SURAT

સુરતના કાપડ ઉદ્યોગમાં તેજી: મીલો 15 દિવસ બંધ રહેવાની હતી પણ આજથી જ શરૂ થઈ ગઈ

સુરત: (Surat) કોરોના સંક્રમણના દોઢ વર્ષ પછી સુરતના કાપડ ઉદ્યોગમાં (Textile Industries) તેજી (Boom) જોવા મળી રહી છે. ખાસ કરીને શહેરના ડાઇંગ એકમોને (Dyeing Units) આગામી લગ્નસરા અને હોળીની સિઝન માટે ઓર્ડર (Order) મળ્યા હોવાથી ડાઇંગ એકમોએ આજથી જ એકમો ચાલુ કરી દીધા છે. સચિન, પલસાણા, કડોદરા, વસ્તાદેવડી રોડ અને સુરત સિટીના ડાઇંગ હાઉસો શરૂ થયા છે. જયારે બુધવારથી પાંડેસરાની મિલો (Mill) શરૂ થશે.

  • સચિન, પલસાણા, કડોદરા, વસ્તાદેવડી રોડ અને સુરત સિટીના ડાઇંગ હાઉસો શરૂ થઈ ગયા, કાલથી પાંડેસરાની મિલો પણ શરૂ થઈ જશે
  • રો-મટીરીયલનો નવો ભાવવધારો અમલી બનતા જોબચાર્જનો દર નહીં ઘટાડવા પ્રોસેસર્સ એસો.ની અપીલ

જે એકમો પાસે જોબવર્કનું કામ છે તેવી મિલોના કામદારો દિવાળી વેકેશનમાં વતને ગયા નથી. કામદારોને જાળવી રાખવા માટે લેબર ચાર્જમાં પણ રોજે રોજ રોકડમાં વેતન ચૂકવાઇ રહ્યું છે. પ્રોસેસર્સ એસોસિએશન દ્વારા લાભપાંચમના બીજા દિવસથી મિલો શરૂ કરવા જાહેરાત કરવામાં આવી છે. જયારે કાપડ માર્કેટ લાભપાંચમની સવારે પૂજા થયા પછી બપોરે બંધ થઈ હતી અને કાલથી રાબેતા મુજબ શરૂ થઇ જશે. ફોસ્ટાના પ્રમુખ મનોજ અગ્રવાલે જણાવ્યું હતું કે શહેરની કાપડ માર્કેટો આવતી કાલથી શરૂ થઇ જશે.

બીજી તરફ એસજીટીપીએના પ્રમુખ જીતેન્દ્ર વખારીયા અને પાંડેસરા ઇન્ડસ્ટ્રીઝ એસો.ના પ્રમુખ કમલવિજય તુલસિયાને જણાવ્યું હતું કે, પાંડેસરા જીઆઇડીસીના પ્રોસેસિંગ એકમો બુધવારથી શરૂ થઇ જશે. 2 નવેમ્બરના રોજ કલર, ડાઇઝ અને કેમિકલના ભાવો 12 ટકા સુધી વધી ગયા હોવાથી પ્રોસેસર્સને જોબચાર્જમાં કોઇપણ પ્રકારનો ઘટાડો નહીં કરવા અપીલ કરવામાં આવી છે. કારણ કે રો-મટીરીયલના ડિલર્સ દ્વારા 15મી નવેમ્બર પહેલા બીજો ભાવવધારો સ્વિકારવા તૈયાર રહેવા જણાવવામાં આવ્યું છે. તેને ધ્યાનમાં રાખી સાઉથ ગુજરાત ટેક્સટાઇલ પ્રોસેસર્સ એસો. દ્વારા જોબચાર્જ નહીં ઘટાડવા અને મિલને નુકશાનીમાં નહીં લઇ જવા અપીલ કરી છે.

Most Popular

To Top