SURAT

તબેલામાંથી ઢોર ઊંચકી જતી સુરત પાલિકાથી નારાજ માલધારીઓએ રસ્તે બેસી કર્યું આવું…

સુરત(Surat): છેલ્લાં કેટલાંક સમયથી રાજ્યમાં રખડતા ઢોરનો (Stray cattle) મુદ્દો ખૂબ ચગી રહ્યો છે. પૂર્વ નાયબ મુખ્યમંત્રીને ઢોરે અડફેટે લીધા ત્યાર બાદ સરકાર પણ આ મામલે કડક બની છે અને રખડતાં ઢોરને પાંજરે પૂરી રહી છે ત્યારે સુરત મહાનગરપાલિકા તો હવે તબેલામાં ઘૂસીને ઢોર પકડવા લાગી છે. સુરત મનપાનું (Surat Municipal Corporation) કહેવું છે કે ગેરકાયદે તબેલા સામે પણ કાર્યવાહી શરૂ કરાઈ છે. ગેરકાયદે તબેલા અને ઢોર પકડવાની કામગીરીના લીધે સુરત શહેરનો માલધારી સમાજ ગુસ્સે ભરાયો છે. આજે માલધારીઓએ રસ્તા પર બેસી જઈ વિરોધ પ્રદર્શન (Protest) કર્યું હતું.

  • રાંદેર ઝોન દ્વારા ઉગત રોડ પર આવેલા ગેરકાયદે ભેંસના તબેલા પર બુલડોઝર ફેરવાયું
  • તબેલાવાળા અને રાંદેર ઝોનના સ્ટાફ વચ્ચે ઘર્ષણ થતા પોલીસે દરમિયાનગીરી કરી મામલો શાંત પાડ્યો
  • પાલિકાની ડિમોલીશનની કાર્યવાહી બાદ માલધારી એકતા સમિતિ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું

સુરત શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી રખડતા ઢોરના મુદ્દે સુરત મનપા અને પશુપાલકો વચ્ચે ગજગ્રાહ ચાલી રહ્યો છે. આ ગજગ્રાહની સાથે સાથે મનપા દ્વારા રિઝર્વેશન પ્લોટ ઉપર તાણી દેવાયેલા ભેંસના તબેલાઓનું ડિમોલિશન કરવાનું અભિયાન શરૂ કરી દેવામાં આવ્યું છે. જેના અનુસંધાને આજરોજ રાંદેર ઝોન દ્વારા ઉગત રોડ ઉપર આવેલા ગેરકાયદે ભેંસના તબેલા ઉપર બુલડોઝર ફેરવવાનો પ્રારંભ કર્યો હતો. ઉગત રોડ ઉપર રિઝર્વેશન વાળી જગ્યામાં તાણી દેવાયેલા ૨૫ જેટલા તબેલા ઉપર રાંદેર ઝોને બુલડોઝર ફેરવી દેતા સ્થાનિક તબેલાવાળા અને રાંદેર ઝોનના સ્ટાફ વચ્ચે ઘર્ષણ થતાં બંદોબસ્તમાં તૈનાત પોલીસ અને અધિકારીઓ દ્વારા લોકોનો વિરોધ શાંત પાડ્યો હતો.

રાંદેર ઝોન તરફથી પ્રાપ્ત વિગત મુજબ વર્ષોથી રાંદેર ઝોનની હદમાં આવેલા ઉગત રોડ ઉપ૨ 25થી વધુ ભેંસના તબેલા આવેલા છે. રિઝર્વેશન જગ્યામાં બનેલા આ ભેંસના તબેલા ઉપર આજે રાંદેર ઝોન દ્વારા બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. આજે સવારથી જ રાંદેર ઝોનનો ડિમોલિશન સ્ટાફ જરૂરી પોલીસ બંદોબસ્ત સાથે ઉગત રોડ ઉપર ધસી જઈ તબેલાઓનું ડિમોલિશન શરૂ કરતા સ્થાનિક રહીશો દ્વારા વિરોધ નોંધાવતા પોલીસે લોકોને શાંત પાડ્યા હતા.

માલધારી એકતા સમિતિ દ્વારા વિરોધ અને અનશન
સુરત પાલિકાની કામગીરીથી નારાજ માલધારી સમાજનું પ્રતિનિધિત્વ કરતી માલધારી એકતા સમિતિ દ્વારા વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ આપવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં માલધારીઓએ રસ્તા પર બેસી જઈ પાલિકાની કામગીરી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. ‘હમ હમારા હક માંગતે, નહીં કિસી સે ભીખ માંગતે’, ‘અત્યાચાર બંધ કરો’, ‘નહીં ચલેગી તાનાશાહી’, ‘ન્યાય આપો’, જેવા સૂત્રોચ્ચાર કર્યા હતા.

રખડતા ઢોર અને ગેરકાયદે તબેલા સામે કાર્યવાહી કરાશે: મેયર
માલધારી સમાજના વિરોધ વચ્ચે સુરત મહાનગરપાલિકાના મેયર હેમાલી બોઘાવાલાએ રખડતા ઢોર અને ગેરકાયદે તબેલાના ડિમોલીશનની કામગીરી ચાલુ રાખવામાં આવશે તેવી મક્કમતા વ્યક્ત કરી હતી. મેયર હેમાલી બોઘાવાલાએ કહ્યું કે, રખડતા ઢોરને પકડી પાંજરે પુરવામાં આવે છે. દંડ વસૂલ્યા બાદ પશુ છોડવામાં આવે છે. તે ઉપરાંત ગેરકાયદે દબાણો હટાવવામાં આવી રહ્યાં છે. સુરત મનપાના ત્રણ વિભાગો દ્વારા સંયુક્તપણે આ કામગીરી ઝૂંબેશ રીતે કરવામાં આવી રહી છે. પાલિકાના કર્મચારીઓ પર હુમલાઓ કરનારા સામે પોલીસની મદદથી કાર્યવાહી કરાઈ રહી છે.

Most Popular

To Top