SURAT

ઉપરવાસમાં વરસાદ વધતાં ઉકાઈ ડેમના અધિકારી દ્વારા સુરતના તંત્રને અપાઈ આવી સૂચના

સુરત(Surat): છેલ્લાં ત્રણેક દિવસથી સુરત શહેર સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં (South Gujarat) સાંજ પડતા જ ભારે પવન સાથે વરસાદના (Rain) ઝાપટાં પડી રહ્યાં છે. આવી જ સ્થિતિ ઉકાઈ ડેમના (Ukai Dam) ઉપરવાસમાં આવેલા કેચમેન્ટ એરિયાની (Catchment Area) પણ છે. કેચમેન્ટ એરિયામાં ભારે વરસાદ વરસી રહ્યો હોવાના લીધે છેલ્લાં 24 કલાકથી ઉકાઈ ડેમની સપાટીમાં ધીમી ગતિએ પરંતુ સતત ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે.

  • ભયજનક સપાટી 345 ફૂટથી ઉકાઈ ડેમ 5 ફૂટ દૂર
  • ઉપરવાસમાં સતત વરસાદને લીધે 24 કલાકમાં સપાટી વધી
  • ઉકાઈ ડેમના ફ્લડ સેલના અધિકારીએ સુરતને એલર્ટ રહેવા પત્ર મોકલ્યો
  • ઉકાઈ ડેમમાંથી 22 હજાર ક્યૂસેક પાણી છોડાયું
  • ઉપરવાસમાં વરસાદ વધશે તો 1 લાખ ક્યૂસેક પાણી છોડાશે

ઉકાઈ ડેમની ભયજનક સપાટી 345 ફૂટ છે અને હાલમાં ડેમની સપાટી 339.69 ફૂટ છે. જે માત્ર 5 ફૂટનો ઘટાડો દર્શાવે છે. વળી, ઉપરવાસના કેચમેન્ટ એરિયામાં વરસાદને લીધે ઉકાઈ ડેમમાં પાણીની આવક છેલ્લાં 24 કલાકમાં વધી છે. ગઈકાલે રવિવારે તા. 11મી સપ્ટેમ્બર 2022ના રોજ બપોરે 12 કલાકે ઉકાઈ ડેમની સપાટી 339.41 ફૂટ હતી, જે સોમવારે તા. 12 સપ્ટેમ્બર 2022ના રોજ બપોરે 11 કલાકે 339.69 ફૂટ પર પહોંચી છે. રવિવારે બપોરે 12 કલાકે ઉકાઈ ડેમમાંથી 7761 ક્યૂસેક પાણી તાપીમાં છોડવામાં આવી રહ્યું હતું, જે પાણીની આવક વધતા રવિવારે 11 હજાર ક્યૂસેકથી 15 હજાર ક્યૂસેક કરાયું હતું, પરંતુ ઉપરવાસમાં રાત્રિ દરમિયાન વરસાદ વરસતા ઉકાઈ ડેમમાં પાણીની આવક વધી હોય સોમવારે સવારથી ડેમમાંથી 22 હજાર ક્યૂસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.

હથનૂર ડેમમાંથી 85 હજાર ક્યૂસેક પાણીનો આઉટફલો
ઉકાઈના ઉપરવાસમાં જોરદાર વરસાદ પડતા મહારાષ્ટ્રની હદમાં આવેલા હથનૂર ડેમમાંથી આજે સવારે 10 કલાકે 85 હજાર ક્યૂસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવતા ઉકાઈ ડેમની જળસપાટીમાં વધારો થયો છે. દરમિયાન સુરત શહેર અને જિલ્લામાં 16મી સુધી ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. સુરતની તાપી નદી પર આવેલા કોઝવેની સપાટી પણ વધી છે. કોઝવે પર હાલ 6.26 મીટર સપાટી નોંધાઈ છે.

ઉકાઈમાંથી 1 લાખ ક્યૂસેક પાણી છોડાય તેવી શક્યતા
ઉપરવાસમાં સતત વરસાદને લીધે ઉકાઈ ડેમમાં પાણીની આવક વધી રહી હોય ઉકાઈ ડેમના ફ્લડ સેલના ડેપ્યુટી એક્ઝિક્યુટીવ એન્જિનિયર દ્વારા આજે સવારે સુરત જિલ્લા કલેક્ટર, સુરત મ્યુનિસિપલ કમિશનર, સુરત પોલીસ કમિશનર સહિત સંબંધિત વિભાગના વડાઓને એક એલર્ટ લેટર મોકલવામાં આવ્યો છે. આ લેટરમાં ઉકાઈ ડેમના ફ્લડ સેલના ડેપ્યુટી એક્ઝિક્યુટીવ એન્જિનિયર દ્વારા ઉકાઈ ડેમમાંથી સવારે 10 કલાકે 22,656 ક્યૂસેક પાણી તાપીમાં છોડવામાં આવી રહ્યું છે, અને જે રીતે ઉપરવાસના કેચમેન્ટ એરિયામાં વરસાદ વરસી રહ્યો છે, તે જોતાં ડેમમાંથી 1 લાખ ક્યૂસેક પાણી છોડવામાં આવી શકે છે. સંજોગોને આધીન તે નિર્ણય લેવામાં આવશે. સુરતનું તંત્ર પરિસ્થિતિને પહોંચી વળવા તૈયારી કરી લે તેવી સૂચના પણ ઉકાઈ ડેમના ફ્લડ સેલ દ્વારા આ પત્રના માધ્યમથી આપવામાં આવી છે.

Most Popular

To Top