SURAT

સુરતમાં ટેસ્ટિંગની સંખ્યા વધારાઈ, અહીં કરાય રહ્યાં છે ટેસ્ટ

સુરત: (Surat) કોરોના સંક્રમણ તેજ ગતિએ આગળ વધી રહ્યું છે. ત્યારે કોરોનાને અટકાવવા માટે પાલિકા દ્વારા ટેસ્ટિંગની સંખ્યા વધારી દેવાઈ છે. કોરોના સંક્રમણને નાથવા પાલિકા દ્વારા ટ્રાન્સપોર્ટેશનમાં વપરાતી બીઆરટીએસની બસમાં ટેસ્ટિંગ સેન્ટર (Testing Center) શરૂ કરી દેવાયાં છે. જેમાં શહેરના કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં જઈ દુકાનદારોના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. તો શહેરમાં પ્રવેશતા અન્ય શહેરના તમામ લોકોના ટેસ્ટ પણ પ્રવેશદ્વાર પર જ ડોમ ઊભા કરી કરવામાં આવી રહ્યા છે. બીજી તરફ ભીડભાડવાળા વિસ્તાર ટેક્સટાઈલ માર્કેટ અને હીરા બજારમાં પણ ટેસ્ટ માટેની સુવિધા ઊભી કરાઈ છે. પાલિકા કમિશનરે કહ્યું કે, ટેસ્ટની સંખ્યા ડબલ જેટલી કરવામાં આવી રહી છે.

સુરતમાં કોરોના બ્લાસ્ટ થવાની સાથે જ કેસ પણ વધારે આવી રહ્યાં છે. મહારાષ્ટ્રથી આવતા લોકોમાં કેસ વધુ આવી રહ્યા છે. જેથી બસ કે ટ્રેન મારફતે આવનારાના તે સ્થળ પર ટેસ્ટ થાય તેવી વ્યવસ્થા ઊભી કરાઈ છે. રેલવે સ્ટેશન અને બસ સ્ટેશન પર પણ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. શહેરમાં બીજા જિલ્લા કે શહેરમાંથી આવનારા લોકોના ફરજિયાત ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. હોટલમાં પણ ટેસ્ટનાં સર્ટિ. આપ્યા બાદ જ પ્રવેશ આપવામાં આવે છે. સાથે જ ટેસ્ટમાં અગાઉ જે સંખ્યામાં પોઝિટિવ કેસ આવે છે તેના કરતાં હાલ પોઝિટિવનો દર વધારે આવે છે. કોરોના સંક્રમણ પર કાબૂ મેળવવા કેસની સંખ્યા વધારવામાં આવી હોવાનું પાલિકા કમિશનરે કહ્યું છે.

ટેસ્ટની સંખ્યા વધારાઈ છે: કમિશનર

પાલિકા કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે, ટેસ્ટિંગ વધારી દેવામાં આવ્યું છે. અગાઉ ટેક્સટાઈલ માર્કેટમાં 1700થી 1800 ટેસ્ટ થતા હતા. જે હવે 3થી 4 હજાર જેટલા ટેસ્ટ કરાઈ રહ્યા છે. ઓવરઓલ ટેસ્ટિંગ શહેરમાં 8થી 10 હજાર ટેસ્ટ થતાં હતા, જે અત્યારે 17થી 18 હજાર કરવામાં આવે છે. આગામી દિવસોમાં 20 હજાર સુધી ટેસ્ટ કરવામાં આવશે. જ્યાં સુધી કેસની સંખ્યા ઓછી ન થાય ત્યાં સુધી પૂરતા પ્રમાણમાં ટેસ્ટ કરવામાં આવશે તેમ વધુમાં કમિશનરે ઉમેર્યું હતું.

સુરત રેલવે સ્ટેશને મુસાફરોના ટોળા ભેગા કરી ટેસ્ટીંગ

શહેર અને જિલ્લા સહિત રાજ્યભરમાં છેલ્લા એક સપ્તાહથી કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. બહારગામથી ટ્રેન મારફતે સુરત પરત ફરી રહેલા મુસાફરો સુપર સ્પ્રેડર્સ બની રહ્યા છે. મુસાફરો આવતાની સાથે પોલીસ, રેલવે અને સુરત મહાનગર પાલિકા દ્વારા સોશિયલ ડિસ્ટન્સ વિના મુસાફરોના ટોળા ભેગા કરી ટેસ્ટીંગ કરવામાં આવી રહ્યું છે જેના કારણે સંક્રમણ વધવાની પૂરી સંભાવના છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top