SURAT

સુરત: નિર્માણાધિન રેસિડેન્સીમાં લિફ્ટીની કામગીરી કરતી વખતે 14માં માળેથી બે કામદારો નીચે પટકાતાં મોત

સુરત: સુરતમાં (Surat) અમદાવાદ (Ahmadabad) જેવી ઘટનાનો કિસ્સો સામે આવ્યો છે. સુરતના બમરોલી-પાંડેસરા વિસ્તારમાં આવેલી નવનિર્માણાધિન પ્લેડિયમ રેસિડેન્સીમાં (Palladium Residency) 14મા માળે લિફ્ટની કામગીરી દરમિયાન બે વર્કર (Worker) નીચે પટકાયા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવી છે કે એક કામદારનું બેલેન્સ લથડતાં બીજો કામદાર તેને બચાવવા જતાં બંને 14માં માળેથી નીચે પડ્યા હતા.

મળતી માહિતી મુજબ નિર્માણાધિન પ્લેડિયમ રેસિડેન્સીમાં લિફ્ટની કામગીરી દરમિયાન બે કામદારો 14મા માળેથી નીચે પડ્યા હતા. ફાયર વિભાગના વિનોદ માંગેલાલ પાસેથી જાણવા મળ્યું છે કે પ્લેડિયમ રેસિડેન્સીમાં બે વર્કર્સ 14મા માળેથી પડી જવાનો કોલ મળ્યો હતો. આ ઘટનાની જાણ થતા ફાયર વિભાગની સાથે પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી. ડીસીપી સાગર વાઘમારએ જણાવ્યું હતું કે હાલમાં આ સોસાયટીનું લિફ્ટના સેટ-અપનું કામ ચાલતું હતું, અ્ને વર્કર્સ કામ કરી રહ્યા હતા. લિફ્ટના સેટ-અપ માટે ડ્રિલિંગનું કામ ચાલી રહ્યું હતું. સ્ટૂલ પરથી એક વર્કરનું બેલેન્સ લથડી ગયું હતું. અને તેને બચાવવા જતાં બીજો વર્કર પણ તેની સાથે નીચે પટકાયો હતો. આટલી ઉપરથી નીચે પટકાતાં બંને કામદારોના મોત નિપજ્યાં હતા.

એકને બચાવવા જતા બંને કામદારો નીચે પટકાયા
લિફ્ટીની કામગીરી સાથે જોડાયેલા બંને મૃતકો મૂળ મહારાષ્ટ્રના જલગાવ જિલ્લાના સિરુડ ગામના વતની આકાશ સુનિલ બોરસે અને નિલેશ પ્રહલાદ પાટીલ સુરતમાં રહે છે. છેલ્લા બે વર્ષથી તેઓ લિફ્ટની કામગીરી કરતી કંપનીમાં કામ કરી રહ્યા હતા. ત્યારે આજે સવારે પ્લેડિયમ રેસિડેન્સીની લિફ્ટની કામગીરી દરમિયાન દુ:ખદ ઘટના બની હતી, આજે સવારે 10:30 વાગ્યાની આસપાસ લિફ્ટના દરવાજા પાસે આકાશ સ્ટૂલ પર ચડી ડ્રિલિંગનું કામ કરી રહ્યો હતો તે દરમિયાન આકાશનું બેલેન્સ બગડતા તેને બચાવવા નિલેષ આગળ વધ્યો હતો. આ દરમિયાન બંને 14મા માળેથી નીચે પટકાયા હતા અને બંનેના મોત નીપજ્યાં હતાં.

ડાબેથી મૃતક નિલેશ અને આકાશ

પરિવાર વતનમાં રહે છે
જાણકારી અનુસાર મૃતક આકાશ એકલો સુરતમાં રહેતો અને તેનો પરિવાર મહારાષ્ટ્રમાં રહે છે. તેમજ મૃતક નિલેશના પરિવારમાં માત્ર પિતા અને એક નાનો ભાઈ છે. અને તે પણ કામના અર્થે સુરતમાં એકલો રહેતો હતો. બંનેના પરિવારને જાણ થતા તેઓ મહારાષ્ટ્રથી સુરત આવવા નીકળ્યા છે.

Most Popular

To Top