SURAT

વોટરપ્લસ સિટીનો એવોર્ડ જીતનારી સુરત મનપાએ વરાછામાં ટેન્કર તો ફાળવ્યા પણ ડ્રાઈવર નથી…

સુરત: એક બાજુ સુરત(Surat) મનપા(Minicipal Corporation) શહેરીજનોને પાણી(Water)ની શ્રેષ્ઠ સપ્લાયના દાવા સાથે વોટરપ્લસ સિટીનો એવોર્ડ જીતી લાવે છે, તો બીજી બાજુ પાણીની લાઇન ખોટવાય ત્યારે વૈકલ્પિક વ્યવસ્થામાં લોલમલોલ હોવાથી જે-તે વિસ્તારના લોકોને લાઇન રિપેર ના થાય ત્યાં સુધી વલખા મારવા પડે છે. જેની પ્રતીતિ મંગળવારે કતારગામ ઝોનમાંથી વરાછા ઝોન-બીમાં સમાવિષ્ટ ઉત્રાણની ઘણી સોસાયટીઓને થયો હતો. મંગળવારે આ વિસ્તારમાં અચાનક પાણીની લાઇન લીકેજ થતાં ઘણાં ઘરોમાં પાણી પુરવઠો વિતરણ થયો ન હતો. વળી, અહીં વીજળી પણ ગૂલ થઇ જતાં બોરિંગ હોય તે સોસાયટીઓને પણ પાણી મળી શક્યું ન હતું. અધૂરામાં પૂરું લોકોએ મનપા દ્વારા ચાર્જ વસૂલીને અપાતાં ટેન્કર માટે પુચ્છા કરાતા ઝોનના પાણી વિભાગ દ્વારા ટેન્કર છે પણ ડ્રાઇવર નથી તેવો જવાબ મળતાં લોકોમાં રોષની લાગણી જોવા મળી હતી.

  • નવા વરાછા ઝોન-બીમાં ટેન્કર તો ફાળવાયાં, પણ ડ્રાઇવર નહીં અપાતાં શોભાના ગાંઠિયાસમાન
  • મંગળવારે ઉત્રાણ વિસ્તારમાં પાણીની લાઇન લીકેજ થતાં પુરવઠો ખોટવાયો અને વીજળી ગૂલ થતાં બોરિંગ પણ બંધ રહેતાં ટેન્કરની માંગણી થઈ ત્યારે તંત્રની લાલિયાવાડી બહાર આવી

વિસ્તૃત વિગતો મુજબ વરાછા ઝોન-બીમાં નવો ઝોન બન્યા બાદ પાણીનાં બે ટેન્કર ફાળવવામાં આવ્યાં છે. પરંતુ ડ્રાઇવર નહીં હોવાથી આ ટેન્કરો શોભાના ગાંઠિયાસમાન બની ગયાં છે. આ ઝોનમાં ટેન્કરનું મહત્ત્વ એટલા માટે છે કે આ ઝોનમાં કઠોર, લસકાણા, પાસોદરા, ઓભલા વગેરે ગામોનો સમાવેશ થાય છે. જ્યાં મનપાનું પાણી નેટવર્ક નથી, ત્યાં માત્ર બે ટેન્કરની ફાળવણી પણ પૂરતી નથી તેમાં પણ ડ્રાઇવરના નહીં હોવાથી લોકોને કાળઝાળ ગરમી વચ્ચે પાણી માટે વલખાં મારવા પડી રહ્યાં છે.

માસમાં ચાર રિપોર્ટ કર્યા, છતાં ડ્રાઇવર ફાળવ્યા નથી : આસિસ્ટન્ટ ઇજનેર પાર્થ
વરાછા ઝોન-બીના પાણી વિભાગમાં ફરજ બજાવતા અને ટેન્કરની જવાબદારી જેના માથે છે તે આસિસ્ટન્ટ ઇજનેર પાર્થે જણાવ્યું હતું કે, અમારી પાસે ડ્રાઇવર નથી એટલે ટેન્કર મોકલી શકાતાં નથી તે હકીકત છે. મેં છ માસમાં ચાર વખત રિપોર્ટ કર્યો છે. છતાં ઉપરી અધિકારીઓએ ડ્રાઇવર ફાળવ્યા નથી. આ બાબતે સ્થાનિક નગરસેવકો પણ મારી સાથે છે. તમે પૂછી શકો છો.

Most Popular

To Top