તાન થઇને ભારતના ફાઝિલકા શહેરમાં પહોંચશે. જેથી આ તમામ દેશોને આર્થિક અને વેપારી માર્ગ મળી રહેશે.

તાલિબાન માટે TAPI શા માટે મહત્વપૂર્ણ છે?

તાલિબાને અફઘાનિસ્તાન પર કબજો કર્યો ત્યારથી TAPI પ્રોજેક્ટ અટવાયેલો છે. અહેવાલો સૂચવે છે કે આનાથી અફઘાન સરકારને કેટલાય કરોડનો ફાયદો થયો હોત. તાજેતરમાં તાલિબાનના પ્રતિનિધિમંડળે તુર્કમેનિસ્તાનની મુલાકાત લીધી હતી. આ મુલાકાત તુર્કમેનિસ્તાન સરકારને ખાતરી આપવાની હતી કે પાઇપલાઇન પ્રોજેક્ટ તાલિબાન શાસન દરમિયાન સલામત રહેશે, પરંતુ તે સાકાર થયું નથી. સુહેલ શાહીને તાજેતરમાં કહ્યું હતું કે અફઘાનિસ્તાન મધ્ય એશિયા અને દક્ષિણ એશિયા વચ્ચેનો સેતુ છે અને અમારી સરકાર આ પ્રદેશો વચ્ચે જોડાણ સક્ષમ કરવા માટે કામ કરશે. અમારું લક્ષ્ય અફઘાનિસ્તાનના લોકોને સમૃદ્ધ બનાવવાનું છે અને TAPI પ્રોજેક્ટ આ માટે કેન્દ્રમાં છે. 

તાલિબાન માટે, TAPI પાઇપલાઇન સુરક્ષિત કરવી એ અફઘાનિસ્તાનમાં સત્તા માટે તેમના અભિયાનનો મુખ્ય ભાગ રહ્યો છે. TAPI અફઘાનિસ્તાનને માત્ર ઉર્જા સંસાધનો જ નહીં, પણ ટ્રાન્ઝિટ ફીના રૂપમાં આવક પણ આપશે.

Most Popular

To Top