SURAT

ફરિયાદમાં બે તોલાનો ભાવ આટલો લખી સુરત પોલીસે સોનાનો ભાવ રાતોરાત વધારી દીધો!

સુરત (Surat) : ઉમરા (Umra) ગામમાં રહેતા ઉદ્યોગકારના ઘરમાંથી તસ્કર (Thief) સોના-ચાંદીના ઘરેણાં (Jewelry) સહિત 6.61 લાખ રૂપિયાની ચોરી કરી નાસી ગયો છે. ખાસ વાત એ છે કે ઉમરા પોલીસે એફઆઈઆરમાં (FIR) સોનાનો વર્તમાન ભાવ કરતા બહુ વધુ કિંમત લખી છે. સામાન્ય રીતે પોલીસ ચોરીની ફરિયાદ લખે ત્યારે સોનાનો ભાવ તેના વર્તમાન ભાવ કરતા બહુ ઓછી કિંમત (Price) લખતી હોય છે.

  • ગુરૂવારે સોનાનો ભાવ બજારમાં એક તોલાનો 50 હજાર નોંધાયો હોવા છતાં પણ બે તોલાનો ભાવ 1.25 લાખ લખ્યો
  • ઉમરામાં લેસર મશીન બનાવતા ઉદ્યોગકારના ઘરમાંથી ઘરેણાં સહિત 6.61 લાખ રૂપિયાની ચોરી થતાં એફઆઈઆર નોંધાઈ હતી
  • સામાન્ય રીતે પોલીસ દ્વારા ચોરીના સોનાનો ભાવ વર્તમાન ભાવ કરતાં ઓછો લખવામાં આવે છે પરંતુ ઉમરા પોલીસ વરસી પડી

ઉમરા પોલીસ સ્ટેશનમાંથી મળતી માહિતી અનુસાર ઉમરા ગામમાં રઘુવીર સોસાયટીમાં રહેતા કૃણાલ ધિરજકુમાર વસોયા કતારગામમાં લેસર મશીન બનાવી વેચવાનું કામ કરે છે. તેઓ 26 તારીખે રાત્રે બંગલામાં પહેલા માળે સુતેલા હતા. સવારે ઉઠીને આવ્યા ત્યારે તેમની દાદીના બેડરૂમનો દરવાજો ખુલ્લો હતો. તેમાં સામાન વેરવિખેર પડેલો હતો. તસ્કરે કબાટમાંથી હીરા જડિત બુટ્ટી કિંમત 50 હજાર, 20 ગ્રામ સોનાની ચાર બંગડી કિંમત 1.25 લાખ રૂપિયા,રોકડા 15 હજાર રૂપિયા, તેમજ ચાંદિના વાસણો, સીપીયું મળીને કુલ 6.61 લાખ રૂપિયાની ચોરી કરીને નાસી ગયો હતો. સીસી કેમેરમાં એક ચોર ચોરી કરતા દેખાય છે. કૃણાલ વસોયાએ ઉમરા પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદમાં 20 ગ્રામ સોનાની બંગડીઓની કિંમત 1.25 લાખ રૂપિયા લખી છે. જે વર્તમાન ભાવ કરતા બહુ વધારે છે. સામાન્ય રીતે બજાર કિંમત કરતા પોલીસ વિભાગ કિંમત ઓછી લખતું હોય છે પરંતુ આ પહેલીવાર જોવા મળ્યું કે સુરતની ઉમરા પોલીસે બજાર કિંમત કરતા સોનાનો ભાવ વધારે લખ્યો. પોલીસે આવું કેમ કર્યું તે તો તેઓ જ કહી શકે.

Most Popular

To Top