Gujarat

સુરતથી મહુવા વચ્ચે સાપ્તાહિકને બદલે ડેઇલી ટ્રેન દોડાવવા કરાઈ માંગ

સુરત: (Surat) ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા કેન્દ્રિય રેલ્વે મંત્રી પીયુષ ગોયલ તથા સાંસદોને સુરતથી મહુવા (Mahuva) વચ્ચે ડેઇલી ટ્રેન (Daily Train) દોડાવવા માટે રજૂઆત કરવામાં આવી હતી. જો કે, રેલ્વે તંત્રે સુરતથી મહુવા વચ્ચે આગામી તા. ૧૪ એપ્રિલ ર૦ર૧થી અઠવાડિયામાં એક દિવસ સ્પેશિયલ ટ્રેન દોડાવવાની જાહેરાત કરી છે. પરંતુ ચેમ્બર દ્વારા ફરીથી રેલ્વે મંત્રી પિયુષ ગોયલ તથા સાંસદોને સુરતથી મહુવા વચ્ચે સાપ્તાહિકને બદલે ડેઇલી ટ્રેન દોડાવવા માટે તેમજ આ ટ્રેનના સમયમાં ફેરફાર કરી તેને સુરત સ્ટેશનેથી (Surat Station) વહેલી સવારને બદલે રાત્રે ઉપાડવા માટેની માંગ કરવામાં આવી છે.

ચેમ્બરના પ્રમુખ દિનેશ નાવડિયાએ જણાવ્યું હતું કે, સુરતથી મહુવા વચ્ચે દોડનારી ટ્રેનને કોરોના કાળ દરમ્યાન બંધ કરવામાં આવતા સુરતમાં વસવાટ કરતા સૌરાષ્ટ્રવાસીઓની મુશ્કેલી વધી ગઇ છે. તેઓને લકઝરી બસોમાં મોંઘુ ભાડું ખર્ચીને રોજિંદા ભાવનગર તરફ પ્રવાસ કરવો પડી રહયો છે. આ અંગે સૌરાષ્ટ્રવાસીઓ દ્વારા ચેમ્બરને રજૂઆત કરવામાં આવી હતી. ચેમ્બરની રેલ્વે કમિટી દ્વારા આ અંગેની નોંધ લઇ સુરતથી મહુવા વચ્ચે ડેઇલી ટ્રેનને દોડાવવા માટેના મુદ્દા ઉપર ચર્ચા કરાઇ હતી અને તેને આધારે રેલ્વે મંત્રી પીયુષ ગોયલ તથા સાંસદ દર્શના જરદોશને રજૂઆત કરવામાં આવી હતી.

ચેમ્બરની વિનંતીને ધ્યાને લઇ તથા સૌરાષ્ટ્રના મુસાફરોની સુવિધા માટે સાંસદ દર્શના જરદોશ દ્વારા લોકસભામાં આ મામલે રજૂઆત કરવામાં આવી હતી.રેલ્વે તંત્ર દ્વારા સુરતથી મહુવા વચ્ચે ડેઇલી ટ્રેનને બદલે અઠવાડિયામાં બુધવારના રોજ ટ્રેન દોડાવવાની જાહેરાત કરાઇ છે. તદુપરાંત સુરતથી મહુવા માટે આ ટ્રેનનો ઉપડવાનો સમય વહેલી સવારે પ.૩પ કલાકનો રાખવામાં આવ્યો છે. પરંતુ આ ટ્રેનમાં મુસાફરી કરનાર મોટા ભાગના મુસાફરો ભાવનગર તથા તેની આસપાસના સૌરાષ્ટ્રના વતની છે અને સુરતમાં તેઓ મોટા ભાગે હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા છે. દિવસ દરમ્યાન નોકરી પૂર્ણ કરીને રાત્રિ દરમ્યાનનો સમય તેઓને મુસાફરી માટે અનુકુળ રહેતો હોવાથી સુરત રેલ્વે સ્ટેશનેથી ટ્રેનનો ઉપડવાનો સમય વહેલી સવારને બદલે રાત્રે ૮ થી ૯ વચ્ચેનો રાખવામાં આવે તો મુસાફરોની સમસ્યાનો અંત આવી શકે તેમ છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top