SURAT

હજી તો ચોમાસુ બાકી છે અને ઉકાઈ ડેમને રૂલ લેવલ સુધી લઈ જવાનો તંત્રનો હઠાગ્રહ

સુરતઃ (Surat) દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમમાં (Ukai Dam) ચાલુ વર્ષે વરસાદના પ્રથમ સ્પેલમાં જ પાણીનો મોટો જથ્થો આવવાનું શરૂ થયું છે. ડેમમાં અત્યાર સુધી 1752.54 એમસીએમ પાણીની આવક થઈ ચૂકી છે. ઉકાઈ ડેમના સત્તાધિશોનો ડેમની સપાટી રૂલ લેવલ (Rule Level) સુધી લઈ જવાનો હઠાગ્રહ શહેરમાં વર્ષ 2006 ની યાદો તાજી ના કરે તો સારૂ તેવો ભય સુરતીઓને (Surties) અત્યારથી જ સતાવી રહ્યો છે.

  • ઉકાઈ ડેમની સપાટી 331 ફુટે પહોંચી, રૂલ લેવલ 333 ફુટ છે, જે હાલની સપાટીથી માત્ર ત્રણ ફુટ નીચે છે
  • ડેમમાં હાલ 1,13,142 લાખ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. છતાં ડેમમાંથી 12,102 ક્યુસેક પાણી જ છોડવામાં આવી રહ્યું છે

ઉકાઈ ડેમમાં સિઝનના પ્રથમ સ્પેલમાં જ પાણીનો મોટો જથ્થો આવવાની શરૂઆત થઈ છે. સામાન્ય રીતે ઓગસ્ટ મહિનાથી ઉકાઈ ડેમમાં પાણીની આવક થાય છે. પરંતુ આ વર્ષે ઉકાઈ ડેમમાં જુલાઈ મહિનાની શરૂઆતમાં જ પાણીની મોટી આવક થતા અત્યાર સુધીમાં ડેમમાં કુલ 1752.54 એમસીએમ પાણી આવ્યું છે. ડેમમાં હાલ 1,13,142 લાખ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. છતાં ડેમમાંથી 12,102 ક્યુસેક પાણી જ છોડવામાં આવી રહ્યું છે. ડેમનું રૂલ લેવલ હાલ 333 ફુટ છે. અને ઉકાઈ ડેમના સત્તાધિશો દ્વારા ડેમમાંથી પાણી રૂલ લેવલ ક્રોસ કરે પછી જ છોડવાનો હઠાગ્રહ કરવામાં આવી રહ્યો છે. હાલ ડેમની સ્થિતિ વોર્નિગ લેવલની નજીક પહોંચી ગઈ છે. 331 ફુટે ડેમ વોર્નિંગ લેવલે હોય છે. હવે ડેમ સિઝનની શરૂઆતમાં જ જો વોર્નિંગ લેવલે પહોંચી ગયો હોય તો ડેમમાંથી ધીમી ધારે પાણી છોડવું હિતાવહ છે કે કેમ તે અંગે તંત્ર બેધ્યાન લાગી રહ્યું છે. તંત્રનો કોન્ફિડન્સ સુરતીઓના માથે આફત નહીં લાવે તો સારૂ તેવી ભીંતી સેવાઇ રહી છે.

ડેમ રૂલ લેવલથી માંડ બે ફુટ નીચે
ઉકાઈ ડેમમાં હાલ 1,13,142 લાખ ક્યુસેક પાણીની આવક ચાલું છે. અને ડેમની સપાટી 331 ફુટ નોંધાઈ છે. આગામી ચોવીસ કલાકમાં સપાટીમાં હજી બે ફુટનો વધારો થવાની શક્યતા છે. એટલે ડેમ રૂલ લેવલની નજીક પહોંચી જશે. અને રૂલ લેવલની નજીક પહોંચ્યા પછી ન કરે નારાયણ હવામાન વિભાગની આગાહી મુજબ જો ઉપરવાસમાં વરસાદે તાંડવ કર્યો તો ડેમમાંથી સામટુ પાણી છોડવાની ફરજ પડી શકે છે. જે શહેરના માથે આફત લાવી શકે છે.

હથનુર ડેમમાંથી 53 હજાર ક્યુસેક પાણી છોડાઇ રહ્યું છે
ઉકાઈ ડેમના ઉપરવાસમાં તથા કેચમેન્ટ વિસ્તારમાં આવેલા ટેસ્કા, ગોપાલખેડા, દેડતલાઈ, દહીંગાવ અને સાગરખેડા, બુરહાનપુર અને યેરલીમાં અડધો ઇંચ તથા ચીખલધરામાં દોઢ ઇંચ વરસાદ નોંધાયો હતો. જોકે ચોવીસ કલાક પહેલા પડેલા વરસાદની અસર હજી સુધી હથનુર ડેમમાં જોવા મળી હતી. હથનુર ડેમમાંથી 36 ગેટ પુરેપુરા ખોલીને 53 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જે પાણી ઉકાઈ ડેમમાં આવતા તથા કેચમેન્ટ વિસ્તારમાં પડેલા વરસાદનું પાણી આવતા ઉકાઈ ડેમમાં સાંજે પાણીની આવક ચાલું રહી હતી. ઉલ્લેખનીય છે કે મોડી રાતે એક વાગે ઉકાઈ ડેમમાં 2.23 લાખ ક્યુસેક પાણીની આવક થઈ હતી.

Most Popular

To Top