Charchapatra

કલંકિત જનપ્રતિનિધિઓ

પ્રજાસત્તાક ભારતમાં વિશ્વની સૌથી મોટી લોકશાહી ગણાવાય છે. આઝાદીનું ગૌરવ વર્ણવાય છે. એકસો તેંતાળીસ કરોડની વસ્તીમાં બ્યાંસી કરોડ લોકો ભૂખે મરે છે અને સાધનસંપન્ન લોકો મોટે ભાગે ભ્રષ્ટાચારને પોષે છે. પોષણ અને શોષણ ચાલતાં રહે છે. ગણતંત્ર હોવાથી સ્થાનિક, પ્રાદેશિક અને કેન્દ્રીય ચૂંટણીઓ નિયત સમય અનુસાર થતી રહે છે અને તેમાંથી જનપ્રતિનિધિઓ ચૂંટાય છે. દુર્ભાગ્યે સમગ્ર ભારતમાં ચુમ્માળીસ ટકા ધારાસભ્યો અને 43 ટકા સાંસદો પર ક્રિમિનલ  કેસ ચાલતા હોવાના સમાચાર છે.

ચૂંટણીઓમાં ધનબળ, બાહુબળ, ધર્મ ભાવના જેવાં પરિબળો ખાસ ભાગ ભજવે છે. ચૂંટણી એફિડેવિટ્સ દ્વારા એ.ડી.આર.નું વિશ્લેષણ ચોંકાવનારું છે. કુલ એકસો ચૌદ ધારાસભ્યોની સામે મહિલાઓ સામેના અપરાધોને લગતા કેસ ચાલે છે. જેમાંથી ચૌદ ધારાસભ્યો સામે તો બળાત્કાર સંબંધિત કેસ ચાલે છે. એસોસીએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ- એ.ડી.આર. દ્વારા હાથ ધરવામાં આવેલા તાજેતરના વિશ્લેષણમાં આવો દાવો થયો છે. ફોજદારી-ક્રિમિનલ કેસમાં કલંકિત થયેલી વ્યક્તિઓ જનપ્રતિનિધિ બનવા ચૂંટણીમાં ઝંપલાવી શકે છે.

નેશનલ ઈલેકશન વોચ-એન.ઈ.ડબલ્યુ. પણ જનપ્રતિનિધિઓ સંદર્ભમાં નોંધ લે છે. સોગંદનામા તપાસે છે, તેમાંથી ડેટા કાઢવામાં આવે છે. અઠ્ઠાવીસ જેટલી વિધાનસભાઓ અને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં સેવા આપતી ચાર હજાર તેંત્રીસ વ્યક્તિઓમાંથી ચાર હજાર એક ધારાસભ્યો જ્યારે કલંકિત જણાય ત્યારે અફસોસ જ થાય. હત્યા કે હત્યાનો પ્રયાસ, અપહરણ જેવા કેસો પણ તેમની પર હોય છે. શાસક પક્ષ અને ચૂંટણીપંચ હિમ્મતપૂર્વક વર્તે તે જરૂરી છે. રાષ્ટ્રનાં વિકાસ, યશ અને ઉજ્જવળ ભવિષ્ય વિશે ચિંતિત રહેવું જોઈએ. તો જ છોંત્તેર વર્ષની આઝાદી અમૃતમયી લાગી શકે અને રાષ્ટ્રનું મસ્તક વિશ્વ સમક્ષ ઉન્નત થાય.
સુરત     – યુસુફ એમ. ગુજરાતી – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

નીચલી કોર્ટો કોના ઇશારે ન્યાય તોળે છે?
તાજેતરમાં સુપ્રીમ કોર્ટે કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધીને ‘મોદી અટક બદનક્ષી’ કેસમાં રાહત આપતાં તેમને થયેલી બે વર્ષની સજા પર સ્ટે મૂકી દીધો છે. સાથે સુપ્રીમ કોર્ટે નીચલી કોર્ટ માટે જે ટિપ્પણી કરી છે તે ખૂબ જ મહત્ત્વની અને સૂચક છે. રાહુલ ગાંધીને નીચલી કોર્ટો દ્વારા મહત્તમ સજા આપવામાં કેમ આવી? તેવી પૃચ્છા કરી સુપ્રીમ કોર્ટની બેંચે એવું જણાવ્યું કે રાહુલ ગાંધીને નીચલી કોર્ટો દ્વારા 1 વર્ષ અને 11 માસની સજા આપી હોત તો રાહુલ ગાંધી સાંસદ રહી શકયા હોત. સુપ્રીમ કોર્ટે એવું  પણ જણાવ્યું કે ટ્રાયલ કોર્ટે આપેલા ચુકાદાની અસર વ્યાપક છે.

આનાથી માત્ર રાહુલ ગાંધીના જાહેરજીવનમાં ચાલુ રહેવાના અધિકારને જ નહીં બલ્કે તેમને ચૂંટવાના મતદારોના અધિકાર પર પણ અસર પડી છે. મહત્તમ સજા આપવાનું કોઇ કારણ ટ્રાયલ જજે આપ્યું નથી. જેને કારણે અંતિમ ચુકાદો આવે ત્યાં સુધી ટ્રાયલ કોર્ટના આદેશ પર રોક લગાવવાની જરૂર છે. આ મામલો કોઇ એક વ્યકિતનો નથી. પરંતુ સમગ્ર સંસદીય મત વિસ્તારનો છે. મતદારોને તેમના પ્રતિનિધિત્વથી વંચિત કેવી રીતે રાખી શકાય?
પાલનપુર          – મહેશ વી. વ્યાસ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top