Dakshin Gujarat

સુરતના જીએસટી અધિકારીની લાશ દમણના દરિયા કિનારે મળતા ચકચાર

સુરત(Surat) : સુરત સેન્ટ્રલ જીએસટી (CGST) વિભાગના એક સુપરિટેન્ડેન્ટના મોતથી (Supretendent Death) વિભાગમાં ખળભળાટ મચી ગયો છે. આ સુપરિટેન્ડેન્ટનો મૃતદેહ દમણમાં (Daman) દરિયા કિનારેથી મળ્યો હોવાથી વિભાગમાં હલચલ મચી ગઈ છે. સુપરિટેન્ડેન્ટના મોતનું કારણ હજુ જાણી શકાયું નથી.

સુરતના સેન્ટ્રલ જીએસટી વિભાગમાં ફરજ બજાવતા સુપરિટેન્ડેન્ટનું રવિવારે દમણના દરિયામાં રહસ્યમયી સંજોગોમાં મોત થતાં ચકચાર મચી ગઈ છે. આ સુપરિટેન્ડેન્ટ દમણ શું કામ ગયા હતા?, દરિયામાં ડુબી જવાથી તેમનું મૃત્યુ થયું છે કે પછી બીજું કોઈ કારણ છે તે અંગે વિભાગમાં તરેહ તરેહની ચર્ચા ઉઠી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના સેન્ટ્રલ જીએસટી કમિશનરેટમાં ફરજ બજાવતા સુપરિટેન્ડેન્ટ શ્રીનિવાસનું દમણના દરિયામાં ડૂબી જવાના લીધે મોત થયું છે. તેઓ સુરત કમિશનરેટમાં રિક્વરી ડિપાર્ટમેન્ટમાં સુપરિટેન્ડેન્ટ તરીકે ફરજ બજાવતા હતા. શ્રીનિવાસનનું મૃત્યુ ડુબી જવાથી થયું કે અન્ય કોઈ કારણ છે તે હજુ સ્પષ્ટ નથી. તેમના મૃત્યુના સમાચાર સીજીએસટી સુરતમાં ચર્ચાનો વિષય બન્યા છે.

સૂત્રો અનુસાર આ ઘટના બે દિવસ પહેલાંની છે. શ્રીનિવાસનો મૃતદેહ દમણના દરિયા કિનારેથી મળી આવ્યો હતો. શ્રીનિવાસ સુરતમાં નોકરી કરતા હતા તે દમણ કેમ ગયા હતા તે પ્રશ્ન ઉઠ્યો છે. દમણમાં તેમની સાથે કોણ હતું?, શું ડિપાર્ટમેન્ટના કોઈ અધિકારીઓ હતા? તે હજુ સ્પષ્ટ નથી. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. શ્રીનિવાસના મોતને લઈ વિભાગીય વર્તુળોમાં અનેક ચર્ચા ચાલી રહી છે.

નોંધનીય છે કે હજુ થોડા સમય પહેલાં જ સુરત કમિશનરેટમાં મોટા પાયે બદલીના ઓર્ડર થયા હતા. ઘણા અધિકારીઓના ઓર્ડરના લીધે મન ખાટા થયા હતા. ઈચ્છા વિરુદ્ધના પોસ્ટિંગ મળતા અનેક અધિકારીઓ નારાજ થયા હતા.

Most Popular

To Top