SURAT

ત્રિ-દિવસીય જ્ઞાન મહાકુંભ ‘ભારત@2047’નો નર્મદ યુનિ. ખાતે પ્રારંભ

સુરત: ‘આઝાદી કા અમૃત’ મહોત્સવની ઉજવણીના ભાગરૂપે ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીના હસ્તે સુરત લિટરરી ફાઉન્ડેશન દ્વારા વીર નર્મદ યુનિવર્સિટી (VNSGU) ખાતે આયોજિત ત્રિ-દિવસીય જ્ઞાન મહાકુંભ ‘ભારત@૨૦૪૭’નો પ્રારંભ થયો હતો. ત્રિ-દિવસીય સંવાદ કાર્યક્રમમાં ૧૧ સત્રો અને ૩૩ વક્તાઓ દ્વારા વિદેશનીતિ, શિક્ષા, મહિલા, ગુડ ગવર્નન્સ, પત્રકારિત્વતા, અર્થતંત્ર, ફિલ્મ, ધર્મ, ન્યાય જેવા અનેક વિષયો પર પરિસંવાદ યોજાશે. જેમાં ભવિષ્યના ભારત પર તજજ્ઞો દ્વારા વિદેશ નીતિ, સિનેમા, વિઝ્યુઅલ મીડિયા, સ્ત્રી સશક્તિકરણ, સુશાસન, વિજ્ઞાન અને ટેકનોલોજી, અર્થશાસ્ત્ર, ધર્મ અને રાજનીતિ, નવી શિક્ષણ નીતિ જેવા ૧૧ જેટલા મહત્વપૂર્ણ વિષયો પર ગહન વિચારો રજૂ કરશે.

આ પ્રસંગે ગૃહરાજ્ય મંત્રીએ જણાવ્યું કે, આજ સુધી ડાયમંડ, ટેક્ષટાઈલ અને બ્રિજ સિટી તરીકે જાણીતું સુરત હવે સેકન્ડ ક્લીનેસ્ટ સિટી તરીકે પણ ઓળખાય છે. સુરત વિશ્વસ્તરીય વિકાસ અને સુવિધાથી ૨૦૪૭ના આદર્શ ભારતમાં આગવી ભાત પાડશે. આવનારા વર્ષોમાં સરકાર અને પ્રજાજનો સાથે મળીને બીજા અનેક ક્ષેત્રે સુરતને શ્રેષ્ઠ બનાવી ૨૦૪૭નાં આદર્શ રાષ્ટ્ર નિર્માણમાં સહભાગી બનવાનું આહ્વાન કર્યું હતું. સ્વામિનારાયણ ગુરૂકુળના સ્વામી માધવપ્રિયદાસજીએ નવી શિક્ષણનીતિ પર ભાર મૂકતા જણાવ્યું કે, આદર્શ રાષ્ટ્ર નિર્માણ માટેની નવી શિક્ષણનીતિમાં આઈ.ક્યુની સાથે સંવેદના અને આધ્યાત્મિક જ્ઞાન પણ અતિઆવશ્યક છે. ભારતીય વેદો-પુરાણોમાં પણ સર્વગ્રાહી અને સંવેદનશીલ શિક્ષણને પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું.

આવનારા ૨૫ વર્ષના અમૃત કાળમાં આદર્શ રાષ્ટ્રની વડાપ્રધાનની સંકલ્પનાને ટેકો આપવા એક રોડમેપ તૈયાર કરવાના આશય સાથે ભારતભરના તજજ્ઞો, વક્તાઓ આ જ્ઞાન કુંભમાં ભાગ લેશે. જેમાં આઝાદીના શતાબ્દી વર્ષ-૨૦૪૭ માં સમગ્ર દુનિયામાં ભારતની આગવી છબી તૈયાર કરવા વિવિધ ક્ષેત્રે જરૂરી બદલાવો અંગે ગહન વિચારોનું આદાન પ્રદાન કરવામાં આવશે. આ કાર્યક્રમમાં યુનિવર્સિટીના કુલપતિ ડૉ.કિશોરસિંહ ચાવડા, અર્શ વિદ્યામંદિરના સ્થાપક સ્વામી પરમાત્માનંદ સરસ્વતીજી, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સદસ્ય યશવંત ચૌધરી, ઓ.એન.જી.સીના એકઝીકયુટીવ ડાયરેક્ટર ચંદ્રશેખર, સેનેટ-સિન્ડીકેટનાં સભ્યો, સુરત લિટરરી ફાઉન્ડેશનના સભ્યો, વિદ્યાર્થીઓ અને શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.

Most Popular

To Top