Dakshin Gujarat

VIDEO: વલસાડમાં પૂરના પાણીથી બચવા યુવકો મકાનની છત પર ચઢી ગયા, એરલિફ્ટ કરાયા

વલસાડ : વલસાડ (Valsad) જિલ્લાના ધરમપુર (Dharmapur) અને કપરાડા (Kaprada) તાલુકામાં થયેલા ભારે વરસાદને (Rain) પગલે પૂરની (Flood) સ્થિતી સર્જાઇ છે. ઉપરવાસના વરસાદના કારણે વલસાડની ઔરંગા નદી છલકાતા અનેક ગામોમાં પૂરનું પાણી ફરી વળ્યું છે. ઔરંગા નદી કિનારે આવેલું ભાગડાખુદ ગામ સંપર્કવિહોણું થયું છે. જ્યારે હિંગરાજ અને ભળેલી વિસ્તારમાં 2000 લોકો પૂરના પાણીમાં ફસાયા છે. NDRFની ટીમ દ્વારા સતત બીજા દિવસે પણ રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું છે. આ સાથે જ ભાગડાખુદમાં 3 હજાર લોકો ફસાયા હોવાની માહિતી મળી રહી છે. આ સિવાય બરૂડિયાવાડ વિસ્તારમાં ત્રણ ફૂટ પાણી ભરાતા તંત્ર દ્વારા લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવી રહ્યું છે. તેમજ પૂરના પાણીમાં ફસાયેલા લોકોને હેલિકોપ્ટરની મદદથી રેસ્ક્યુ કરવામાં આવી રહ્યા છે. જેમાં 9 મહિલાઓ અને 10 જેટલા પુરુષોનું NDRF ની ટીમે અલગ અલગ વિસ્તારોમાંથી રેસ્ક્યુ કર્યા છે. વલસાડ શહેરના શહિદ ચોક ખાતેથી NDRF ની ટીમે ચાર બાળકો, ચાર મહિલાઓ અને બે પુરુષો મળી કુલ 10 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે . જિલ્લામાં હજું પણ ધોધમાર વરસાદને લઇને પરિસ્થિતિ વણસી રહી છે . દરમિયાન ધરમપુર તાલુકાના અંતરિયાળ બોપી ગામે ટ્રેકટર રિપેર કરવા જઈ રહેલા કારીગરોની ઇકો કાર ચેકડેમ કોઝવે પરથી પાણીના વહેણ માં તણાઈ ગયા. 3 લાપત્તા છે.

અનેક વિસ્તારોમાં પાણી ભરાતાં તંત્ર દ્વારા લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે. નીચાણવાળા વિસ્તારમાં પાણી ઘૂસી જતા 360 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતુ. તો બીજી તરફ ભારે વરસાદને કારણે વલસાડના બંને બ્રિજ પાણીમાં ડૂબ્યા છે, જ્યારે અંડરબ્રિજમાં કમર સમા પાણી ભરાયું છે. પૂરની આ પરિસ્થિતિમાં જિલ્લા વહીવટી તંત્રએ તુરંત એક્શનમાં આવી નગર પાલિકાની 6 ટીમ અને NDRFની 1 ટીમ નીચાણવાળા વિસ્તારોમાં સતત બચાવ કામગીરી કરી રહી છે. ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદને પગલે મધુબન ડેમમાંથી તબક્કાવાર 2 લાખ ક્યુસેક પાણી છોડવાનું કાર્ય શરૂ કરવામાં આવ્યું છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર દક્ષિણ ગુજરાતના ડાંગ, નવસારી, વલસાડ ભારે વરસાદ ખાબક્યો છે. ઉપરવાસ વરસાદની સાથે સાથે દરિયામાં ભરતી આવવાના કારણે નદીમાં પાણીની આવક વધી ગઈ હતી. જેના કારણે અનેક વિસ્તારોમાં નદીના પાણી ઘૂસી ગયા હતા. જિલ્લાના ઘરમપુર અને કપરાડામાં ગતરાત્રે થયેલા ભારે વરસાદના કારણે ઔરંગા નદીમાં આવેલા પૂરથી વલસાડ શહેરના નદી કિનારે બરૂડિયાવાડ, કાશ્મીર નગર, લીલાપોર, તરિયાવાડ, મોગરાવાડી, છતરિયા જેવા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. સાવચેતીના પગલારૂપે વહીવટીતંત્ર દ્વારા NDRFની સહાયથી આશરે ૩૫૦ જેટલા લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરાવાયું હતું.

વલસાડ નગરપાલિકા દ્વારા 6 ટીમ બનાવી પાલિકા વિસ્તારના જુદા જુદા સ્થળ પર સ્થળાંતરની કામગીરી કરવામાં આવી હતી. કાશ્મીર નગર વિસ્તારના આશરે 225 લોકોનું વલસાડ પારડી ગુજરાતી સ્કુલ ખાતે, તરિયાવાડ વિસ્તારના આશરે 60 લોકોનું સ્થળાંતર બેજાન બાગ ખાતે અને મોગરાવાડી છતરિયા વિસ્તારના આશરે 50 લોકોનું મોગરાવાડી ગુજરાતી સ્કુલમાં સ્થળાંતર કરવામાં આવ્યું હતું. વલસાડ પારડી પ્રાથમિક શાળા ખાતે સ્થાળાંતરિત કરેલા લોકોને આરોગ્ય સેવા તેમજ ફૂડ પેકેટની વ્યવસ્થા પણ તંત્ર દ્વારા કરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટર ક્ષિપ્રા આગ્રે અને જિલ્લા વિકાસ અધિકારી મનીષ ગુરવાનીએ પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ સ્થાળાંતરિત કરાયેલા લોકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે જરૂરી સુચનો કર્યા હતા. કલેક્ટરએ જણાવ્યું હતું કે, ઉપરવાસમાં થયેલા વરસાદને કારણે પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી અને દરિયામાં ભરતીને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા, જેને કારણે અસરગ્રસ્ત વિસ્તારના લોકોને સલામત સ્થળે ખસેડાયા છે. અસરગ્રસ્તોની ઘરવખરીને થયેલા નુકશાનનો સર્વે કરવા માટે ટીમ પણ મોકલવામાં આવશે.

Most Popular

To Top