SURAT

વરાછામાં રત્નકલાકારની પત્નીએ હાથની નસ કાપ્યા બાદ ફાંસો ખાઈ લીધો

સુરત (Surat) : વરાછામાં માનસિક બિમારીથી (Mental) પિડાતી મહિલાએ હાથની નસ કાપ્યા બાદ ફાંસો ખાઇ આપઘાત કરી (Suicide) લીધો હતો. તેણીને થાઇરોઇડની (Thyroid) પણ બિમારી હોવાનું વધુમાં જાણવા મળ્યું છે. સ્મીમેર હોસ્પિટલ સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર મૂળ અમરેલીના સાવરકુંડલા તાલુકાના ભુવા ગામના વતની અને હાલ વરાછા લક્ષ્મણનગર સોસાયટીમાં રહેતા દિનેશભાઈ ભાલાળા રત્નકલાકારનું કામ કરે છે. તેમની પત્ની ગીતાબેન (ઉ.વ.47)એ ગઇકાલે બપોરે ઘરે ચપ્પુ વડે જમણા હાથની નસ કાપી નાંખી હતી. ત્યારબાદ છતના હુંક સાથે દોરી બાંધી ફાંસો ખાઇ લીધો હતો. બનાવ અંગે પોલીસે જણાવ્યું હતું કે, ગીતાબેન છેલ્લા દોઢ વર્ષથી માનસિક બિમારીથી પીડાઈ રહ્યા હતા. ઉપરાંત થાઇરોઈડની બિમારી પણ તેને ઘર કરી ગઈ હતી. અંતે તેને આ બિમારીના કારણે કંટાળી જઈ આ પગલું ભરી લીધું હતું.

પાંડેસરામાં પરિણીતાનો ફાંસો ખાઈ આપઘાત
સુરત: પાંડેસરામાં રહેતી પરિણીતાએ ફાંસો ખાઇ મોત વ્હાલું કરી લીધું હતું. પરિણીતાએ અગાઉ પણ વતન ઓરિસ્સા ખાતે આપઘાતનો પ્રયાસ કર્યો હતો. નવી સિવિલ હોસ્પિટલ સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર મૂળ ઓરિસ્સા ગંજામના વતની અને હાલ પાંડેસરા ગુજરાત હાઉસિંગ બોર્ડ ખાતે રહેતો સંજયકુમાર નાહક લુમ્સ ખાતામાં કામ કરે છે. તેની પત્ની અંકિતા (ઉ.વ.20)એ શનિવારે બપોરે પોતાના ઘરે પતરાનાં એંગલ સાથે દોરી બાંધી ફાંસો ખાઈ લીધો હતો. બનાવ અંગે પોલીસે જણાવ્યું હતું કે, અંકિતા વતનમાં હતી ત્યારે પણ તેણીએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ગુસ્સાવાળા સ્વભાવની અંકિતાએ ક્યા કારણોસર પગલું ભર્યું તે જાણી શકાયું નથી.

અમરોલીમાં પતિએ ઘરેણા લેવાની ના કહેતા પત્નીનો આપઘાત
સુરત : ઉત્રાણ ખાતે રહેતી 30 વર્ષિય પરિણીતાને ઘરેણા લેવા હોય પતિએ થોડા સમય બાદ ઘરેણા લેવાનું જણાવતા માઠું લાગી આવતા અંતિમ પગલું ભરી લીધું હતું. સ્મીમેર હોસ્પિટલ સુત્રો પાસેથી મળતી વિગતો અનુસાર અમરોલી ઉત્રાણ ખાતે સુમન સાર્થક એપાર્ટમેન્ટમાં રહેતા અને મુળ અમરેલી સાવરકુંડલા તાલુકાના રામગઢના વતની મહેન્દ્રભાઈ બસિયા હિરા મજુરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. દરમિયાન તેમની પત્ની મીનાબેન (ઉ.વ.30) ગત 2 જુલાઇના રોજ પોતાના ઘરે પંખા સાથે દુપટ્ટો બાંધી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જોકે પરિવારજનોને જાણ થઇ જતા મીનાબેનને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઇ ગયા હતા. જ્યાં 8 દિવસની સારવાર બાદ આજે બપોરે તેમનું મોત નિપજ્યું હતું.

Most Popular

To Top