SURAT

સુરતના આપના કોર્પોરેટર જિતુ કાછડીયાનું ઘર આગમાં હોમાયું, નાનો પુત્ર પણ મૃત્યુ પામ્યો

સુરત(Surat): સુરત શહેર આમ આદમી પાર્ટીના (AAP) કોર્પોરેટર (Corporator) જિતેન્દ્ર કાછડીયાના (JitendraKachadia) મોટા વરાછા વિસ્તાર ખાતે આવેલા બંગલામાં મોડી રાત્રે આગ (Fire) લાગી હતી. આ દુર્ઘટનામાં કોર્પોરેટરના 17 વર્ષના પુત્રનું મોત નિપજ્યું હતું. પરિવારના અન્ય 6 સભ્યોએ બાજુના ઘરમાં કૂદકો મારી પોતાનો જીવ બચાવી લીધો હતો.

મળતી માહિતી અનુસાર સુરત મનપા વિપક્ષ આપના કોર્પોરેટર જિતેન્દ્ર કાછડીયા મોટા વરાછા ખાતે આવેલી આનંદધારા સોસાયટીમાં સંયુક્ત પરિવારમાં રહે છે. અહીં તેમનો ગ્રાઉન્ડ પ્લસ બે માળનો બંગલો છે. જિતુ કાછડીયાને પરિવારમાં બે દીકરા છે. મોટા દીકરાનો અભ્યાસ પૂર્ણ થયો છે. તે બિઝનેસ કરે છે, જ્યારે નાનો દીકરો 17 વર્ષીય પ્રિન્સ ધો. 12માં અભ્યાસ કરતો હતો. આવતા અઠવાડિયાથી તેની પરિક્ષા હોય તે તૈયારી કરી રહ્યો હતો.

ગ્રાઉન્ડ પ્લસ બે માળના મકાનમાં પહેલા માળે કોઈ સૂતું નહોતું. પરિવાર બીજા માળે સૂતો હતો. દરમિયાન ગુરુવારે રાત્રે 2 વાગ્યાના અરસામાં પહેલાં માળે અચાનક આગ ફાટી નીકળી હતી. જોતજોતામાં આગ વકરીને ભીષણ રૂપમાં આવી ગઈ હતી. ધુમાડો આખાય ઘરમાં પ્રસર્યો હતો.

ગૂંગળામણ અનુભવતા પરિવારના સભ્યો જાગી ગયા હતા. એક બેડરૂમમાં પ્રિન્સ અને મોટો ભાઈ સૂતો હતો. કાકાએ જગાડી બહાર નીકળવા કહ્યું હતું. પરિવારના સભ્યો બીજા માળે હતા, જયારે આગ પહેલાં માળે લાગી હતી. તેથી નીચે જઈ શકાય તેમ નહોતું. આથી ધાબા પર જઈ બાજુના મકાનમાં કૂદકો મારી બધાએ પોતાનો જીવ બચાવ્યો હતો. દરમિયાન પ્રિન્સ ધૂમાડાના લીધે બહાર નીકળી શક્યો નહોતો અને ત્યાં જ ફસાઈ ગયો હતો. આગમાં દાઝી જવાના લીધે તેને ગંભીર ઈજા થઈ હતી.

દરમિયાન કોઈકે ફાયર અને પોલીસને જાણ કરી હતી. ફાયરનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. પાણીનો મારો ચલાવી આગ ઓલવી હતી.

આગ ઓલવાયા બાદ તપાસ કરતા બીજા માળેથી પ્રિન્સ ગંભીર દાઝેલી હાલતમાં મળી આવ્યો હતો. તેને સારવાર માટે તાત્કાલિક સ્મીમેર ખસેડાયો હતો, જ્યાં તેને તબીબોએ મૃત જાહેર કર્યો હતો. નાના દીકરાનું મોત થતાં પરિવાર શોકમાં ગરક થઈ ગયો હતો.

Most Popular

To Top